રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી (RRL) – જમ્મુ-તાવી

January, 2004

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી (RRL), જમ્મુ-તાવી : ભારતની કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સંસ્થાની ઔષધવિજ્ઞાનને લગતી જમ્મુ-તાવી ખાતે આવેલ પ્રયોગશાળા. તેની સ્થાપના 1941માં ‘‘ડ્રગ રિસર્ચ લૅબોરેટરી ઑવ્ જે ઍન્ડ કે સ્ટેટ’ તરીકે થઈ હતી, જેને 1957માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)નું અંગ બનાવવામાં આવી હતી. તેના પ્રથમ નિયામક કર્નલ રામનાથ ચોપરા હતા. આ લૅબોરેટરીનાં બે મુખ્ય કાર્યક્ષેત્ર છે : (i) દવાની ડિઝાઇન કરી તેનો વિકાસ કરવો અને (ii) પેશી-સંવર્ધન દ્વારા સૂક્ષ્મ જીવાણુઓનું સંવર્ધન કરી છેવટે દેશમાં ઉદ્યોગોનો વિકાસ કરવો. હાલમાં (2003) સંસ્થાના નિયામક ડૉ. જી. એન. કાજી છે.

આજે આ સંસ્થા વનસ્પતિમાંથી મળતાં રસાયણો તથા તેની તકનીકી અને પેશી-સંવર્ધનની બાબતોમાં અગ્રેસર છે. તેનું કાર્યક્ષેત્ર ઔષધીય અને સુગંધિત છોડની સાચવણી કરવી, જનીનવિદ્યા દ્વારા તેમની ગુણવત્તામાં વધારો કરવો તથા તેમનું પેશી-સંવર્ધન કરવું, વનસ્પતિ આધારિત નવી દવાઓનો વિકાસ કરવો તેમજ ઔષધીય વનસ્પતિની ગુણવત્તાના માપદંડો વગેરે નક્કી કરવાં – તે છે. તેણે આથવણ (fermentation), તકનીકી, ઉત્સેચકવિજ્ઞાન (enzymology) તથા જનીનવિદ્યામાં પણ ઘણું યોગદાન આપ્યું છે. આ માટે સંસ્થા અતિ આધુનિક સાધનો, સુસજ્જ પુસ્તકાલય, ઇન્ટરનેટ વગેરેની સુવિધાઓ ધરાવે છે.

છેલ્લા કેટલાક દાયકામાં સંસ્થાએ ઉદ્યોગોને ઘણી યોજનાઓમાં માર્ગદર્શન અને સલાહસૂચન પૂરું પાડીને તેમના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. તેણે મેન્થૉલનું ઉત્પાદન કરવા માટેની તકનીક દેશમાં 50 જેટલાં ઔદ્યોગિક ગૃહોને તેમજ મ્યાનમારને આપી છે, તો વિયેટનામમાં કુદરતી રંગો તથા સુગંધિત દ્રવ્યો અંગેની, હિમાચલ પ્રદેશમાં સુકવણીની ભઠ્ઠીઓ અંગેની, પશ્ચિમ બંગાળમાં જાવા સિટ્રેનેલા તેલમાંથી વિભિન્ન રસાયણો છૂટાં પાડવાની, ડાયોસ્જેનિનમાંથી 16 ડી.પી.એ બનાવવાની તકનીક જે તે ઉદ્યોગોને આપી છે.

હાલ તે 25 જેટલી સુધારેલી જાતના ઔષધીય તથા સુગંધિત છોડ ઉગાડવા માટેની તકનીક તથા 15 જેટલા ઔષધીય છોડ ઉગાડવા માટેની પેશી-સંવર્ધન તકનીક ધરાવે છે. તે ખેડૂતોને આપવામાં આવે છે. વાનસ્પતિક ઔષધોના ગુણવત્તાવાળા અર્ક (extract) તૈયાર કરવાની તથા તેમની ગુણવત્તા માપવાની તકનીક તેની પાસે છે. આ ઉપરાંત વનસ્પતિમાંથી કૉલ્ચિસીન, કૉલ્ચિકોસાઇડ, સિલીમારીન, બોઝવેલિક ઍસિડ, ડાયોસ્જેનીન, 16-ડી.પી.એ., બરબેરીન હાઇડ્રોક્લૉરાઇડ, રુટીન, મેન્થૉલ, એઇસીન, પીપરીન, યૂજેનૉલ, આઇસો-યૂજેનૉલ, કપૂર, એનેથૉલ, થાયમૉલ, ટ્રાયમીથૉક્સી બેન્ઝોઇક ઍસિડ વગેરે મેળવવાની તકનીક પણ ઉપલબ્ધ છે. પેશી-સંવર્ધન દ્વારા ગ્લુકોનેટ ક્ષાર, 2-કીટો-ડી-ગ્લુકોનિક ઍસિડ અને આઇસો-સોર્બિક ઍસિડ તથા લાયપેઝ, ગ્લુકોઝ-ઑક્સિડેઝ, ડીહાઇડ્રોજિનેજ, અમાયલેઝ, એસ્ટરેઝ જેવા ઉત્સેચકોની તથા કિરલ (chiral) ઔષધોને જુદાં પાડવાં અને બાયૉફર્ટિલાઇઝર બનાવવાની તેમજ બાયૉકન્ટ્રોલર ફૉર ઍગ્રિકલ્ચર વગેરેની તકનીક પણ છે.

ગ્રામીણ ગરીબોના વિકાસ માટે ઔષધીય છોડની ખેતી, સસલાં તથા અન્ય ઉછેર, રેશમની ખેતી વગેરેની તાલીમ પણ તે આપે છે.

આ ઉપરાંત આ સંસ્થા ઉદ્યોગો તથા અન્ય સંસ્થાઓ માટે વનસ્પતિ તથા તેના રાસાયણિક ઘટકોને ઓળખવાનું તથા વનસ્પતિના અર્ક(નિષ્કર્ષ)ની ગુણવત્તા શોધવાનું કામ પણ કરે છે. આ માટે તે કુદરતી અને સંશ્લેષિત પદાર્થોનું યકૃતના રક્ષણ માટે, રોગપ્રતિકારક શક્તિ માટે તથા કૅન્સર, મધુપ્રમેહ તેમજ સોજા વગેરે માટે ઔષધગુણ વિજ્ઞાનીય પરીક્ષણ કરવાનું કામ પણ કરે છે. જમ્મુ યુનિવર્સિટીના સહયોગથી એમ.એસસી. બાયૉટૅકનૉલૉજી અભ્યાસક્રમ પણ ત્યાં શરૂ થયો છે. સંસ્થા દેશના તથા વિદેશના વિદ્યાર્થીઓને તથા વૈજ્ઞાનિકોને લાંબા અને ટૂંકા ગાળાની તાલીમ આપવાનું કામ કરે છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