રુઆન્ડા-ઉરુન્ડી : મધ્ય આફ્રિકાના પૂર્વ ભાગમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ વીસમી સદીના મધ્યકાળ વખતે બેલ્જિયમના શાસન હેઠળ હતો. 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે જ્યારે તેને વાલીપણા હેઠળનો પ્રદેશ બનાવ્યો ત્યારે રુઆન્ડા-ઉરુન્ડીનો વિસ્તાર આશરે 54,000 ચોકિમી. જેટલો હતો અને વસ્તી 50 લાખ જેટલી હતી.

ત્વા પિગ્મીઓ રુઆન્ડા-ઉરુન્ડીના સર્વપ્રથમ વસાહતીઓ હતા. હુતુ અથવા બાહુતુ તરીકે ઓળખાતા બાન્ટુ લોકો કૉંગો-થાળામાંથી આવ્યા અને અહીંના ત્વા લોકોને જંગલોમાં જતા રહેવાની ફરજ પાડી. તે પછી ઈથિયોપિયામાં વધુ ઊંચું શારીરિક કદ ધરાવતા તુત્સી અથવા વાતુસી લોકો આવ્યા. તેમણે હુતુઓને જીતી લીધા અને આ પ્રદેશ પર આશરે 600 વર્ષ સુધી શાસન કર્યું.

1899માં જર્મનીએ રુઆન્ડા-ઉરુન્ડીને ‘જર્મન પૂર્વ આફ્રિકા’નો ભાગ બનાવેલું. અગાઉના રાષ્ટ્ર સંઘે (League of Nations) 1923માં રુઆન્ડા-ઉરુન્ડી પર બેલ્જિયમનો શાસન-અધિકાર સ્થાપી આપ્યો. પછીથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે (United Nations) 1946માં બેલ્જિયમને આ પ્રદેશ માટે વાલીપણાનો આદેશ આપ્યો. 1961માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચૂંટણીઓ યોજી, ત્યારે રુઆન્ડાએ પોતાના પ્રદેશને પ્રજાસત્તાક જાહેર કર્યું અને ઉરુન્ડીમાં રાજાશાહી સ્થાપિત થઈ. આમ રુઆન્ડા અને ઉરુન્ડી બંને અલગ સ્વતંત્ર દેશો બન્યા. રુઆન્ડા રવાન્દા બન્યું અને ઉરુન્ડી બુરુન્ડી બન્યું.

1858માં રિચાર્ડ એફ. બર્ટન અને જૉન એચ. સ્પેક નામના બ્રિટિશ અભિયંતાઓએ આ પ્રદેશમાં ફરી ફરીને નાઇલનું મૂળ શોધી કાઢેલું. હેન્રી એમ. સ્ટૅનલી અને ડેવિડ લિવિંગસ્ટને 1871માં ટાંગાનીકા સરોવરની આજુબાજુના પ્રદેશનું અભિયાન આદરેલું. જર્મન અભિયંતાઓ તો તે પછીથી ગયેલા. (જુઓ, રવાન્દા અને બુરુન્ડી).

ગિરીશભાઈ પંડ્યા