રાસ્પબેરી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rubus niveus Thunb. syn. R. lasiocarpus Hook. f.; R. albescens Roxb.; R. mysorensis Heyne (હિં. કાલા હિંસલુ, કાલીએંછી; મ. ગૌરીફલ; અં. માયસોર રાસ્પબેરી, મહાબલેશ્વર રાસ્પબેરી) છે. તે મોટો, ફેલાતો કાંટાળો અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને લાંબું, જાંબલી, મીણાભ(pruinose)-પ્રકાંડ ધરાવે છે. તેની શાખાઓ વધારે પડતી લટકતી હોય છે. પર્ણો સંયુક્ત, એકપિચ્છાકાર (unipinnate), એકાંતરિક અને 10 સેમી.થી 20 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓ 5થી 9 હોય છે અને તેઓ દંતુર (serrate) પર્ણકિનારી ધરાવે છે. પુષ્પો ગુલાબી રંગનાં અને અગ્રીય કે કક્ષીય તોરા(corymb)-સ્વરૂપે છૂટાંછવાયાં ગોઠવાયેલાં હોય છે. ફળો અષ્ઠિલ  સમૂહફળ (etaerio of drupes) પ્રકારનાં, 0.6 સેમી.થી 1.8 સેમી. વ્યાસવાળાં હોય છે અને પાકે ત્યારે કાળા રંગનાં બને છે.

તે પંજાબથી આસામ સુધી સમશીતોષ્ણ હિમાલયમાં, દક્ષિણ ભારતીય દ્વીપકલ્પ અને પશ્ચિમ ઘાટમાં 1,200 મી. કે તેથી વધારે ઊંચાઈએ થાય છે. તેનાં ફળો સુગંધિત હોય છે અને પુષ્કળ પ્રમાણમાં થાય છે. મહાબળેશ્વરનાં ભેજવાળાં સદાહરિત (evergreen) જંગલોમાં તે સામાન્ય છે. યુરોપ અને અમેરિકામાં આ પાક ખૂબ જ સારો થાય છે. અમેરિકામાં મિશિગન, વૉશિંગ્ટન, ઑરેગન અને ન્યૂયૉર્કનાં રાજ્યોમાં થાય છે. આ જાતિનો ‘માયસોર રાસ્પબેરી’ તરીકે દક્ષિણ ફ્લૉરિડામાં શાક-વાટિકાઓ (kitchen gardens) અને વ્યાપારિક વાવેતરમાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવાયો છે. હાલમાં તેને દક્ષિણ ફ્લૉરિડામાંથી પ્યુર્ટૉર રિકોમાં લઈ જવામાં આવી છે. તે દક્ષિણ ફ્લૉરિડાની ઍલ્કેલાઇન મૃદા(soil)માં પણ થાય છે.

રાસ્પબેરી : (1) છોડ, (2) પુષ્પ અને (3) પુષ્પ-પર્ણ સાથેની શાખા

તેનું પ્રસર્જન-બીજ, કટકારોપણ કે અગ્રદાબ (tip-layering) દ્વારા કરવામાં આવે છે. કેટલીક જાતિઓમાં પ્રસર્જન માટે મૂલ-અંત:- ભૂસ્તારી(suckers)નો ઉપયોગ કરવામાં આવે છે. બીજા વર્ષે ઉનાળામાં માતૃ-વનસ્પતિના ભૂમિગત ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં અંત:ભૂસ્તારીઓ ઉત્પન્ન થાય છે, જેમને ખોદી કાઢી વાવેતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અગ્રદાબ માટેનો સૌથી શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બર-ઑક્ટોબર છે; જેમાં માતૃ-વનસ્પતિની નજીક 7 સેમી.થી 10 સેમી. ઊંડા નાના ખાડા તૈયાર કરી દરેક ખાડામાં થોડુંક ખાતર ઉમેરવામાં આવે છે અને તેની નજીકની શાખાઓ વાળી ખાડાઓમાં તેની ટોચ દાબવામાં આવે છે. બેથી ત્રણ માસમાં તેના મૂળતંત્રનો સારો વિકાસ થાય છે અને તેની રોપણી ન થાય ત્યાં સુધી તેને તે જ જગાએ ઊગવા દેવામાં આવે છે. કોષસંવર્ધન દ્વારા પણ નવા રોપા તૈયાર કરી શકાય છે.

