રાસ્ના : એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vanda tessellata Lodd. ex Loud. syn. V. roxburghii R. Br. (સં. રાસ્ના, અતિરસ, ભુજંગાક્ષી; હિં. બં. ક. તે. મ. રાસ્ના, વાંદા, નાઈ; ગુ. રાસ્ના) છે. તે ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી અને દક્ષિણમાં કેરળ સુધી થાય છે. તેનાં પર્ણો જાડાં, ચર્મિલ, 15 સેમી.થી 20 સેમી. લાંબાં અને 1.3 સેમી.થી 2.0 સેમી. પહોળાં, પ્રતિવક્રિત (recurved), સંવલિત (complicate) અને કુંઠાગ્ર-નૌતલી (obtusely keeled) હોય છે. પુષ્પવિન્યાસ 6થી 10 પુષ્પો ધરાવતા કલગી(raceme)-સ્વરૂપે જોવા મળે છે. બાહ્ય પરિદલપત્રો બદામી રેખાઓ અને સફેદ કિનારી ધરાવે છે. અંત:પરિદલપત્રો પીળાં હોય છે અને બદામી રેખાઓ અને પીળી કિનારી ધરાવે છે અને બાહ્ય પરિદલપત્રો કરતાં નાનાં હોય છે. ઓષ્ઠક (labellum) 16 મિમી. લાંબો, વાદળી રંગનો હોય છે અને તે જાંબલી ટપકાં ધરાવે છે. દલપુટ (spur) સીધો અને શંકુ આકારનો હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, 7 સેમી.થી 9 સેમી. લાંબું, સાંકડું અને ગદાકાર-લંબચોરસ (clavate-oblong) હોય છે.
તે સક્રિય ગ્લુકોસિડિક ઘટક, ઉપરાંત એક કડવો ઘટક, ટૅનિન, રાળ, સૅપોનિન, b-સીટોસ્ટેરોલ, g-સીટોસ્ટેરોલ, તેલ અને રંજકદ્રવ્ય ધરાવે છે. અતિઅલ્પ પ્રમાણમાં ઉચ્ચ સમરૂપક (homologue = C29H60) ધરાવતો હેપ્ટાકોસેન (C27H56) અને અતિઅલ્પ પ્રમાણમાં ઉચ્ચ સમરૂપક (C30H62O) ધરાવતો ઑક્ટાકોસેનોલ (C28H58O) પ્રતિશોથી (anti-inflammatory) સક્રિયતા દર્શાવે છે. પ્રતિશોથી સક્રિયતાવાળા લાંબી શૃંખલા ધરાવતા આલ્કેન અને આલ્કેનોલ (C27થી C32) વનસ્પતિઓમાં સર્વવ્યાપી છે.
પર્ણોને વાટીને તૈયાર કરેલો મલમ તાવ ઉતારવા શરીર ઉપર લગાડવામાં આવે છે. તેના રસનાં ટીપાં કર્ણશોથ (otitis) અને અન્ય શોથની સ્થિતિમાં કાનમાં નાખવામાં આવે છે. મૂળનો ઉપયોગ અર્જીણ (dyspersia), શ્વસની- શોથ (bronchitis), સંધિવા અને તાવમાં થાય છે. તેઓ પ્રતિજીવાણુક અને પ્રતિક્ષય ગુણધર્મો ધરાવે છે. છોડનો રાંઝણ(sciatica)માં ઉપયોગ થાય છે. સાંથાલની છોકરીઓ પર્ણોની ઝાંઝરીઓ બનાવે છે.
