રિચર્ડ્ઝ, બૉબ (જ. 20 ફેબ્રુઆરી 1926, શૅમ્પેઇન, ઇલિનૉઇ, યુ.એસ.) : ઍથલેટિક્સના અમેરિકન ખેલાડી. 1948માં તેમણે પાદરી તરીકેના દીક્ષા-સંસ્કાર લીધા હતા અને તેઓ ‘ધ વૉલ્ટિંગ વિકર’ (વાંસ-કૂદકાના પાદરી) તરીકે જાણીતા થયા હતા. 1950ના પ્રારંભિક દાયકાના તેઓ વાંસ-કૂદકાના સર્વોત્તમ ખેલાડી (pole vaulter) હતા. તેઓ ઓલિમ્પિક રમતોત્સવના વિજયપદકના વિજેતા 1952 અને 1956માં, પૅન-અમેરિકન વિજયપદકના વિજેતા 1951 અને 1955માં અને ઍમેટર ઍથલેટિક્સ યુનિયન(યુ.એસ.)ની મેદાની (outdoor) સ્પર્ધામાં 1953માં, 1948થી 1957માં દર વર્ષે  એ રીતે દસ વખત વિજેતા અને મકાની (indoor) સ્પર્ધામાં 1948, 1950થી ’53 અને 1955થી ’57  એમ 8 વખત વિજેતા નીવડ્યા હતા. 1948માં તેઓ આ રમતમાં કાંસ્ય ચંદ્રકના વિજેતા બન્યા અને એ રીતે 3 ઓલિમ્પિક રમતોત્સવમાં વાંસ-કૂદકાની સ્પર્ધામાં ચંદ્રકો જીતનાર તેઓ સર્વપ્રથમ ખેલાડી નીવડ્યા છે. તેઓ મહાન સર્વાશ્લેષી (all-rounder) કૌશલ્ય ધરાવતા ખેલાડી હતા. ઍમેટર ઍથલેટિક્સ યુનિયનના તેઓ 1951, 1953થી ’56 દરમિયાન ડિકૅથ્લોન ચૅમ્પિયન હતા તેમજ 1955ના પૅન-અમેરિકન રમતોત્સવમાં રજત ચંદ્રકના વિજેતા નીવડ્યા. જોકે તેઓ કૉર્નેલિયસ વૉર્મરડેમના વિશ્વવિક્રમ વટાવી શક્યા નહિ, પણ 4.57 મીટર (15 ફૂટ) વાંસ-કૂદકો લગાવી બીજા ક્રમના ખેલાડી બની રહ્યા. 1951થી 1957 દરમિયાન 126 સ્પર્ધાઓમાં તેમણે 4.57 મીટર (15 ફૂટ) અને તેથીય ઊંચી કૂદ લગાવી હતી. તેમણે વ્યક્તિગત કૂદકામાં 1956ની મેદાની સ્પર્ધામાં 4.70 મીટર અને 1957ની મકાની સ્પર્ધામાં 4.72 મીટરની ઊંચાઈ હાંસલ કરી હતી. 1950થી ’52 દરમિયાન તેઓ વાંસ-કૂદકાની સળંગ 50 સ્પર્ધાઓમાં વિજેતા બન્યા હતા અને 1953થી ’55 દરમિયાન મેદાની સ્પર્ધામાં તેઓ બિનહરીફ રહ્યા હતા.

તેઓ 1951ના સુલિવન ઍવૉર્ડના વિજેતા નીવડ્યા હતા. તેમણે પોતાના નામથી બૉબ રિચર્ડ્ઝ મોટિવેશનલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે.

મહેશ ચોકસી