રાસ્પબેરી રેતાળથી મધ્યમ ગોરાડુ અને સારી નિતારશક્તિ ધરાવતી, મધ્યમસરની ફળદ્રૂપ અને સેંદ્રિય મૃદામાં થાય છે. 5.8થી 6.7 pH ધરાવતી મૃદા તેને અનુકૂળ ગણાય છે. તેનાં પર્ણો દ્વારા બાષ્પોત્સર્જન ઝડપથી થતું હોવાથી પાકને વધારે પાણીની જરૂરિયાત રહે છે. ઉત્તર તરફના ઢાળવાળી મૃદા આ પાકને વધારે અનુકૂળ આવે છે, કારણ કે તેથી પાકને ગરમી સામે રક્ષણ મળે છે અને હિમવર્ષા, પવન કે ઝાકળથી ફળો ઓછાં ખરે છે. ચોમાસાની શરૂઆતમાં મૂળ કે પ્રકાંડના 20 સેમી. જેટલા લાંબા કટકાઓને 10 સેમી.થી 20 સેમી.ના અંતરે ક્યારીઓમાં 4.0 સેમી. ઊંડાઈએ રોપવામાં આવે છે. એક વર્ષ બાદ છોડ ફેરરોપણી માટે તૈયાર થાય છે. ફેરરોપણી કરતા પહેલાં નીંદામણનાશક દવાનો છંટકાવ સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં કરવામાં આવે છે. મૃદાજન્ય રોગો અને કૃમિના નિયંત્રણ માટે 67 % મિથાઇલ બ્રોમાઇડ અને 23 % ક્લોરોપિક્રિનનો છંટકાવ કરવો જરૂરી છે. ઊંડા ખેડાણ અને પેષણ (pulverizing) દ્વારા મૃદા તૈયાર કરવામાં આવે છે. મૃદામાં ભેજ લાંબો સમય રહે તે માટે જમીન ખેડીને તૈયાર કરતા પહેલાં 20 ટનથી 25 ટન છાણિયું ખાતર જમીનમાં બરાબર ભળી જાય તે રીતે પાથરી દેવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને પોટાશનાં ખાતરો પણ ચોમાસામાં ઉમેરવામાં આવે છે. સરાસરી ભલામણ પ્રમાણે, વાવણી પછી 15 દિવસ બાદ 300 કિગ્રા.થી 450 કિગ્રા./હેક્ટર નાઇટ્રોજન એમોનિયમ નાઇટ્રૅટના સ્વરૂપમાં માર્ચથી એપ્રિલ દરમિયાન અર્ધી માત્રામાં અને બીજી અર્ધી માત્રા જુલાઈ-ઑગસ્ટ દરમિયાન આપવાથી ફળનું ઉત્પાદન વધારે મળે છે. બૅંગાલુરુમાં બકરીની લીંડીઓનું ખાતર વપરાય છે. ખાતર વર્ષમાં બે વખત આપવામાં આવે છે. વધારે નાઇટ્રોજનયુક્ત ખાતરથી વાનસ્પતિક (vegetative) વૃદ્ધિ ઝડપથી થાય છે. ફળ-નિર્માણ માટે વધારાનો પોટાશ આપવો જરૂરી છે.

