રીંછ (Bear) : ગળા અને ખભા પર લાંબા કેશ ધરાવતું બરછટ વાળવાળું માંસાહારી (carnivora) શ્રેણીનું પ્રાણી. કુળ ઉર્સિડે. ભારતમાં સામાન્યપણે જોવા મળતા રીંછને અંગ્રેજીમાં ‘sloth bear’ કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Melurus ursinus. મધમાખી અને ઊધઈ જેવા કીટકો, તેનો મનગમતો ખોરાક. પોતાના તીણા અને લાંબા નહોરથી આવા કીટકોને તેમના રાફડા, મધપૂડા વગેરેમાંથી ખોતરીને ભરખી જાય છે. રીંછને મધ ઘણું ભાવે છે. રીંછના લચીલા હોઠ, ચીકણી જીભ, તેમજ દાંત આવા પ્રકારનો ખોરાક લેવા માટે અનુકૂલન પામેલા છે. જોકે સસ્તનોમાં દેખાતા આગલા દાંત રીંછને હોતા નથી. આમ તો રીંછ મિશ્રાહારી છે અને તે કીટકો ઉપરાંત મીઠાં ફળ (દા.ત., બોરાં) અને ફૂલ પણ ખાય છે. તે મધ તેમજ વાનસ્પતિક ખોરાક મેળવવા માટે સીધું ઝાડ પર ચડે છે અને ખોરાક લીધા પછી ઊંધું જ ઝાડ પરથી નીચે ઊતરે છે. દિવસ દરમિયાન તે ખડકો વચ્ચે અથવા તો ગુફા જેવી જગ્યાએ આરામ કરે છે અને સંધ્યા સમયે ખોરાકની શોધમાં બહાર નીકળે છે.
ભારતમાં રીંછને એક નષ્ટપ્રાય (endangered) પ્રાણી તરીકે સ્વીકારવામાં આવેલું છે અને તેથી તેને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. ગુજરાતનાં રતનમહાલ અને જેસ્સોર – આ બે અભયારણ્યો માત્ર રીંછ માટે જ ખોલવામાં આવ્યાં છે. તદુપરાંત બારિયા, ગોધરા, છોટાઉદેપુર અને રાજપીપળાનાં અભયારણ્યોમાં પણ રીંછ વાસ કરતાં જોવા મળે છે.
ભારતમાં ગુજરાત ઉપરાંત આસામ, મિઝોરમ, અરુણાચલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ભારતનાં જંગલોમાં પણ કેટલીક જગ્યાએ તે જોવા મળે છે.
રીંછ સામાન્યપણે એકલજીવન પસાર કરે છે. તે અન્ય સસ્તનોની જેમ જમીન પર આંગળીઓ ટેકવીને ચાલવાને બદલે માનવીની જેમ પગનાં તળિયાં પૂરેપૂરાં ટેકવીને ચાલે છે. મોટા કદના રીંછના પાછલા પગ 30–40 સેમી. જેટલા લાંબા હોઈ શકે છે. વળી રીંછની આંખો નબળી ગણાય છે અને તે ખોરાક માટે મુખ્યત્વે ગંધગ્રાહી સંવેદનાંગ નાક પર આધાર રાખે છે. રીંછ શરમાળ પ્રાણી છે અને માનવથી દૂર રહેવાનું પસંદ કરે છે; પરંતુ સંજોગવશાત્ જો રીંછની નજદીક માણસ આવે તો તે સ્વરક્ષણાર્થે તીણા નખ વડે તેના પર હુમલો કરે છે; જે માનવી માટે ખતરનાક પણ નીવડી શકે છે.