આયુર્વેદ અનુસાર રાસ્ના ગુરુ, કડવી, ઉષ્ણ, પાચક અને આમનાશક છે અને વિષ, ઘાતરક્ત, દમ, ઉધરસ, વિષમજ્વર, સોજો, આંચકી, કંપ, ઉદર-આમવાત, કફ, શૂળ, તાવ અને સર્વ પ્રકારના વાયુરોગોનો નાશ કરે છે. તેનો ઉપયોગ પક્ષાઘાત, કર્ણનાદ, અર્દિતવાયુ (મોઢું વાંકું થવું), મન્યાસ્તંભ (ડોકનું રહી જવું), અંડવૃદ્ધિ, આક્ષેપક, સપ્તધાતુગતવાત, આમવાત અને સર્વાંગવાત, શ્ર્વાસ, કાસ, અગ્નિમાંદ્ય અને શીતજ્વરમાં થાય છે.
પત્રરાસ્ના (Pluchea lamceolata C. B. Clarke, કુળઍસ્ટરેસી) ટટ્ટાર, 30 સેમી.થી 100 સેમી., ઊંચો ઉપક્ષુપ છે અને પંજાબ, ઉપરિ-ગંગાનાં મેદાનો અને રાજસ્થાનમાં થાય છે. તેનાં મૂળ રેતાળ જમીનમાં 6 મી.થી 7.5 મી. જેટલાં ઊંડાં જાય છે. પર્ણો 2 સેમી.થી 6 સેમી. લાંબાં, અદંડી, પ્રતિ-ભાલાકાર (oblenceolate) અથવા લંબચોરસ અને ચર્મિલ હોય છે. પુષ્પો સફેદ, પીળાં, નીલવર્ણાં કે જાંબલી રંગનાં હોય છે અને સંયુક્ત તોરા(corymb)-સ્વરૂપે મુંડકો (heads) ગોઠવાયેલાં હોય છે.
પત્રરાસ્ના સૂકી જગાઓમાં પુષ્કળ પ્રમાણમાં ઊગીને ઝુંડ બનાવે છે અને તે એક કષ્ટદાયી અપતૃણ ગણાય છે. તે બિનપિયત વિસ્તારોમાં રવીપાકને ઘણું નુકસાન પહોંચાડે છે. તરુણ અવસ્થામાં તે પૂરતો પર્ણસમૂહ ધરાવે છે અને રસાળ હોય છે. તેથી ઉત્તર પ્રદેશના કેટલાક શુષ્ક ભાગોમાં ઢોરોના ચારા તરીકે ઉપયોગ થાય છે. જોકે ઢોરો તેના અણગમતા કડવા સ્વાદને કારણે તેને ટાળે છે, છતાં ભૂસા કે જુવારના સાંઠા સાથે મિશ્ર સ્વરૂપમાં અપાય છે. તે ભૂસા કે જુવારના સાંઠા કરતાં પ્રોટીનની ઊંચી ટકાવારી અને વધારે પોષણમૂલ્ય ધરાવે છે.
આ અપતૃણનો નાશ ઍગ્રૉક્સોન (10 %) કે ફનૉર્ક્સૉન (2, 4-D) દ્વારા કરી શકાય છે.
પર્ણો મૃદુરેચક (aperient) હોય છે અને તેનો સોનામુખીની અવેજીમાં કે સોનામુખીના અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે. તે સંધિવા જેવાં દર્દોમાં ઉપયોગી છે. તેનો ક્વાથ સાંધાના સોજાને મટાડે છે. તે ગ્લાયકોસાઇડ અને સ્ટેરૉલ ધરાવે છે. વાયુ-શુષ્ક પર્ણોમાં ક્વિર્સેટિન અને આઇસોરહેમ્નેટિન હોય છે; ગ્લાયકોસાઇડ હોતા નથી. તેનું ઔષધ ઍસિટોકોલાઇન જેવી અને અરેખિત સ્નાયુઓ ઉપર શિથિલક-ઉદવેષ્ટહર (relaxant-spasmolytic) અસર દાખવે છે. બાર્બિટ્યુરેટ મૂર્છાનું પ્રબલીકરણ (potentiation) આ ઔષધ દ્વારા દર્શાવાતી મધ્યસ્થ ચેતાતંત્રની એકમાત્ર ક્રિયાશીલતા છે.