મધ્યમસરના વરસાદના વાતાવરણમાં ફેરરોપણી કરવી સર્વશ્રેષ્ઠ છે. રોપાઓ 0.6 મી.ના અંતરે રોપવામાં આવે છે. બે હરોળ વચ્ચે 1.8 મી.નું અંતર રાખવામાં આવે છે. જ્યાં પિયત સુલભ હોય ત્યાં સમગ્ર વર્ષ દરમિયાન ફેરરોપણી કરવામાં આવે છે. છોડને 2.3 મી.ના અંતરે 0.4 મી. x 0.4 મી. x 0.4 મી.ના ઊંડા ખાડાઓમાં રોપવામાં આવે છે, જેથી પ્રતિહેક્ટરે 1,000 છોડ તૈયાર કરી શકાય. યુ.એસ.માં જ્યાં રાસ્પબેરીનું મોટા પાયે વાવેતર થાય છે, ત્યાં છોડને ક્ષુપાવલિ (hedge row) પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. વૃદ્ધિ પામતા રાસ્પબેરીના મૂળને નુકસાન ન થાય તે રીતે આંતરપાક લઈ શકાય છે. ઘાસપાત-છાદન દ્વારા અપતૃણોને અટકાવી શકાય છે અને ભેજ સંગ્રહી શકાય છે. રોપણી કર્યા પછી છોડની બાજુમાં માટી ચઢાવવામાં આવે છે, જેથી છોડને પૂરતો ભેજ મળી રહે અને મૂળનો ઝડપથી વિકાસ થઈ શકે. રોપણી પછી અપતૃણનો ઉગાવો ન થાય તે માટે સર્ફબાન કે ડેવરીબોલનો છંટકાવ કરવામાં આવે છે.

રાસ્પબેરીની વાવણી માટે વિસ્તાર, થડની સખ્તાઈ, પાકની ઉત્પાદનશક્તિ, મૃદા, આબોહવા અને ફળની ઉપયોગિતા મુજબ વિવિધ જાતો પસંદ કરવામાં આવે છે.

લાલ રાસ્પબેરીની રીવેલી, સાઉથલૅંડ, હેરિટેજ, લાથામ, ટેઇલર, વિલામેટે, સિટાડેલ, સેન ટ્રે, માલીગઓરીઓન અને ઍડમિરલ જાતો ખૂબ પ્રચલિત છે. કાળી રાસ્પબેરીમાં બીજ વધારે હોય છે અને તે સુગંધિત ફળ આપે છે. અર્લી લોગન, લોગન, બ્રિસ્ટલ, ઍલન, નવેલ ખુનડી અને બોડેન તેની જાણીતી જાતો છે. જાંબલી રાસ્પબેરી લાલ અને કાળી રાસ્પબેરીના સંકરણથી ઉત્પન્ન થતી જાત છે. તે મોટી હોય છે અને વધારે ઉત્પાદન આપે છે. તેની જાતોમાં ડીર્કસેન, ક્લેડે, મારિયૉન, બ્રાન્ડીવાઇન અને રૉયલ્ટીનો સમાવેશ થાય છે. રૉયલ્ટી વધારે મજબૂત અને ફળકીડા અને મોલોમશી સામે અવરોધક છે.

બ્લૅકબેરી કાળી રાસ્પબેરીથી અલગ છે. બ્લૅકબેરીનું ફળ પુષ્પાધાર (receptacle) સાથે તોડી લઈ બંનેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે.

રાસ્પબેરી(Rubus)ની ભારતમાં થતી કેટલીક ઉપયોગી જાતિઓ સારણી-1માં આપવામાં આવી છે :

થડ કે મૂળમાંથી બે પ્રકારની શાખાઓ નીકળે છે : ફળાઉ શાખાઓને ‘ફ્લોરોકેન’ અને વાનસ્પતિક વૃદ્ધિ દર્શાવતી શાખાઓને ‘પ્રિમોકેન’ કહે છે. ફળ ઉતારી લીધા પછી ‘પ્રિમોકેન’ શાખાઓ દૂર કરવાથી બીજા વર્ષે ફળાઉ શાખાઓની સંખ્યા વધે છે. કાળી અને જાંબલી રાસ્પબેરીનું ઉનાળામાં સમાકૃંતન (trimming) કરવામાં આવે છે, જેમાં મુખ્ય શાખા કાપીને છટણી કરવામાં આવે છે. લાલ રાસ્પબેરીને શિયાળો ઊતરતાં કલિકાનો વિકાસ શરૂ થાય ત્યારે છટણી કરવામાં આવે છે. સામાન્ય રીતે છટણી 1.2 મી. – 3.5 મી.થી 1.5 મી. – 1.65 મી. સુધીની લંબાઈએ કરવામાં આવે છે. છટણી કરવાથી અને ફળાઉ ડાળીઓની યોગ્ય ગોઠવણી કરવાથી ફળ ઉતારવામાં અને દવાના છંટકાવમાં સરળતા રહે છે અને મજૂરી-ખર્ચ ઘટે છે. વળી, ઉત્પાદનમાં 100 % જેટલો ફાયદો થાય છે. ફળોના વિપણન(marketing)ની વ્યવસ્થા ઉપર નિયંત્રણ રાખી શકાય છે, તેમજ બિનઉપજાઉ વર્ષ દરમિયાન નિભાવ-ખર્ચ ઘટાડી શકાય છે.

