રાહી, વેદ (જ. 22 મે 1933, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના ટૂંકી વાર્તાના અગ્રણી લેખક તથા ફિલ્મસર્જક. તેઓ પત્રકાર પરિવારમાં જન્મ્યા હતા અને તેમના પિતા લાલા મુલ્કરાજ શરાફ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અખબારમાલિકો તથા તંત્રીઓના મંડળના સર્વોચ્ચ સભ્ય હતા. લેખકોની વચ્ચે ઊછરેલા રાહીને શબ્દોની ઝમક અને શાહીની સુવાસ કોઠે પડી ગઈ. જમ્મુથી પ્રગટ થતા સામયિક ‘યોજના’ના તંત્રી તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો, પણ થોડા વખતમાં તેનો ત્યાગ કરી ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવ્યા. ઉર્દૂ (જમ્મુ-કાશ્મીરની સત્તાવાર ભાષા તથા તેમના પિતાના અખબાર ‘રણબીર’ની પ્રચલિત ભાષા) ઉપરાંત હિંદી તથા ડોગરી પર તેમનું સારું પ્રભુત્વ હતું. તેમની કૃતિઓમાં ડોગરી કવિઓ વિશે ઉર્દૂમાં લખાયેલ કૃતિ તથા હિંદીમાં લખાયેલ અનેક ટૂંકી વાર્તાઓ અને એક નવલકથા ઉપરાંત ડોગરી ભાષામાં જ લખાયેલ ત્રણ નવલકથાઓ, ટૂંકી વાર્તાના બે સંગ્રહો, એક નાટક તથા કેટલીક ગઝલો અને કાવ્યોનો સમાવેશ થાય છે. ડોગરી ભાષા અને સાહિત્ય એ તેમનો પ્રિય વિષય રહ્યો છે અને એથી જ તેઓ ડોગરી ભાષામાં સતત લખતા રહ્યા છે. તેમના વિષયોમાં સામાજિક દૂષણો, ગરીબોનું શોષણ, સ્ત્રીઓની યાતના વગેરે મુખ્ય છે. ટૂંકી વાર્તાના સ્વરૂપમાં તેમની લેખનકળા વિશેષ ખીલી ઊઠે છે. હિંદી તથા ડોગરીમાં તેમણે કેટલીક ઉત્તમ વાર્તાઓ લખી છે. ડોગરીમાં લખાયેલ તેમના બીજા વાર્તાસંગ્રહ ‘આલે’ને 1983ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ઉપરાંત અન્ય પુરસ્કારો પણ અપાયા હતા. તેમની અનેક વાર્તાઓ કેટલીક ભારતીય તથા વિદેશી ભાષાઓમાં અનુવાદ પામી છે. તેમણે 4 હિંદી ફિલ્મોનું અને સંખ્યાબંધ ટી.વી. સીરિયલોનું નિર્દેશન પણ કર્યું છે. હાલ તેઓ ફિલ્મની પટકથાઓ પણ લખે છે.

મહેશ ચોકસી