ભારતીય રીંછ
રીંછ ઉનાળામાં ઋતુમાં આવે છે. તેની માદા શિયાળામાં 2–3 બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાંના પાલનપોષણની જવાબદારી માતા ઉપાડે છે. બાળસંભાળ દરમિયાન માતા ઉગ્ર બની સહેજ પણ ઉશ્કેરાતાં અન્ય પ્રાણી પર ઉગ્રતાથી હુમલો કરે છે. સામાન્યપણે ભારતીય રીંછ 40–50 વર્ષ જીવે છે.
ભારતના અન્ય રીંછમાં હિમાલયન અને કાળા રીંછનો સમાવેશ થાય છે.
હિમાલયન રીંછ : શાસ્ત્રીય નામ, Selenarctors thibetanus. આ રીંછ કદમાં સહેજ નાનું છે અને તેની ઊંચાઈ 75° સેમી. જેટલી હોય છે. તેના વાળ આછા શ્યામ હોય છે અને છાતી પર તે ‘V’ આકારની આકૃતિ ધરાવે છે. વિશેષે કરીને ઉત્તર પ્રદેશમાં આવેલ કૉર્બેટ અભયારણ્યમાં અને અરુણાચલમાં તે સવિશેષ જોવા મળે છે. ઉનાળામાં તે પર્વત પર આરોહણ કરી 3,000 મીટર સુધી ઊંચે જાય છે; જ્યારે શિયાળામાં નીચે ઊતરી વૃક્ષની બખોલ જેવા સ્થળને પસંદ કરી ત્યાં શીતનિદ્રા (hibernation) અનુભવે છે. ખાવાની અછતને લીધે આવી શીતનિદ્રા રીંછ માટે અનિવાર્ય બની રહે છે.
શ્યામ રીંછ (Black bear) : ભારતના સામાન્ય રીંછની જેમ શ્યામ રીંછનો ખોરાક પણ કીટકોનો અને તેમાંય મધ તેનો મનગમતો ખોરાક હોય છે. શ્યામ રીંછ સિક્કિમમાં વસે છે. ઉનાળામાં તે પર્વત પર ઊંચે ચડે છે, જ્યારે શિયાળામાં તે ખીણોમાં ઊતરી આવે છે, જ્યાં રીંછને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે. હિમાલયન રીંછની જેમ શ્યામ રીંછ નિદ્રાધીન થવાને બદલે ક્રિયાશીલ જીવન વિતાવે છે. તેની શ્રવણેન્દ્રિય પ્રમાણમાં વધુ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીંછની જેમ શ્યામ રીંછ કીટાહારી અને શાકાહારી હોવા છતાં તક મળતાં તે પાલતુ જાનવર પર હુમલો કરી માંસનો સ્વાદ પણ લે છે અને ખોરાકની ઉપલબ્ધિને આધીન તેનો આહાર બદલતું હોય છે. કાળાં રીંછ માનવ-વસાહતની નજદીક રહેતાં હોય છે; જોકે તે માનવથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તે માનવ-સંપર્કમાં સતત આવતાં હોવાથી વધારે સતેજ રહે છે અને સંજોગોવશાત્ ઉગ્ર બનીને માનવ પર હુમલો પણ કરે છે.
ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ વિવિધ જાતનાં રીંછ વાસ કરતાં હોય છે. તેમાંની અગત્યની જાતો નીચે પ્રમાણે છે :
ધ્રુવીય રીંછ (polar bear) : ઉત્તર ધ્રુવપ્રદેશમાં જોવા મળતું આ રીંછ મોટા કદનું પ્રાણી છે.

ધ્રુવ-પ્રદેશીય રીંછ (Polar bear)
તેની લંબાઈ આશરે 2.6 મીટર જેટલી હોય છે. તે તરવામાં કુશળ હોય છે અને કલાકે 10 કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે. વળી તે દોડવામાં પણ ચપળ હોય છે. તેની દોડ કલાકદીઠ 55 કિલોમીટર જેટલી હોય છે અને તે સ્થાનિક હરણ, રેન્ડિયર વગેરેને સહેલાઈથી પકડી શકે છે. ધ્રુવીય રીંછનો ખોરાક સામાન્ય રીતે માછલી, સીલ, વાલરસ જેવાં જળચર પ્રાણીઓનો હોય છે. ભૂખ્યું હોય તો તે માનવ પર આક્રમણ કરવા પ્રેરાય છે. ઘાસનો પણ તે આહાર તરીકે ઉપયોગ કરે છે. ઉત્તર ધ્રુવપ્રદેશમાં વસતા એસ્કિમો ધ્રુવીય રીંછનો શિકાર કરી તેનું માંસ ભોજનમાં લે છે. તેની ચામડીનો ઉપયોગ પોશાકમાં થાય છે; જ્યારે હાડકાંમાંથી વાસણો બનાવાય છે.
અલાસ્કા રીંછ : આ રીંછ કદમાં સૌથી મોટું છે. અલાસ્કામાં રહેતા આ રીંછની લંબાઈ 2.5 મીટર જેટલી, જ્યારે વજન 200 કિલોગ્રામ કરતાં વધારે હોય છે. તે સહેલાઈથી ઉશ્કેરાય છે; પરંતુ ભય ન હોય તો ભાગ્યે જ હુમલો કરે છે.
સૂર્ય–રીંછ : મલાયામાં વસતું આ રીંછ કદમાં સૌથી નાનું છે. તેની લંબાઈ 1 મીટર કરતાં પણ ઓછી અને વજન 25થી 45 કિ.ગ્રામ વચ્ચેનું હોય છે. છાતી પર આવેલાં સફેદ અને પીળાશ પડતાં ટપકાંને લીધે તેને સૂર્ય-રીંછ કહેવામાં આવે છે.

પંડા
પંડા : આ પણ રીંછનો એક પ્રકાર છે. તેનું શાસ્ત્રીય નામ Ailuropoda mealan oleuca છે. ચીનનાં વાંસનાં જંગલોમાં તે વસે છે અને તેનો મુખ્ય ખોરાક વાંસના અંકુર અને થડનો હોય છે. તેની લંબાઈ 1.5 મીટર જેટલી, જ્યારે વજન 70–160 કિ.ગ્રામ વચ્ચેનું હોય છે. તેના પગ અને ખભા પર આવેલા વાળ રંગે કાળા હોય છે; જ્યારે શરીર પરના વાળ સફેદ હોય છે. તે પોતાના કહેવાતા ક્ષેત્રમાં – પોતાની સરહદ(territory)માં રહેવાનું પસંદ કરે છે.
મ. શિ. દૂબળે