શ્યામવ્રણ (anthracnose) રોગ લાલ રાસ્પબેરી કરતાં જાંબલી અને કાળી રાસ્પબેરી ઉપર વધારે પ્રમાણમાં થાય છે. દલપુટ-શીર્ણતા(spurblight)નો રોગ ઋતુ મુજબ જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે. તે ઠંડી ઋતુમાં શાખાઓને નબળી પાડે છે. કિરીટ-પિટિકા(crowngall)માં મૂળ, શાખાઓ અને થડ ઉપર ફૂલ જેવી ગાંઠો થાય છે. કાળી રાસ્પબેરીમાં આ રોગનું સૌથી વિશેષ પ્રમાણ જોવા મળે છે. તેનું નિયંત્રણ ખૂબ જ મુશ્કેલ હોય છે. પાનના કોકડાવાના રોગમાં છોડનાં પાન ઉપર કે નીચેની તરફ વળીને કોકડાઈ ગયાં હોય તેમ ભેગાં થઈ જાય છે. પીળિયાના રોગમાં પાનની નસો પીળી પડે છે અને પાન ઉપર લીલા-પીળા રંગની પટ્ટીઓ ઉત્પન્ન થાય છે.

રાસ્પબેરીમાં વાઇરસજન્ય રોગો વધારે પ્રમાણમાં થતા હોવાથી રોપણી વખતે જ રોગમુક્ત કટકા કે રોપાની રોપણી કરવી જરૂરી છે. જરૂરિયાત મુજબ, આંતરખેડ અને અન્ય માવજત સમયસર આપવામાં આવે છે. રોગિષ્ઠ ડાળીઓનો ખેતર બહાર ઢગલો કરી બાળીને નાશ કરવામાં આવે છે.

જીવાતોમાં ઇતરડી (mite) પાનને નુકસાન કરી કરચલીઓ ઉત્પન્ન કરે છે. ટ્રી-ક્રિકેટ અને થડ કોરી ખાનારી ઇયળ થડમાં કાણાં પાડી તેમાં પ્રવેશી મૂળને નુકસાન પહોંચાડે છે. ફળમાખી રાસ્પબેરીનાં પાન અને ફળ બંનેને નુકસાન કરે છે. ફળના કીડા, થડનો ધણ અને અન્ય ભમરાની જાતિઓ રાસ્પબેરીને ચૂસીને કાણાં પાડે છે.

રાસ્પબેરીનાં ફળ પાક્યા પછી ઝડપથી સડી જતાં હોય છે અને ઉતારવામાં જો તેના ઉપર કાપા પડે તો બગાડ વધારે થાય છે. તેથી ફળ ઉતારવાનો સમય, જથ્થો અને ગુણવત્તા પ્રમાણેની વિપણનની વ્યવસ્થા અગાઉથી ગોઠવવી પડે છે. જો હવામાન ગરમ અને સૂકું હોય તો ફળ અઠવાડિયામાં 2થી 3 કે તેથી વધારે વાર ઉતારવામાં આવે છે. રાસ્પબેરીનાં ફળ નાજુક હોવાથી હળવે હાથે ઉતારી નીચે ફેંકવાને બદલે સીધા જ જે પેટીમાં તેનું સંવેષ્ટન (packing) કરવાનું હોય તેમાં ગોઠવવામાં આવે છે. વહેલી સવારથી 10 વાગ્યા સુધીનો સમય રાસ્પબેરી ઉતારવા માટે સૌથી સારો છે. બપોરના સમયે ફળ ઉતારવાં જોઈએ નહિ. વાદળછાયું અને ઠંડું વાતાવરણ ફળ ઉતારવા માટે વધારે અનુકૂળ છે. ભેજવાળા અને ગરમ દિવસોમાં ફળ પાકવાની અને બગડવાની ક્રિયા ઝડપથી થતી હોય છે. રાસ્પબેરીને 90 %થી 95 % સાપેક્ષ ભેજમાં 0° સે. તાપમાને બેથી ત્રણ દિવસ રાખી શકાય છે. તેથી ઉત્પાદન-વિસ્તારમાંથી બજાર સુધી ફળોને શીતપેટીમાં રાખી પહોંચાડવામાં આવે છે.

