રીંગણ

દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum melongena Linn. (સં. વાર્તાકી; મ. વાંગી; હિં. બેંગન, ભંટા, ભટોરા; બં. બેગુન; ક. બદનેકાઈ, કાચીગીડ; ત. કટ્ટારી; મલ. વાળુતિના; ગુ. રીંગણ, વેંગણી, વંતાકડી; અં. એગ પ્લાન્ટ, બ્રિંજલ) છે.

તે શાકીય, કાંટાળી કે કેટલીક વાર અશાખિત બહુવર્ષાયુ, 0.6 મી.થી 2.4 મી. ઊંચી વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં તેના ખાદ્ય ફળ માટે એકવર્ષાયુ તરીકે ઉગાડવામાં આવે છે. પર્ણો અંડાકાર, તરંગિત (sinuate) કે ખંડિત હોય છે. પુષ્પો વાદળી રંગનાં અને 2થી 5ના ગુચ્છમાં ઉત્પન્ન થાય છે. અનષ્ઠિલ (berry) પ્રકારનાં ફળ મોટાં, ઉપવલયાકાર (ellipsoid) કે લાંબાં, સફેદ, પીળા કે ઘેરા જાંબલી રંગનાં, 2.5 સેમી.થી 25 સેમી. જેટલાં લાંબાં અને અરોમિલ હોય છે અને વર્ધનશીલ (accrescent) વજ્ર ધરાવે છે. બીજ અસંખ્ય અને તકતી આકારનાં હોય છે. તેના કોષોમાં 24 રંગસૂત્રો હોય છે.

કૃષ્ય (cultivated) રીંગણના પૂર્વજ નક્કી કરવા મુશ્કેલ છે, છતાં સંકર-ઓજ (hybrid-vigour) અને સતત પસંદગી દ્વારા રીંગણની વિવિધ જાતોની ઉત્ક્રાંતિ થઈ હોવાની શક્યતા છે; જે મોટાં ખાદ્ય ફળો ધરાવે છે અને વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં અનુકૂલિત થઈ શકી છે. રીંગણ દક્ષિણ એશિયાની મૂલનિવાસી વનસ્પતિ છે અને પ્રાચીન અભિલેખો(records)ના અભ્યાસ ઉપરથી તેનો ઉદભવ ભારતમાં થયો હોવાની શક્યતા છે. ભારતમાંથી ઈરાન થઈ ઇજિપ્ત અને ઉત્તર આફ્રિકામાં તેનો ફેલાવો થયો છે.

રીંગણની મુખ્ય ચાર જાતો આ પ્રમાણે છે : (1) var. incanum (Linn.) Kuntze syn. S. incanum Linn., S. coagulans Forsk.; (2) var. melongena syn. S. melongena var. esculenta Nees; (3) var. depressum Bailey; અને (4) var. serpentinum (Desf). Bailey syn. S. serpentinum Desf. var. incanumનાં ફળો કડવાં અને સામાન્યત: અખાદ્ય (non-edible) હોય છે.

S. melongena Linn. var. incanum મધ્યમ કદની કાંટાળી, બહુવર્ષાયુ, ક્ષુપજાત છે અને વાદળી પુષ્પો અને પીળાં અંડાકાર કે ગોળાકાર ફળો ધરાવે છે. var. melongena સામાન્ય જાત છે અને મોટાં, લટકતાં, અંડાકાર-લંબચોરસ (ovoid-oblong) કે અંડાકાર (ovoid), 5 સેમી.થી 30 સેમી. લાંબાં, ચળકતાં, જાંબલી, સફેદ, પીળાં કે પટ્ટિત (striped) ફળો ધરાવે છે. var. depressum વામન જાત છે. તેનાં ફળો નાસપાતી આકારથી માંડી અંડાકાર, 10 સેમી.થી 12 સેમી. લાંબાં અને જાંબલી રંગનાં હોય છે. var. serpentinumનું ફળ 30 સેમી. જેટલું લાંબું અને 2.5 સેમી. વ્યાસવાળું હોય છે અને છેડેથી વાંકડિયું હોય છે.

