રિયો મુનિ : વિષુવવૃત્તીય ગિનીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : આ પ્રદેશ આશરે 1° 00´ થી 2° 00´ ઉ. અ. અને 9° 00´થી 11° 30´ પૂ. રે. વચ્ચેનો 26,017 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગેબન અને કેમેરૂન વચ્ચે મધ્ય-પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક મહાસાગરના કિનારા પર આવેલો છે. તેનું જૂનું નામ રિયો બેનિટો હતું.

રિયો મુનિની આબોહવા વિષુવવૃત્તીય છે, પરંતુ અહીં વર્ષમાં સૂકી અને ભેજવાળી એમ બે ઋતુઓ પ્રવર્તે છે, જેમાં ભેજવાળી ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની હોય છે. અહીંની વનસ્પતિ મુખ્યત્વે તો અયનવૃત્તીય વર્ષા જંગલોના પ્રકારની છે. રિયો મ્બિની (રિયો બેનિટો) અહીંનો મુખ્ય જળમાર્ગ છે.

1991 મુજબ રિયો મુનિની વસ્તી આશરે બે લાખ જેટલી છે. અહીંની 80 % વસ્તી ફેન્ગ લોકોની છે; પરંતુ કિનારા નજીક ખંડના અંદરના ભૂમિભાગમાંથી સ્થળાંતર કરીને આવેલા મિશ્ર જાતિ-સમૂહો વસે છે. 1970ના દાયકા સુધી તો નાઇજિરિયન વેપારીઓ, કૉન્ટ્રૅક્ટરો અને કેટલાક યુરોપિયનો પણ અહીં વસતા હતા. અહીં જે વિદેશી નિવાસીઓ છે તે 1969 અને 1975 વચ્ચેના ગાળામાં આવેલા. અહીંની મૂળ પ્રજા તો માત્ર 33 % જેટલી જ છે. અહીંનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે. લાકડાં, કૉફી અને તાડવૃક્ષોની પેદાશો અહીંની મુખ્ય ઉત્પાદક ચીજો છે. બાટા અહીંનું પાટનગર છે. તે વાયવ્ય કિનારે આવેલું છે.

જાહ્નવી ભટ્ટ