રિલિસ, જૅકબ ઑગસ્ટ (જ. 3 મે 1849, રિબ, ડેન્માર્ક; અ. 26 મે 1914, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : અમેરિકાના અખબારી પત્રકાર, સમાજસુધારક તથા ફોટોગ્રાફર. અમેરિકાના ગીચ-ગંદા વિસ્તારો(slums)નો તાદૃશ ચિતાર આપતા તેમના પુસ્તક ‘હાઉ ધી અધર હાફ લિવ્ઝ’ દ્વારા તેમણે 1890માં અમેરિકાની અંતરતમ સંવેદનાને હચમચાવી મૂકી હતી.

21 વર્ષની વયે તેઓ સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા અને નાનાં-મોટાં વિવિધ કામો કરતાં ત્યાંના શહેરી જીવનની ચીંથરેહાલ બદસૂરત તથા કફોડી–દયાજનક સ્થિતિની પ્રત્યક્ષ જાણકારી મેળવી. 1873માં તેઓ પોલીસ-રિપૉર્ટર બન્યા; ત્યાં તેમને જોવા મળ્યું કે કેટલાક વસવાટોમાં બાળમૃત્યુનું પ્રમાણ દસે એક જેટલું હતું. પોતાનાં પ્રવચનો તથા પુસ્તકોમાં નાટ્યાત્મકતા લાવવા, આ મકાનોના રૂમ તથા હૉલ-વેના ફોટોગ્રાફ ઝડપવા તેમણે નવી શોધાયેલી ફ્લૅશ-બલ્બ-પ્રયુક્તિ અપનાવી.

તેમના પુસ્તકે તેમને આખા અમેરિકામાં પ્રસિદ્ધિ અપાવી અને પ્રમુખ રૂઝવેલ્ટે પણ સાનુકૂળ પ્રતિભાવ દાખવ્યો. એ પુસ્તકના પરિણામે ટેનામેન્ટ રહેઠાણોનાં દૂષણો ડામવા ન્યૂયૉર્કનો સર્વપ્રથમ અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો. પુસ્તકમાં મોટાભાગે તેમના કેટલાક ફોટોગ્રાફ્સના આધારે તૈયાર થયેલાં રેખાંકનો હતાં; 1971ના પુનર્મુદ્રણમાં આ ચિત્રાંકનોવાળા મૂળ 30 ફોટોગ્રાફ્સ તથા બીજા વિષય સંબંધિત 70 ફોટોગ્રાફ્સ હતા. તેમની બીજી કેટલીક કૃતિઓમાં ‘ધ મેકિંગ ઑવ્ ઍન અમેરિકન’ (1901) નામની આત્મકથા મહત્વની છે.

મહેશ ચોકસી