રીંગણની બે સવિશેષ પ્રચલિત જાતો

રીંગણની કાંટા વગરની જાતોમાં અમેરિકન બ્લૅક બ્યૂટી, યૉર્ક અને જાયન્ટ પી.પી.નો સમાવેશ થાય છે; જ્યારે સૂરતી ગોળ કાંટાવાળી જાત છે. ગુજરાત કૃષિ-આબોહવાકીય વિસ્તાર પ્રમાણે મધ્ય ગુજરાત માટે રીંગણની ડૉલી-5 (નાનાં-લાંબાં ફળ), મોરબી-4 (મોટી-ગોળ), આણંદ રીંગણ-1 (નાનાં-લંબગોળ), દક્ષિણ ગુજરાતના વિસ્તાર માટે સૂરતી રવૈયાં (ગોળ રીંગણ), સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જૂનાગઢ લંબગોળ, પી.એલ.આર.–1 (નાનાં ગોળ), કે. એસ. 224 (મોટાં ગોળ) તેમજ બધા વિસ્તારોમાં વવાતા પુસા પર્પલ લૉંગ (લાંબાં રીંગણ) અને પુસા પર્પલ રાઉન્ડ(ગોળ)ની ભલામણ કરવામાં આવેલ છે.

સારણી : રીંગણની વિવિધ વ્યાપારિક જાતો અને ભારતમાં તેમનું વાવેતર

      પ્રકાર         રાજ્ય કે પ્રદેશ
અમેરિકન પર્પલ-88-23-23 મહારાષ્ટ્ર
બનારસ જાયન્ટ પૂર્વ ઉત્તર પ્રદેશ, દિલ્હી
બ્લૅક બ્યૂટી હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી
ગુડિયાથમ (S. H. 68) તામિલનાડુ
ગુટ્ટીવંકાયા (ગુટ્ટીવાંગા) આંધ્રપ્રદેશ, તામિલનાડુ
કાલીઆન્પુર T-1, T-2, T-3, T-4 ઉત્તર પ્રદેશ
ક્રિષ્નાનગર ગ્રીન લૉંગ પશ્ચિમ બંગાળ
ક્રિષ્નાનગર પર્પલ રાઉન્ડ પશ્ચિમ બંગાળ
મંજરી ગોટા નં. 28-IS મહારાષ્ટ્ર
મુક્તકેશી ઉત્તર પ્રદેશ, બિહાર
માયસોર ગ્રીન મૈસૂર
નુરકી લૉંગ ઉત્તર પ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ
પીબી. 8 પંજાબ, હરિયાણા, દિલ્હી
પીબી. 34 પંજાબ
પુસા અનમોલ દિલ્હી
પુસા પર્પલ ક્લસ્ટર હિમાચલ પ્રદેશ, પંજાબ, દક્ષિણ ભારત
પુસા ક્રાન્તિ દિલ્હી
પુસા પર્પલ લૉંગ ઉત્તરનાં મેદાનો અને ટેકરીઓ, દક્ષિણ ભારતની
આબોહવા માટે પણ યોગ્ય.
પુસા પર્પલ રાઉન્ડ ઉત્તરનાં મેદાનો અને ટેકરીઓ
એસએમ-17 બિહાર
(ક્લસ્ટર) એસએમ.-62 તામિલનાડુ
સ્કાયએરાઉન્ડ મધ્યપ્રદેશ
સોલાન સિલેક્ટીઓ હિમાચલ પ્રદેશ
એસટી-1 બિહાર
એસટી-2 બિહાર
પિંક મધ્યપ્રદેશ
વ્હાઇટ મધ્યપ્રદેશ
સૂરતી ગોટા નં. 24-15 મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ
વ્યાનાડ જાયન્ટ દક્ષિણ ભારત

ડૉલી-5નાં ફળ નાનાં અને ગુચ્છમાં બેસે છે. ફળનો રંગ કાળાશ પડતો હોય છે. મોરબી-4, 2 નાં ફળ નાનાથી મધ્યમ કદનાં અને ચળકતા ગુલાબી રંગનાં હોય છે. પુસા ક્રાન્તિનાં ફળ મધ્યમ કદનાં, ગોળ અને કાળા રંગનાં હોય છે.

