રિચર્ડ્સ, વિવિયન (જ. 7 માર્ચ 1952, સેંટ જૉન્સ, ઍન્ટીગ્વા) : વેસ્ટ ઇન્ડિઝના વિશ્વવિખ્યાત ક્રિકેટર. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં જે કેટલાક ઝંઝાવાતી અને આક્રમક બૅટધરો થઈ ગયા, તેમાં વિવિયન રિચર્ડ્સનું નામ મોખરે છે.

ટેસ્ટ-ક્રિકેટમાં વિવ રિચર્ડ્સ કે વિવિયન રિચર્ડ્સના હુલામણા નામે ઓળખાયેલા રિચર્ડ્સનું પૂરું નામ છે  ઈસાક વિવિયન ઍલેક્ઝાંડર રિચર્ડ્સ.

વિવિયન રિચર્ડ્સ

એક સમયે ટેસ્ટ-ક્રિકેટ તથા વન-ડે ક્રિકેટ – આ બંને પ્રકારના ક્રિકેટમાં વિવ રિચડર્સે જોરદાર ધાક જમાવી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં 1976માં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ઓવલ ખાતે પાંચમી ટેસ્ટના પ્રથમ દાવમાં 472 મિનિટમાં, 386 દડા રમી 38 ચોગ્ગા સાથે તેણે નોંધાવેલો 291 રનનો જુમલો તથા 1984ના ઇંગ્લૅન્ડ-પ્રવાસમાં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વન-ડે ઇન્ટરનૅશનલમાં 170 દડા રમીને નોંધાવેલો અણનમ 189 રનનો જુમલો – બંને પ્રકારના ક્રિકેટમાં તેનો યાદગાર બૅટિંગ-દેખાવ હતો.

વિવિયન રિચડર્સે 1974–75ના ભારત-પ્રવાસમાં બૅંગલોર ખાતે 22–11–1974ના રોજ ટેસ્ટ-પદાર્પણ કર્યું હતું અને તેની ઝંઝાવાતી બૅટિંગથી તે વેસ્ટ ઇન્ડિઝનો અનિવાર્ય બૅટધર બની ગયો હતો.

1976માં ઇંગ્લૅન્ડની ધરતી પરની પાંચ ટેસ્ટ-મૅચોની શ્રેણી જમોડી બૅટધર વિવિયન રિચર્ડ્સે પોતાની તોફાની બૅટિંગથી ગજવી મૂકી હતી. નૉટિંગહેમ ખાતે પ્રથમ ટેસ્ટમાં, પ્રથમ દાવમાં, બેવડી સદી ફટકારી 232 રન નોંધાવનારા વિવ રિચર્ડ્સે ઓવલ ખાતે પાંચમી ટેસ્ટમાં કારકિર્દીનો સર્વોચ્ચ જુમલો નોંધાવતાં 291 રન ખડક્યા હતા. એ શ્રેણીની 4 ટેસ્ટ- મૅચોના 7 દાવમાં 3 સદીઓ (એક બેવડી સદી સહિત) સાથે તેણે 118.42ની બૅટિંગ-સરેરાશથી કુલ 829 રન નોંધાવ્યા હતા. 1976ના કૅલેન્ડર-વર્ષમાં વિવ રિચડર્સે 1લી જાન્યુઆરીથી 17મી ઑગસ્ટ સુધીમાં 11 ટેસ્ટ-મૅચોના 19 દાવમાં 7 સદીઓ અને 5 અર્ધસદીઓની સહાયથી કુલ 1,710 રન નોંધાવવાનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો.

વિવ રિચર્ડ્સે તેની ટેસ્ટ-કારકિર્દીમાં ક્યારેય માથાના રક્ષણ માટે ‘હેલ્મેટ’નો ઉપયોગ કર્યો નહોતો. 1985થી 1991 દરમિયાન વિવ રિચર્ડ્સે 50 ટેસ્ટ-મૅચોમાં વેસ્ટ ઇન્ડિઝનું કપ્તાનપદ સંભાળતાં 27 વિજય મેળવ્યા હતા અને 8 પરાજય વહોર્યા હતા.

17 વર્ષની વયે લિવર્ડ ટાપુઓ તરફથી ક્રિકેટની કારકિર્દીનો પ્રારંભ કરનારા વિવિયન રિચર્ડ્સે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં સમરસેટ અને ગ્લેમાર્ગન કાઉન્ટી ક્લબોનું તથા ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

121 ટેસ્ટ-મૅચોના 182 દાવમાં વિવિયને 12 વાર અણનમ રહીને 24 સદી (સર્વોચ્ચ 291), 45 અર્ધસદી (સર્વોચ્ચ 98) સાથે કુલ 8,540 રન (સરેરાશ 50.24) નોંધાવ્યા હતા. વળી તેણે 122 કૅચ અને 32 વિકેટો (સરેરાશ 61.38) ઝડપી હતી.

વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ‘વિઝાર્ડ’ તરીકે ઓળખાતા વિવ રિચર્ડ્સે 187 મૅચોના 167 દાવમાં 24 વાર અણનમ રહી 11 સદી (સર્વોચ્ચ અણનમ 189), 45  અર્ધસદી સાથે 47.00ની સરેરાશથી કુલ 6,721 રન નોંધાવ્યા હતા; 102 કૅચ અને 118 વિકેટો ઝડપ્યાં હતાં.

1998માં, વિવ રિચર્ડ્સની ઝળહળતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ-કારકિર્દીની કદરરૂપે ઇંગ્લૅન્ડની રાણીએ તેના જન્મદિવસે વિવિયન રિચર્ડ્સને ‘સર’નો ખિતાબ એનાયત કરી તેનું બહુમાન કર્યું હતું.

તેમનો કારકિર્દી-આલેખ નીચે પ્રમાણે છે :

(1) 1974-91 : 121 ટેસ્ટ; 50.23ની સરેરાશથી 8,540 રન; 24 સદી; સૌથી વધુ જુમલો 291; 61.37ની સરેરાશથી 32 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 2-17; 122 કૅચ.

(2) 187 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ : 47.00ની સરેરાશથી 6,721 રન; 11 સદી; સૌથી વધુ જુમલો 189 (અણનમ); 35.83ની સરેરાશથી 118 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 6-41; 101 કૅચ.

(3) પ્રથમ કક્ષાની મૅચ 1972-92 : 49.40ની સરેરાશથી 34,977 રન; 112 સદી; સૌથી વધુ જુમલો 322; 44.90ની સરેરાશથી 219 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 5-88; 447 કૅચ; 1 સ્ટમ્પિંગ.

જગદીશ બિનીવાલે

મહેશ ચોકસી