રિયો સંધિ : પશ્ચિમ ગોળાર્ધના, અમેરિકા ખંડનાં રાજ્યો વચ્ચેનો પારસ્પરિક સલામતી માટેનો કરાર; જેમાં અમેરિકાનું સંયુક્ત રાજ્ય પણ જોડાયેલું હતું. 2 સપ્ટેમ્બર, 1947ના રોજ આ સંધિ અંગેના સહીસિક્કા બ્રાઝિલના મુખ્ય બંદર રિયો-ડી-જાનેરો ખાતે કરવામાં આવેલા, જેમાં પ્રારંભે કુલ 21 દક્ષિણ અમેરિકન પ્રજાસત્તાક રાજ્યો જોડાયાં હતાં. આ પ્રાદેશિક સંધિ વ્યાપક આંતરરાષ્ટ્રીય સંગઠન હેઠળ થયેલી હતી. તેમાં યુનોની સલામતી સમિતિની સત્તાને વડી સત્તા તરીકે સ્વીકારવામાં આવી હતી. આ અર્થમાં આ પૂર્વે થયેલી આંતર-અમેરિકન સંધિઓથી તે અલગ પડે છે.

આ સંધિનો કેટલોક વિશિષ્ટ સંદર્ભ છે. બીજા વિશ્વયુદ્ધ (1939 –1945) પછી એક તરફ લૅટિન અમેરિકાના દેશો સ્વતંત્ર બનવા લાગ્યા હતા તો બીજી તરફ અમેરિકા અને રશિયા વચ્ચેનું ઠંડું યુદ્ધ તીવ્ર બનતું જતું હતું. આ સંજોગોમાં અમેરિકાનાં સંયુક્ત રાજ્યોને નવોદિત દેશોના વ્યાપક સહકારની આવશ્યકતા હતી. આથી ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (Organisation of American States – OAS) – 1948નું ખતપત્ર સ્વીકૃત થયું હતું. આ સંદર્ભમાં અમેરિકાનાં સંયુક્ત રાજ્યોએ અમેરિકીપણાનો વિસ્તાર કરવાની નીતિ સ્વીકારી હતી. આથી આ સંધિ હેઠળ બૃહદ–અમેરિકીભાવ(pan Americinism)નો વિસ્તાર કરવામાં આવ્યો અને સભ્ય દેશોમાંના કોઈ પણ એક દેશ પર આક્રમણ કરવામાં આવે યા આક્રમણની ધમકી આપવામાં આવે તો તેને સંધિમાંના તમામ દેશો પરનું આક્રમણ ગણી તેનો સંયુક્ત રીતે સામનો કરવામાં આવે તેમ નક્કી થયું હતું. આ સંધિ અનુસાર લેવાયેલ નિર્ણય મુજબ કોઈ પણ એક સભ્ય દેશ આક્રમણકાર વિરુદ્ધ, સાથી સભ્યોની બે તૃતીયાંશ બહુમતી માન્ય રાખશે તો અન્ય પગલાં લેશે. વધુમાં એકમાત્ર સભ્ય તરીકે કોઈ પણ એક રાજ્ય બળનો ઉપયોગ નહિ કરે પરંતુ અન્ય તમામ સભ્યોની સર્વસંમતિ દ્વારા જ બળનો ઉપયોગ કરી શકશે. એકાદ અપવાદ સિવાય આંતર-અમેરિકન રાજ્યો વચ્ચેના ઝઘડાઓનો ઉકેલ આ સંધિ દ્વારા શોધાયો હતો. 1948થી 1979 દરમિયાન રાજ્યો વચ્ચેના નાનામોટા 18 પ્રશ્નોનો ઉકેલ શોધાયો હતો. 1979 પછી સલામતી બાબતે આ દેશો વચ્ચે જે મજબૂત જોડાણ હતું તે કંઈક શિથિલ બન્યું. કારણ સલામતી બાબતે અમેરિકાના સંયુક્ત રાજ્યોના પ્રભુત્વને કારણે લૅટિન અમેરિકાના વિકસતા દેશો અસંતુષ્ટ હતા. વળી ઠંડા યુદ્ધના અંતિમ તબક્કામાં અમેરિકા-સોવિયેત સંઘ વચ્ચેની સ્પર્ધા નરમ પડી હોવાથી આ સંધિ હેઠળનો પારસ્પરિક સલામતીનો મુદ્દો ગૌણ બન્યો હતો.

1962માં ક્યૂબા આ સંધિમાંથી એકપક્ષી નિર્ણય દ્વારા છૂટું પડ્યું હતું. પરંતુ ટ્રિનિદાદ તેમાં જોડાતાં કુલ સભ્યસંખ્યા 21ની જ રહી હતી.

રક્ષા મ. વ્યાસ