રીંગણ ગરમ દેશનો પાક છે. ગુજરાત રાજ્યમાં રીંગણનું વાવેતર બધી ઋતુઓ દરમિયાન કરી શકાય છે. પાકની શરૂઆતની વૃદ્ધિ માટે ગરમ આબોહવા જરૂરી છે અને ફળ-નિર્માણ અને ફળ-વૃદ્ધિ દરમિયાન ઠંડી અને શુષ્ક આબોહવા અનુકૂળ આવે છે. ચોમાસામાં વાવણી કરવાની હોય તો પાણી ભરાતું ન હોય તેવો વિસ્તાર અનુકૂળ રહે છે. વાદળવાળી સ્થિતિ અને સતત વરસાદ આ પાકને અનુકૂળ નથી. ગોરાડુ કાર્બનિક ખાતરોવાળી ફળદ્રૂપ મૃદામાં છોડની વૃદ્ધિ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ફળ-ઉત્પાદન પણ વધે છે. માટીવાળી (clayey) મૃદામાં છોડ નીચા રહે છે અને તેઓ નાનાં ફળ ધરાવે છે.

રીંગણનો પાક ફેરરોપણી દ્વારા થતો હોઈ ધરુવાડિયામાં ધરુ તૈયાર કરવામાં આવે છે. ધરુ તૈયાર કરવા માટે સારી નિતારવાળી, નીંદામણનો ઓછો ઉપદ્રવ હોય અને પાણી ન ભરાતું હોય તેવી ફળદ્રૂપ જમીન પસંદ કર્યા પછી તે જમીનનું ઉનાળા દરમિયાન રાબિંગ કે મૃદાનું આતપન (solarization) કરવામાં આવે છે. એક હેક્ટર વિસ્તારની ફેરરોપણી માટે 150 ચોમી. વિસ્તારમાં ધરુવાડિયા માટે ક્યારા બનાવી 400 ગ્રા.થી 500 ગ્રા. બીજની વાવણી કરવામાં આવે છે. વાવણી પછી ધરુવાડિયામાં ઝારા વડે પાણી આપવાનું, નીંદામણ અને જરૂરી દવાનો છંટકાવ કરવાનું જરૂરિયાત પ્રમાણે સમયસર કરવામાં આવે છે. બીજનું વાવેતર કરતા પહેલાં પારાયુક્ત દવાનો પટ એક કિલોગ્રામ બીજમાં 3 ગ્રા. પ્રમાણે આપવામાં આવે છે. ચોમાસુ પાક માટે ધરુ મે-જૂનમાં અને શિયાળુ પાક માટે સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન તૈયાર કરવામાં આવે છે. ધરુ 30થી 35 દિવસમાં 15 સેમી. જેટલા ઊંચા અને રોપવા યોગ્ય બને છે.

ફેરરોપણી માટે ખેતરને કાર્બનિક દ્રવ્યોવાળું ખાતર આપવામાં આવે છે અને 4થી 5 વાર ખેડ કરવામાં આવે છે. રીંગણની જાત, જમીનની ફળદ્રૂપતા અને ઋતુને ધ્યાનમાં રાખીને 90 સેમી.  60 સેમી. કે 90 સેમી.  75 સેમી.ના અંતરે દરેક થાણે એક છોડ રોપવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસુ પાકની ફેરરોપણી જુલાઈમાં અને શિયાળુ પાકની ઑક્ટોબર અને ઉનાળુ પાકની ફેબ્રુઆરી-માર્ચ માસમાં કરવામાં આવે છે.

રીંગણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 15 ટનથી 20 ટન છાણિયા ખાતર સાથે 50-50-50 કિગ્રા. નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ પૂરક-ખાતર તરીકે અને 50 કિગ્રા. નાઇટ્રોજન પુષ્પનિર્માણ પૂર્વે આપવામાં આવે છે. રીંગણની સંકર જાતો માટે હેક્ટરે 200 કિગ્રા. નાઇટ્રોજન આપવાથી ઉત્પાદન વધારી શકાય છે. રીંગણને ગોરાડુ જમીનમાં શિયાળામાં 8થી 10 દિવસે અને ઉનાળામાં 6થી 8 દિવસે, જ્યારે કાળી જમીનમાં 12થી 13 દિવસે અને ઉનાળામાં 10થી 12 દિવસના અંતરે પાણી આપવામાં આવે છે.

રીંગણને વિવિધ ફૂગ દ્વારા લગભગ 20 જેટલા રોગો થાય છે અને પાકને નુકસાન પહોંચાડે છે. કેટલાક રોગોમાં ફૂગનો ચેપ બીજ દ્વારા લાગુ પડે છે. પશ્ચિમ ભારતમાં પર્ણનો સુકારો અને ફળનો સુકારો Phomopsis vexans નામની ફૂગ દ્વારા થાય છે. બીજને ગરમ પાણીની ચિકિત્સા આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. ધરુવાડિયામાં ધરુનો કોહવારો Rhizoctonia solani અને Pythium aphanidermatum દ્વારા થાય છે. આ રોગથી જમીનને અડકીને રહેલો ભાગ પોચો થઈ કોહવાઈ જાય છે. તેના નિયંત્રણ માટે 3 ગ્રામ થાયરમ કે કૅપ્ટાન પ્રતિ કિલોગ્રામ બીજને પટ આપીને વાવેતર કરવું જોઈએ. ઓરિસામાં Myrothecium roridum દ્વારા સુકારો થાય છે. તે 2થી 3 અઠવાડિયાંમાં ધરુઓનો નાશ કરે છે. Phytophthora parasitica, P. palmivora અને P. colocasiae પ્રકાંડ અને ફળ ઉપર બદામી, જલસિક્ત (water-soaked) વિસ્તારો ઉત્પન્ન કરે છે. રોગની અતિશય માત્રાએ જમીન-સપાટીનું શુષ્કન (desiccation) કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. Alternaria tenuis અને A. melongenae અને Cercospora spp. રીંગણને પાનનાં ટપકાંનો રોગ લાગુ પાડે છે. આ રોગમાં પાન ઉપર લાલ ટપકાં અને ટપકાની કિનારી કાળી હોય છે. તેના નિયંત્રણ માટે રોગની શરૂઆતથી 0.8 %થી 1.0 % બોર્ડો મિશ્રણ અથવા મેન્કોજેબ 0.25 %ની માત્રાએ છાંટવું જરૂરી છે. મૂળ અને અધરાક્ષનો કોહવારો Rhizoctonia solani અને Fusarium spp. દ્વારા અને જાલાશ્મીય (sclerotial) રોગ Sclerotium અને Pellicularia spp. દ્વારા થાય છે. બીજને કૅપ્ટાન(2 ગ્રા./કિગ્રા. બીજ)ની ચિકિત્સા આપવાથી સારાં પરિણામો મળે છે. રોગગ્રસ્ત છોડોનો નાશ કરવાથી જાલાશ્મીય રોગનું નિયંત્રણ થાય છે.

લણણી પછી ફળોનો કોહવારો Alternaria tenuis Curvularia lunata અને Fusarium solani જેવી ફૂગના ચેપ દ્વારા થાય છે.