આયુર્વેદ અનુસાર તેનો હરસ, વાતવ્યાધિ અને ગૃધ્રસીમાં ઉપયોગ થાય છે.
એક મત પ્રમાણે V. roxburghiiમાં વેદનાસ્થાપનનો ગુણધર્મ નથી. શાસ્ત્રીય રાસ્ના વેદનાસ્થાપક છે. સાચી રાસ્ના Inula helenium Linn., (કુળ-ઍસ્ટરેસી) અને I. racemosa Hook. f. છે. I. helenium લગભગ 60 સેમી. ઊંચી શાકીય યુરોપિયન જાતિ છે. તેનાં મૂળ લગભગ 15 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 5.0 સેમી. જાડાં હોય છે. તાજું મૂળ માંસલ અને રસભરિત હોય છે.
- racemosa 1.5 મી. જેટલી ઊંચી મજબૂત શાકીય જાતિ છે અને પશ્ચિમ હિમાલયમાં 1,500 મી.થી 4,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનાં પર્ણો ચર્મિલ, ઉપરની સપાટીએથી ખરબચડાં, નીચેની સપાટીએ ગાઢપણે રોમિલ અને દંતુર (toothed) હોય છે. તેનું મૂળ બહુવર્ષાયુ, મોટું, જાડું, મૂળાના આકારનું અને નવું હોય ત્યારે સફેદ હોય છે. તેની સુગંધ કપૂર જેવી તેજ અને સ્વાદ કડવો હોય છે. કાશ્મીરમાં તેનાં મૂળનો કુથ(Saussurea lappa C. B. Clarkeનાં મૂળ)ના અપમિશ્રક તરીકે ઉપયોગ થાય છે. તે ઇન્યુલિન (10.0 %) અને ઍલેન્ટોલૅક્ટોનયુક્ત બાષ્પશીલ તેલ (1.3 %) ધરાવે છે. I. heleniumના તેલમાં ઍલેન્ટોલૅક્ટોન મુખ્ય ઘટક છે. તે ઉગ્ર કૃમિહર ગુણધર્મ ધરાવે છે અને સૅન્ટોનિન કરતાં વધારે સક્ષમ અને ઓછું વિષાળુ હોય છે. 1 : 1000ની સાંદ્રતાએ ઍલેન્ટોલૅક્ટોન કરમિયાનો 16 કલાકમાં અને સૅન્ટોનિન તે જ સાંદ્રતાએ બે દિવસમાં નાશ કરે છે. બાળકોને કૃમિહર તરીકે 0.009 ગ્રા.થી 0.2 ગ્રા.ની માત્રાએ આપવામાં આવે છે. વળી, તે પ્રતિરોધી (antiseptic), કફઘ્ન (expectorant) અને મૂત્રલ (diuretic) હોય છે. બીજ કડવાં અને પ્રસ્વેદક (aphrodisiac) હોય છે.
આયુર્વેદ અનુસાર આ રાસ્ના કડવી, તીખી, ઉષ્ણ, પાચક, વાતહર, ઉત્તેજક, કફઘ્ન, શ્ર્વાસહર, કાસહર, જ્વરઘ્ન, શોથહર, ચર્મરોગનાશક, ઉદરવાતહર અને વિષઘ્ન છે. મગજ, જઠર, મૂત્રપિંડ અને ગર્ભાશયને ઉત્તેજિત કરે છે. તે કીટાણુનાશક અને દુર્ગંધહર છે.
ગુડામારની દાંડી (Gymnea sylvestre R. Br., કુળ-ઍસ્કલેપિયેડેસી) અને સાપસૂન(Aristolochia indica Linn. કુળ-ઍરિસ્ટોલોકીએસી)નો ઉપયોગ પણ રાસ્ના રૂપે થાય છે. સાપસૂનને ખડકી રાસ્ના કહે છે.
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