રિચર્ડ્ઝ બે : દક્ષિણ આફ્રિકાના ઈશાન કિનારે નાતાલમાં આવેલું નગર તથા તે જ નામ ધરાવતું ખાડી સરોવર. ભૌગોલિક સ્થાન : શહેર : 28° 47´ દ. અ. અને 32° 06´ પૂ. રે.; સરોવર : 28° 50´ દ. અ. અને 32° 02´ પૂ. રે.. અહીં ઊંડા જળનું બારું આવેલું હોવાથી દક્ષિણ આફ્રિકાનાં બીજાં બંદરો કરતાં આ બંદરેથી વધુ પ્રમાણમાં માલની હેરફેર થાય છે. અહીંના સરોવર આડે દીવાલ બનાવવામાં આવેલી છે, તેથી પેલિકન, ફ્લૅમિંગો, હેરોન તેમજ બીજાં ઘણાં જળચર પક્ષીઓ માટે જરૂરી પર્યાવરણ જળવાઈ રહે છે. 1976થી આ બંદર ખુલ્લું મૂકવામાં આવેલું છે. આ બંદરેથી નિકાસ થતી મુખ્ય ચીજોમાં કોલસો મુખ્ય છે. આ કોલસો ટ્રાન્સવાલ તથા નાતાલથી અહીં નિકાસ માટે આવે છે. વાર્ષિક લગભગ 2.5 કરોડ ટન જેટલા કોલસાની અહીંથી નિકાસ થાય છે. આ કારણે રિચર્ડ્ઝ બે દુનિયાભરમાં મોટામાં મોટું કોલસા માટેનું અત્યાધુનિક બંદરી મથક ગણાય છે. બ્રિટનની રૉયલ નેવીના કૅપ ઑવ્ ગુડ હોપના કૉમોડોર, રિયર ઍડ્મિરલ સર ફ્રેડરિક વિલિયમ રિચર્ડ્ઝ પરથી આ બંદર અને ખાડી સરોવરને ‘રિચર્ડ્ઝ બે’ નામ અપાયેલું છે.

આ નગરની વસ્તી જે 1980 સુધી માત્ર 6,660 જેટલી જ હતી, તે બંદરી વિકાસને કારણે 1980ના દાયકા દરમિયાન બમણા કરતાં પણ વધી ગઈ છે.

જાહ્નવી ભટ્ટ