નાના પર્ણનો રોગ વિષાણુ દ્વારા ચોમાસુ અને ઉનાળુ પાકને થાય છે. આ રોગમાં પાન નાનાં રહે છે અને ગુચ્છિત બને છે. તેથી છોડની વૃદ્ધિ થતી નથી. આ વાઇરસનું વહન Eulettix phycitis નામના જૅસિડ (jassid) દ્વારા થાય છે. આ રોગની માત્રા ઘટાડવા ફોરેટ-10 જી (10 કિગ્રા./હેક્ટર) અથવા કાર્બાફ્યુરાન (30 કિગ્રા./હેક્ટર) છોડની ફરતે આપવામાં આવે છે અને રોગગ્રસ્ત છોડોનો નાશ કરવાથી રોગનો ફેલાવો અટકે છે. રીંગણનો મોઝેક રોગ પણ વિષાણુ દ્વારા થાય છે. આ રોગમાં પાન નાનાં બને છે અને તેના ઉપર આછા પીળા અને લીલા રંગના વિસ્તારો ઉત્પન્ન થાય છે. આ રોગને કારણે ફળ-ઉત્પાદન ઘટી જાય છે.

ગાંઠિયા કૃમિ (Meloidogyne javanica) અને ઈલ-કૃમિ (Heterodera spp.) ધરુવાડિયામાં અને ખેતરમાં હોય છે અને મૂળ ઉપર ગાંઠો ઉત્પન્ન કરે છે. તેનાથી છોડનો નાશ થતો નહિ હોવા છતાં ફળ બેસતાં નથી. વાવેતર પહેલાં જમીનને DD, ઇથિલીન ડાઇબ્રોમાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ધુમાડો આપવામાં આવે છે. રીંગણની કેટલીક જાતો કૃમિ-રોધી છે.

કેટલાક કીટકો રીંગણના પાકને ખૂબ નુકસાન પહોંચાડે છે. રીંગણ-ભમરો (Epilachna spp.), ફળ અને પ્રરોહવેધકો (Leucinodes orbonalis અને Euzophera perticella) સૌથી વિનાશકારી કીટકો છે. તેના નિયંત્રણ માટે 0.7 % એન્ડોસલ્ફાન, 0.05 % મૉનોક્રૉટોફોસ કે 0.05 % ડી.ડી.વી.પી. પૈકી કોઈ એક દવાનો છંટકાવ 11, 13 અને 15મા અઠવાડિયે કરવામાં આવે છે. ફેરરોપણી પછી 34 અઠવાડિયે એન્ડ્રિન, લિન્ડેન અને સેવિન(મિથાઇલ નેફથાઇલ કાર્બેમેટ)નો છંટકાવ L. orbonalisનું નિયંત્રણ કરે છે. કૉઈમ્બતુરમાં વેધક-રોધી (borer-resistant) જાતો વિકસાવવામાં આવી છે.

વાંકડિયા પાનનો રોગ Eublemma olivaccae નામના કીટક દ્વારા થાય છે. તેના નિયંત્રણ માટે 0.2 % કાર્બારિલ અથવા 0.05 % ડી.ડી.વી.પી.નો છંટકાવ કરવામાં આવે છે.

ચૂસિયાં(Empoasca devastans)ની પુખ્ત ઇયળ પાનનો રસ ચૂસે છે, જેથી છોડ વામન રહી જાય છે. ચોમાસામાં ચૂર્ણી માંકડ(Centrococcus insolitus)નું આક્રમણ અત્યંત તીવ્ર હોય છે. તેના નિયંત્રણ માટે 0.03 % મેલાથિયૉન કે 0.1 % ડી.ડી.ટી.નો છંટકાવ કરવામાં આવે છે. ઍફિડ (Aphis faboe અને A. gossypii) સામાન્ય રીતે ચૂર્ણીમાંકડ સાથે થાય છે. બંને કીટકો પાનનો રસ ચૂસે છે અને પાન ઉપર સફેદ વિસ્તારો ઉત્પન્ન કરે છે. નાનો પરભક્ષી-ભમરો (Hyperapis maindroni) આ બંને કીટકો ખાઈ જાય છે અને તેમના જૈવિક નિયંત્રણમાં મદદરૂપ થાય છે.

રીંગણનાં પાન ખાઈ જતા ભમરા(Epilachna vigintioctopunctata)નું ડી.ડી.ટી. કે એન્ડ્રિન(0.2 %)નો દર પંદર દિવસના આંતરે છંટકાવ કરવાથી  નિયંત્રણ કરી શકાય છે.