બ્લૅકબેરીનાં ફળ વાવણી પછી બીજે વર્ષે બેસે છે, જ્યારે રાસ્પબેરીનાં ફળ એક વર્ષ મોડાં બેસે છે. બૅંગાલુરુમાં વાવણી પછી લગભગ પાંચ માસમાં ફળ બેસે છે. આ વિસ્તારમાં પુષ્પનિર્માણ અને ફળોત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થાય છે; છતાં ફેબ્રુઆરી-માર્ચમાં સૌથી વધારે (6,000 કિગ્રા./હેક્ટર) અને જૂન-ઑગસ્ટમાં સૌથી ઓછું ઉત્પાદન (1,500 કિગ્રા./હેક્ટર) 5થી 6 વર્ષ સુધી મળે છે.

તાજી રાસ્પબેરીનો ઉપયોગ મોટા જથ્થામાં થાય છે. રાસ્પબેરીમાંથી જામ, જેલી અને સિરપ બનાવવામાં આવે છે. તેની ડબ્બાબંધી (canning) કરીને સંગ્રહ પણ કરવામાં આવે છે. આઇસક્રીમ, શરબત અને શીખંડને સુગંધિત કરવામાં તેનો ઉપયોગ થાય છે. રાસ્પબેરીને પીલીને તેનો રસ બનાવવામાં આવે છે અને તેને ઝડપથી ઠંડો પાડવામાં આવે છે. ફળનો રસ સ્વાદિષ્ટ અને તાજગી આપનારો હોય છે. માંદા માણસોને સ્વાદ પાછો મેળવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તેની સુગંધી અને મંદ અમ્લીયતાને કારણે બ્રોમાઇડ અને આયોડાઇડ જેવા ક્ષારયુક્ત ઔષધોના પ્રચ્છાદન (masking) માટે અસરકારક છે. સ્ટ્રૉબેરીની જેમ રાસ્પબેરીમાંથી પણ દારૂ બનાવવામાં આવે છે.

