રિપબ્લિક ઑફ ધ કૉંગો

February, 2024

રિપબ્લિક ઑફ ધ કૉંગો : કૉંગોનું વિભાગીકરણ થતાં કૉંગો – બ્રાઝવિલે તરીકે ઓળખાતો દેશ.

ભૌગોલિક સ્થાન : 4 ઉ. અ.થી 5 દ. અ. અને 11 પૂ. રે.થી 19 પૂ. રે.ની વચ્ચે આવેલો દેશ. ઉપ-સહરાન આફ્રિકાના મધ્ય-પશ્ચિમ ભાગ કે જ્યાં વિષુવવૃત પસાર થાય છે ત્યાં સ્થિત છે. આ દેશની દક્ષિણે અને પૂર્વે ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ ધ કૉંગો, પશ્ચિમે ગેબોન, ઉત્તરે કેમેરૂન અને મધ્ય-આફ્રિકન રિપબ્લિક અને નૈઋત્યે કેબિન્ડા (અંગોલા) તેમજ આટલાંટિક મહાસાગર સીમા રૂપે આવેલ છે. આ દેશનો કુલ વિસ્તાર 3,42,000 ચો. કિમી. છે.

ભૂપૃષ્ઠ : કૉંગો નદીને કારણે  નિર્માણ પામેલા પૂરનાં મેદાનો જે સવાના મેદાન તરીકે ઓળખાય છે. જે ઉત્તરે નીઆરી (Niari) પૂરના મેદાન તરીકે જાણીતાં બન્યાં છે. નૈઋત્ય દિશાએ કિનારાનાં મેદાનો કોયુલીઓયુ(Kouilou)– નીઆરી નદીઓ દ્વારા રચાયા છે. ઉત્તર અને દક્ષિણનાં મેદાનો વચ્ચે મધ્યનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે.

આબોહવા – વનસ્પતિ  : આ દેશ મોટે ભાગે વિષુવવૃત્ત ઉપર સ્થિત છે. આ દેશનું દિવસનું સરેરાશ તાપમાન 24 સે. અને રાત્રિનું તાપમાન 16 સે. ની આસપાસ રહે છે. નીઆરી નદીના ખીણપ્રદેશમાં 1,100 મિમી. જ્યારે દક્ષિણ અને મધ્ય ભાગમાં 2000 મિમી. જેટલો વરસાદ પડે છે. જૂનથી ઑગસ્ટ માસ દરમિયાન આબોહવા શુષ્ક અનુભવાય છે. દેશના મોટા ભાગમાં આબોહવા ભેજવાળી રહે છે. આ દરમિયાન વરસાદ 20થી 30 મિમી. જેટલો પડતો હોય છે.

કૉંગો નદીને કારણે અહીં મહત્વના ચાર પારિસ્થિતિકી પ્રદેશો નિર્માણ પામ્યા છે.

  1. આટલાંટિક વિષુવવૃત્તીય કિનારાનાં જંગલો (Atlantic Equatorial Coastal Forests)
  2. વાયવ્યે કૉંગોના નીચાણવાળાં જંગલો (Northwestern Congolian Lowland Forests)
  3. પશ્ચિમે કૉંગોના પંકભૂમિનાં જંગલો (Western Congolian Swamp Forests)
  4. પશ્ચિમ કૉંગોના સવાના જંગલો (Western Congolian Forests Sawana)

આ દેશના સાન્ધા પ્રદેશમાં આવેલ ઓએસો જિલ્લા(Ovesso District)માં 2006-07ના વર્ષ દરમિયાન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ‘ગોરીલા’ના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેઓને જાણવા મળ્યું હતું કે પશ્ચિમના નીચાણવાળાં જંગલોમાં 1,25,000 ગોરીલા વસે છે. જે મોટે ભાગે માનવવસાહતથી દૂર વિસ્તારમાં વસવાનું પસંદ કરે છે.

અર્થતંત્ર : આ દેશના અર્થતંત્રમાં ખનીજસંપત્તિ, જંગલસંપત્તિ અને ખેતીનો ફાળો મહત્વનો છે. મુખ્ય ખનીજસંપત્તિ કુદરતી વાયુ, ખનિજતેલ, અને હીરા મુખ્ય છે. આ સિવાય સોનું, લોહઅયસ્ક અને ફૉસ્ફેટ છે. જંગલોનાં મુખ્ય વૃક્ષો, રબર, સીસમ, મેહોગની વગેરે છે. ઇમારતી લાકડાની નિકાસ થાય છે. ખેતીના મુખ્ય પાકોમાં કસાવા, કેળાં, ડાંગર, મકાઈ છે. ઘાસના પ્રદેશોમાં પશુપાલન પ્રવૃત્તિ મુખ્ય છે. ગ્રામ્યવિસ્તારોમાં હસ્તકલાની ચીજ-વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ જોવા મળે છે.

જંગલવિસ્તાર અને પંકભૂમિને કારણે અહીં પરિવહનનો વિકાસ ખૂબ મર્યાદિત રહ્યો છે. પાકા રસ્તા કરતાં કાચા રસ્તાનું પ્રમાણ અધિક છે. મોટાં બે શહેરો વચ્ચે રેલવેવ્યવહાર જોવા મળે છે.

વસ્તી : આ દેશના 70 % કરતાં વધુ લોકો શહેરી વિસ્તારમાં વસે છે. મુખ્ય શહેરો બ્રાઝાવિલે, પૉઇન્ટે-નોઈરે છે. અહીં 62 જેટલી ભાષા બોલાય છે. અહીંનાં જાતિજૂથોમાં કોંગો જાતિજૂથ સૌથી મોટું છે. દ્વિતીય ક્રમે ટેકે (Teke) છે. આ સિવાય મબોચી (Mbochi) અને પીગ્મી છે. અહીં  ક્રિશ્ચિયનોની વસ્તી અધિક છે, જેમાં રૉમન કૅથેલિક, પ્રોટેસ્ટ અને સ્થાનિક ધર્મ પાળતા લોકો જોવા મળે છે. આરોગ્યની દૃષ્ટિએ લોકો વિવિધ રોગોથી પીડાય છે. જેમાં મલેરિયા અને પીળા તાવનું પ્રમાણ અધિક છે. 15થી 49 વયના લોકોમાં HIV/AIDSનું પ્રમાણ લગભગ 3 % જેટલું છે. એક લાખની વસ્તીએ ડૉક્ટરોનું પ્રમાણ ફક્ત 20 જ છે. 16 વર્ષની વય સુધી અહીં શિક્ષણ તદ્દન મફત છે. તેમ છતાં શિક્ષણ પ્રત્યે લોકો જાગૃત નથી. આ દેશની વસ્તી 56,77,493 (2023) છે. બ્રાઝાવિલે આ દેશનું પાટનગર છે.

નીતિન કોઠારી