રીંગણની પ્રથમ વીણી 90 દિવસે અને ત્યારપછી 8થી 10 દિવસના અંતરે કરવામાં આવે છે. રીંગણની જાત પ્રમાણે ફળોનાં કદ અને રંગને ધ્યાનમાં રાખી વીણી અને કોટિ-નિર્ધારણ (grading) કરવામાં આવે છે. તેઓ ઝડપથી ચીમળાતાં હોવાથી તેમની વીણી બપોર પછી કરવામાં આવે છે અને બજારમાં પહોંચે ત્યાં સુધી પાણી છાંટવામાં આવે છે.

રીંગણની જાત અને વાવણીની ઋતુને આધારે ઉત્પાદન 9.5 ટનથી 13.0 ટન/હૅક્ટર થાય છે. જોકે તેનું મહત્તમ ઉત્પાદન 35 ટન/હેક્ટર નોંધાયું છે. 2, 4D (ડાઇક્લૉરોફિનૉક્સી એસેટિક ઍસિડ), NAA (નૅફથેલિન એસેટિક ઍસિડ), NOA (નેફ્થૉક્સિએસેટિક ઍસિડ), IAA (ઇન્ડોલ 3, એસેટિક ઍસિડ) અને IBA (ઇન્ડોલ બ્યુટેરિક ઍસિડ) જેવા વૃદ્ધિ-નિયામક પદાર્થોના છંટકાવથી ફળનું કદ વધે છે; પુષ્પ-પતન અટકે છે અને બીજરહિત ફળો બેસે છે.

રીંગણને ઉતાર્યા પછી ઉનાળામાં એકથી બે દિવસ અને શિયાળામાં 3થી 4 દિવસ છાંયડામાં સંગ્રહી શકાય છે. રીંગણનો 8° સે.થી 10° સે. તાપમાને અને 85 % થી 90 % સાપેક્ષ ભેજમાં સંગ્રહ કરવાથી 30થી 32 દિવસ સુધી રાખી શકાય છે.

શાકભાજી ઉપરાંત, રીંગણનો અનેક રીતે ઉપયોગ થાય છે. ગરમ રાખમાં ભૂંજી અને છૂંદીને મીઠું, ડુંગળી, મરચું, લીંબુનો રસ કે દહીં અને રાઈના તેલમાં ‘ભરતું’ બનાવવામાં આવે છે. રીંગણનું અથાણું પણ બનાવાય છે. તેનાં પતીકાં પાડી સૂર્યના તડકામાં સૂકવી સંગ્રહ કરવામાં આવે છે. પાનખરમાં જ્યારે બીજી શાકભાજી ઓછી હોય છે ત્યારે રીંગણનો શાકભાજી તરીકે વધારે ઉપયોગ થાય છે. રીંગણ કૅલ્શિયમ, ફૉસ્ફરસ, લોહ અને પ્રજીવક ‘બી’નો સારો સ્રોત ગણાય છે.