યુરોપિયન રાસ્પબેરી(R. idaeus)નું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 83.2 %, પ્રોટીન 0.9 %, શર્કરાઓ 5.6 % અને રેસો 7.4 %; સોડિયમ 2.5 મિગ્રા., પોટૅશિયમ 224 મિગ્રા., કૅલ્શિયમ 40.7 મિગ્રા., મૅગ્નેશિયમ 21.6 મિગ્રા., લોહ 1.21 મિગ્રા., તાંબું 0.21 મિગ્રા., ફૉસ્ફરસ 28.7 મિગ્રા., સલ્ફર 17.3 મિગ્રા., ક્લોરીન 22.3 મિગ્રા., કૅરોટિન 0.08 મિગ્રા., થાયેમિન 0.02 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.03 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 0.4 મિગ્રા., પેન્ટોથેનિક ઍસિડ 0.20 મિગ્રા., પ્રજીવક ‘બી6’ 0.09 મિગ્રા., બાયૉટિન 0.002 મિગ્રા., ફૉલિક ઍસિડ 0.005 મિગ્રા. અને એસ્કૉર્બિક ઍસિડ 25 મિગ્રા./100 ગ્રા.. ફળ r- અને ટૉકોફૅરોલનો સારો સ્રોત ગણાય છે. શર્કરાઓમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે, સુક્રોઝ હોતી નથી અથવા અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. રાસ્પબેરીની અમ્લીયતા સાઇટ્રિક ઍસિડ(97 %)ને લીધે મુખ્યત્વે છે. મૅલિક ઍસિડ 3.0 % જેટલો જ હોય છે. પૅક્ટિન (કૅલ્શિયમ પૅક્ટેટના સ્વરૂપમાં) લગભગ 0.4 % જેટલું હોય છે. ફળમાં મૅંગેનીઝ, જસત, મૉલિબ્ડેનમ અને આયોડીન (11 માઇક્રોગ્રામ/100 ગ્રા., શુષ્ક વજનને આધારે) જેવાં અલ્પતત્વો; ટૅનિન, ફ્લેવોન, ઍન્થોસાયનિન (લાલ રંજકદ્રવ્ય), પૅરોક્સિડેઝ, થાયેમિનનો પ્રતિચયાપચયિત પદાર્થ (antimetabolite), લૅસિથિન (0.13 %) અને કેટલાંક બાષ્પશીલ તેલ હોય છે. ફળમાં સૌથી લાક્ષણિક સુગંધિત દ્રવ્યો કાર્બોનિલ અને આલ્કોહૉલ હોય છે, જેમાં ડાઇએસિટિલ ઍસિટોઇન, એસિટાલ્ડિહાઇડ, એક્રોલૅઇન, એસિટોન, પ્રોપેનેલ, β-ડાઇમિથાઇલ એક્રોલેઇન, 2-પૅન્ટેનલ, 2-પૅન્ટેનોન, સીસ-3-હેક્ઝાનલ, 2-હેક્ઝાનલ, હેક્ઝાનલ, (+)-α-આયોનોન અને β-આયોનોન, પી-હાઇડ્રૉક્સિફિનિલ બ્યુટેનોન-3, મિથેનૉલ, ઇથેનૉલ, બ્યુટેનૉલ, ટ્રાન્સ-2-બ્યુટેન-1-ઓલ, 3-મિથાઇલ-2-બ્યુટેન-1-ઓલ, 3-મિથાઇલ-3-બ્યુટેન-1-ઓલ, l-પેન્ટાનોલ, 1-પેન્ટેન-3-ઓલ, l-હેક્ઝાનોલ, સિસ-3-હેક્ઝેન-l-ઓલ અને જિરાનિયૉલનો સમાવેશ થાય છે. આ સુગંધિત નિષ્કર્ષમાં ઇથાઇલ ઍસિટેટ, કેટલાક ઍસિડ, ફીનૉલ અને ઘણી અજ્ઞાત નીપજો હોય છે.

જામ અને સિરપ-ઉદ્યોગમાંથી નકામી નીપજ તરીકે મોટા જથ્થામાં બીજ પ્રાપ્ત થાય છે. શુષ્ક બીજમાંથી 10 %થી 15 % તેલ પ્રાપ્ત થાય છે, જે અળસીના તેલ જેટલી ઝડપથી સુકાય છે. તેલમાં 5 % સંતૃપ્ત ફૅટી ઍસિડ (મુખ્યત્વે પામિટિક) અને 90 % અસંતૃપ્ત ફૅટી ઍસિડ (ઓલિક 17 %, લિનોલેઇક 80 % અને લિનોલેનિક 3 %) હોય છે. બીજમાં લેસિથિન 0.6 % જેટલું હોય છે.

  1. idaeusનાં સૂકાં પર્ણોનો ચા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રાસ્પબેરીની ચા કેટલાંક પ્રાણીઓના ગર્ભાશય અને આંતરડાના અરેખિત સ્નાયુઓને વિશ્રાંતિ આપે છે. તે વધુ પડતા અને પીડાયુક્ત આર્તવની રૂઢિગત સારવારમાં વપરાય છે. તેનાં પર્ણોનો આસવ સંકોચક (astringent) છે અને આંતરડાની ફરિયાદોમાં ઉપયોગી છે. પર્ણોનો જલીય નિષ્કર્ષ અરેખિત સ્નાયુઓ માટે ઉત્તેજક અને ઉદ્વેષ્ટહર (spasmolytic) છે અને પ્રતિ-કોલિન ઍસ્ટરેઝ ધરાવે છે. પર્ણમાં રહેલું ફીનૉલીય ટૅનિન વનસ્પતિઓને વાઇરસના ચેપ સામે રક્ષણ આપે છે. R. ellipticusનાં મૂળ અને તરુણ પ્રરોહોનો આંતરડાના દુખાવામાં ઉપયોગ થાય છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