રિડપાથ, ઇયાન (Ian  Ridpath) : બ્રિટનના અવૈતનિક ખગોળશાસ્ત્રી અને પ્રખ્યાત વિજ્ઞાનલેખક.  વિશેષત: ખગોળ અને અંતરીક્ષ સંબંધિત વિષયોના લોકભોગ્ય લેખક અને ટીવી અને રેડિયો-પ્રસારક (broadcaster).

બીબીસીની ‘બ્રેકફાસ્ટ ટાઇમ’ તથા અન્ય ટીવીની ચૅનલો પર તેમના કાર્યક્રમો ઘણાં વર્ષોથી નિયમિત આવે છે. રેડિયો પર ‘સાયન્સ નાઉ ઍન્ડ ટુડે’, ‘જૉન ડન શો’ (John Dunn Show) વગેરે તેમના જાણીતા કાર્યક્રમો છે.

તેમણે ખગોળ અને અંતરીક્ષયાનવિદ્યા(astronautics)ને લગતાં સામયિકોનું સંપાદન પણ કરેલું છે. તેમણે ‘પૉપ્યુલર ઍસ્ટ્રૉનોમી’ સામયિકનું સંપાદન પણ કર્યું છે. ‘ઍસ્ટ્રૉનોમી’, ‘ન્યૂ સાયન્ટિસ્ટ્સ’ અને  ‘ધી ઑબ્ઝર્વર’ જેવાં પ્રખ્યાત વિજ્ઞાન-સામયિકો માટે તેઓ લખે છે. દુનિયાનાં ઘણાં-બધાં વર્તમાનપત્રોમાં પણ તેમના લેખો પ્રગટ થાય છે.

તેમણે એકલાએ કે સહલેખક તરીકે ખગોળના અનેક કોશ (dictionary) અને જ્ઞાનકોશ (encyclopaedia) રચ્યા છે.

તેમણે મોટી વયના વાચકો ઉપરાંત બાળકો માટે પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે. બાળકો તથા પુખ્ત વયના વાચકો માટેનાં તેમના સંખ્યાબંધ પુસ્તકો પૈકી કેટલાંક ઉલ્લેખનીય પુસ્તકો આ પ્રમાણે છે :

‘ધ યંગ ઍસ્ટ્રૉનોમર્સ હૅન્ડબુક’ (1981); ‘એ કૉમેટ કૉલ્ડ હૅલી’ (1985), ‘ટેરેન્સ મર્ટા’ (Murtagh) સાથે સહલેખક તરીકે); ‘સ્ટાર્સ ઍન્ડ પ્લૅનેટ્સ’ (1981) : બાળકો માટે તથા એ જ શીર્ષક હેઠળ મોટા માટે (હૅમલિન); ‘કૉલિન્સ ગાઇડ ટુ સ્ટાર્સ ઍન્ડ પ્લૅનેટ્સ’, ‘ધ નાઇટ સ્કાય’ (કૉલિન્સ); ‘ધી ઇલસ્ટ્રેટેડ એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઍસ્ટ્રૉનોમી ઍન્ડ સ્પેસ’ (1979); ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ સ્પેસ’ (હૅમલિન); ‘ધ પૉકેટ ગાઇડ ટુ ઍસ્ટ્રૉનોમી’ (1990) : આ પુસ્તકમાં તારા-નકશા હોલૅન્ડના ખગોળરસિયા અને પ્રખ્યાત લેખક તથા આલેખક (ગ્રાફિક આર્ટિસ્ટ) વિલ ટિરિયન (Wil Tirion) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે; ‘કૉલિન્સ પૉકેટ ગાઇડ ટુ સ્ટાર્સ ઍન્ડ પ્લૅનેટ્સ’ (1984 અને 1993) : સહલેખક વિલ ટિરિયન; ‘ઑક્સફર્ડ ડિક્શનરી ઑવ્ ઍસ્ટ્રૉનોમી’(1997); ‘સ્ટાર ટેલ્સ’ (1988) : તારામંડળ સાથે સંકળાયેલી પુરાણકથાઓ આલેખતું સચિત્ર પુસ્તક; ‘આઇવિટનેસ હૅન્ડબુક્સ : સ્ટાર્સ ઍન્ડ પ્લૅનેટ્સ’ (1998); ‘વર્લ્ડ્ઝ બિયૉન્ડ’; ‘મેસેજિઝ ફ્રૉમ ધ સ્ટાર્સ’.

આ ઉપરાંત તેમણે ‘નૉર્ટન્સ સ્ટાર ઍટ્લાસ’ (મૂળ લેખક : આર્થર પી. નૉર્ટન, મૂળ શીર્ષક : ‘નૉર્ટન્સ સ્ટાર ઍટ્લાસ ઍન્ડ રેફરન્સ’) નામની પ્રખ્યાત ખગોળ-નકશાપોથી કે જે ખગોળરસિયાઓ માટે ગીતા ગણાય છે, તેની 1998ની 19મી  સંવર્ધિત આવૃત્તિ(Epoch 2000)નું સંપાદન પણ કર્યું છે.

સુશ્રુત પટેલ