ફળના ખાદ્ય ભાગ(વજ્ર અને દંડ સિવાય)નું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 92.7 %, પ્રોટીન 1.4 %, લિપિડ 0.3 %, ખનિજો 0.3 %, રેસો 1.3 % અને અન્ય કાર્બોદિતો 4.0 %; કૅલ્શિયમ 18 મિગ્રા., મૅગ્નેશિયમ 16 મિગ્રા., ફૉસ્ફરસ 47 (ફાઇટિન 3) મિગ્રા., લોહ 0.9 મિગ્રા., સોડિયમ 3 મિગ્રા., પોટૅશિયમ 200 મિગ્રા., તાંબું 0.17 મિગ્રા., સલ્ફર 44 મિગ્રા. અને ક્લૉરાઇડ 52 મિગ્રા./100 ગ્રા.. રીંગણમાં મૅંગેનીઝ (2.4 મિગ્રા./100 ગ્રા.) અને આયોડીન (7 માઇકોગ્રા./કિગ્રા.) અલ્પ પ્રમાણમાં હોય છે. રીંગણમાં પ્રજીવક ‘એ’ 124 આઈ.યુ., થાયેમિન 0.04 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.11 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 0.9 મિગ્રા., પ્રજીવક ‘સી’ 12 મિગ્રા., અને કોલાઇન 52 મિગ્રા./100 ગ્રા. હોય છે. શુષ્ક વજનને આધારે રીંગણમાં 14 %થી 19 % પ્રોટીન હોય છે, જેનું ઊંચું જૈવિક મૂલ્ય (71 %) અને પાચ્યતા આંક (digestibility coefficient) 75 % જેટલો માલૂમ પડ્યો છે. આ પ્રોટીનમાં આવશ્યક ઍમિનોઍસિડો (ગ્રા./ગ્રા. નાઇટ્રોજન) આ પ્રમાણે છે : આર્જિનિન 0.21, હિસ્ટિડીન 0.11, લાયસિન 0.10, ટ્રિપ્ટોફેન 0.06, ફીનિલ ઍૅલેનિન 0.27, મિથિયોનિન 0.06, થ્રિયોનિન 0.23, લ્યુસિન 0.39, આઇસોલ્યુસિન 0.32 અને વૅલાઇન 0.37.

રીંગણનાં મૂળ દમરોધી (antiasthmatic) અને ઉત્તેજક (stimulant) ગણાય છે. તેનો રસ કર્ણશોથ (otitis) અને દાંતના દુખાવામાં વપરાય છે. નાકમાં પડતાં ચાંદાં ઉપર મૂળ વાટીને લગાડવામાં આવે છે.

પર્ણો લાળસ્રાવક (sialagogue) અને સ્વાપક (narcotic) ગુણધર્મો ધરાવે છે અને કોલેરા, શ્વસનીશોથ (bronchitis), પીડાજનક મૂત્રવહન અને દમમાં ઉપયોગી છે. રીંગણનો યકૃતના રોગોમાં ઉપયોગ થાય છે. બીજ ઉત્તેજક હોવા છતાં અજીર્ણ (dyspepsia) અને કબજિયાત પ્રેરે છે. રીંગણ યકૃતમાં કૉલેસ્ટેરૉલની ચયાપચયની પ્રક્રિયા પ્રેરે છે. તાજાં કે સૂકાં પર્ણો અને ફળ રુધિરમાં કૉલેસ્ટેરૉલનું પ્રમાણ ઘટાડે છે. આ ગુણધર્મ તેની પેશીમાં રહેલા મૅગ્નેશિયમ અને પોટૅશિયમના ક્ષારોને લઈને હોવાનું મનાય છે.

આયુર્વેદ અનુસાર વંતાકડી (તેને કાંટા હોય છે) તીખી, રુચિકર, મધુર, બલકર, પૌષ્ટિક, હૃદ્ય, ગુરુ, કડવી, ઉષ્ણ, અપિત્તલ, ખારી અને શુક્લ છે અને પિત્ત, કફ, વાયુ, અપચી (ગંડમાળાનો ભેદ), કૃમિ, પ્લીહા અને ઉદરરોગનો નાશ કરે છે. રીંગણ (ફળ) સ્વાદુ, તીક્ષ્ણ, ઉષ્ણ, પાકકાળે તીખાં, દીપન, શુક્રકારક, લઘુ, અપિત્તલ અને ખારાં છે અને જ્વર, વાયુ અને કફનો નાશ કરે છે. તેનો મધુપ્રમેહ, વાળા ઉપર, પેટમાં ભાર રહે તે ઉપર, ઝેરી સૂરણ અને ધંતૂરાના વિષ ઉપર, અંડવૃદ્ધિ અને અનિદ્રા ઉપર ઉપયોગ થાય છે. નાનાં સફેદ રીંગણાં હરસમાં લાભદાયી છે; પરંતુ કાળાં રીંગણ કરતાં ગુણમાં ઊતરતાં છે. રાંઝણ(sciatica)માં એક મહિનો ભોજનમાં બંને વખત રીંગણનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