રિત્સોસ, યૅનિસ (જ. 1 મે 1909; અ. 1990) : આધુનિક ગ્રીક કવિ. તેમનાં ‘ઍપિટાફિયૉસ’ (1936) અને ‘રોમિયોસિની’ કાવ્યો વીસમી સદીમાં ઘેર ઘેર જાણીતાં થયેલાં. સંગીતકાર માઇકિસ થિયૉડૉરેકિસે આ કાવ્યોને સંગીતથી મઢ્યાં છે. ડાબેરી મતવાળી રાજકીય ચળવળો સાથે તેમનું સર્જન ગાઢ સંબંધ ધરાવે છે. તેમનાં રાજકીય મતમતાંતરને લીધે તેમને 1948–52 અને 1967માં – બે વાર કેદમાં પૂરી રાખેલા. જમણેરી પક્ષની સરકારોએ તો તેમનાં પુસ્તકો ગ્રીસમાં વંચાય નહિ તેવું ફરમાન બહાર પાડેલું. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે ગ્રીસના જે સૈનિકોએ પ્રાણની આહુતિ આપી હતી તેમને અપાયેલી શ્રદ્ધાંજલિનાં કાવ્યો ‘રોમિયોસિની’માં છે. ગ્રીસની દંતકથાઓ પર આધારિત અને કેટલાંક પાત્રોના મુખે બોલાતી લાંબી સ્વગતોક્તિનાં કાવ્યો પણ તેમણે રચ્યાં છે.

વિ. પ્ર. ત્રિવેદી