રાસ્ત ગોફ્તાર : વૃત્તયુગના આરંભનાં નોંધપાત્ર વૃત્તપત્રોમાંનું એક. ‘રાસ્ત ગોફ્તાર’નો અર્થ ‘સત્યવક્તા’. પ્રારંભ 15 નવેમ્બર, 1851. સ્થાપક દાદાભાઈ નવરોજી. જોકે ‘રાસ્ત ગોફ્તાર’ના સાચા સ્થાપક ખરશેદજી નશરવાનજી કામા ગણાય; કેમકે, તે જમાનામાં તેમની આર્થિક સહાય વિના આ પત્ર શરૂ કરવું કે ચલાવવું શક્ય ન બનત. અલબત્ત, એક નીડર અને બાહોશ પત્રકાર તરીકે દાદાભાઈએ આ અખબારનો પાયો નાખ્યો, જે નોંધપાત્ર બાબત છે.

ડૉ. રતન માર્શલે તેમના સંશોધનાત્મક પુસ્તક ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’માં નોંધ્યું છે કે 1850ના અરસામાં મુંબઈમાં પાંચ ગુજરાતી વર્તમાનપત્રો પ્રકાશિત થતાં; પરંતુ એ તમામ પત્રોના પારસી માલિકો કે તંત્રીઓ કોઈ ને કોઈ પક્ષની વિચારસરણી હેઠળ દબાયેલા હતા. પારસી સમાજના સુધારકોને આ વાત અકળાવતી અને તેથી તેમણે એક સ્વતંત્ર પત્ર શરૂ કરવાનો વિચાર કર્યો. આ માટે ઇચ્છાશક્તિ, લાયકાત, ક્ષમતા બધું જ તેમની પાસે હતું; અભાવ હતો માત્ર નાણાંનો. છેવટે દાદાભાઈ નવરોજીના નેતૃત્વ હેઠળ પારસી સુધારકોએ ખરશેદજી કામાને વાત કરી. આ માટે એવી વ્યવસ્થા નક્કી કરવામાં આવી કે ખરશેદજીએ નાણાંની મદદ આપવી અને દાદાભાઈએ માત્ર સેવાના હેતુથી પત્ર ચલાવીને પ્રજામાં તેનું મફત વિતરણ કરવું.

આમ તો ‘રાસ્ત ગોફ્તાર’નો પ્રારંભ કરવા માટે આયોજન થઈ રહ્યું હતું, પરંતુ એ દરમિયાન એક એવી ઘટના બની, જેને કારણે ‘રાસ્ત ગોફ્તાર’ 15 નવેમ્બરે જ શરૂ કરી દેવામાં આવ્યું.

મુંબઈમાં તે સમયે ‘ચિત્રજ્ઞાન-દર્પણ’ નામનું માસિક નીકળતું હતું, જેના તંત્રી હતા બેરામજી જમશેદજી ગાંધી. આ માસિક ઘણું વિશિષ્ટ હતું. તેમાં ચિત્રો દ્વારા વાચકોને વિવિધ વિષયોની માહિતી આપવામાં આવતી. આ સાથે મહાન લોકોનાં જીવનચરિત્ર પણ ચિત્રો સાથે આપવાની શરૂઆત બેરામજી ગાંધીએ કરી. આ શ્રેણીમાં હજરત મોહમ્મદ પયગંબર સાહેબનું જીવનચરિત્ર તેમની કાલ્પનિક છબી સાથે આપવામાં આવ્યું; પરંતુ તે પ્રગટ થતાની સાથે જ મુસલમાનો ઉશ્કેરાઈ ગયા અને તેમણે આખેઆખા પારસી-સમુદાયને નિશાન બનાવી તેમના જાન-માલને પારાવાર નુકસાન પહોંચાડ્યું.

મુસ્લિમોએ કરેલા આ હુમલાઓ વિરુદ્ધ બોલવા કોઈ પારસી આગેવાન આગળ આવ્યા નહિ; એટલું જ નહિ, પરંતુ પોલીસે પણ નિર્દોષ એવા પારસી-સમુદાયને બચાવવા ખાસ કોઈ પગલાં ન લીધાં તેવું પારસી સુધારકોને લાગ્યું અને તેની સામે જ અવાજ ઉઠાવવા દાદાભાઈએ કલમ ઉપાડી.

‘રાસ્ત ગોફ્તાર’ના પહેલા અંકની 1,000 નકલો છાપીને પ્રજામાં તેનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. દાદાભાઈએ તંત્રીસ્થાનેથી તેમાં તોફાનો વિરુદ્ધ કડક શબ્દોમાં લખ્યું; એટલું જ નહિ, પરંતુ ‘મુસલમાનોના હુલ્લડની એક માસની તવારીક’ મથાળા હેઠળ તોફાનો અને નુકસાનની વિગતો પ્રકાશિત કરી.

‘રાસ્ત ગોફ્તાર’ પ્રારંભમાં પખવાડિક હતું અને દર મહિનાની પહેલી તથા પંદરમીએ બહાર પડતું હતું. પરંતુ વાચકો તરફથી માંગ વધતાં દાદાભાઈએ માસિક બે આના લવાજમ સાથે ગ્રાહકો નોંધવાની શરૂઆત કરી. આ પછી 1852ના જાન્યુઆરીથી ‘રાસ્ત ગોફ્તાર’ દર રવિવારે સવારે પ્રકાશિત થવા લાગ્યું.

દાદાભાઈ તો જોકે 1855માં પરદેશ ચાલ્યા ગયા, પરંતુ ‘રાસ્ત ગોફ્તાર’માં લેખનકાર્ય ચાલુ રાખ્યું. તે સાથે તેના યોગ્ય સંચાલન માટે એક સમિતિની રચના કરવામાં આવી; જેમાં દાદાભાઈ નવરોજી, ખુરશેદજી નસરવાનજી કામા, ખરશેદજી રુસ્તમજી કામા, ડોસાભાઈ ફરામજી કામા, નવરોજી ફરદૂનજી વગેરેનો સમાવેશ થતો હતો. સમિતિમાં પાછળથી પ્રખ્યાત સમાજસુધારક કરસનદાસ મૂળજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

કરસનદાસ મૂળજીએ 1852માં ‘સત્યપ્રકાશ’ નામનું અખબાર શરૂ કર્યું હતું; પરંતુ 1861માં તે ‘રાસ્ત ગોફ્તાર’ સાથે ભળી જતાં ‘રાસ્ત ગોફ્તાર તથા સત્યપ્રકાશ’ એમ સંયુક્ત નામે પ્રકાશન થયું. દાદાભાઈ પછી ‘રાસ્ત ગોફ્તાર’નું તંત્રીપદ નસરવાનજી પૃથ્થા, જેહાંગીર બરજોરજી વાચ્છા, સોરાબજી શાપુરજી બંગાલી, કરસનદાસ મૂળજી, ડોસાભાઈ ફરામજી કરાકા, કાવસજી એદલજી ખંભાતા વગેરેએ સંભાળ્યું હતું.

પહેલી જાન્યુઆરી 1916ના રોજ રુસ્તમ પેસ્તનજી જેહાંગીરે ‘રાસ્ત ગોફ્તાર તથા સત્યપ્રકાશ’ પીરોજશા મેરવાનજી મર્ઝબાન પાસેથી ખરીદી તેનું પ્રકાશન ચાલુ રાખ્યું; પરંતુ તે પછીનાં લગભગ અઢી વર્ષે એટલે કે જુલાઈ 1918માં તેઓ ‘પ્રજામિત્ર અને પારસી’માં ભળી ગયાં. અને આમ એક રીતે ‘રાસ્ત ગોફ્તાર’ બંધ થયું અથવા તો બીજા શબ્દોમાં તેનો યુગ પૂરો થયો.

અલકેશ પટેલ