રાવ, રાજલક્ષ્મી એન. (જ. 1934) : કન્નડ ભાષાનાં મહિલા-વાર્તાકાર. 1950ના દશકાના પૂર્વાર્ધમાં તેમણે લખવાનો પ્રારંભ કર્યો. ‘સંગમ’ (1956) નામનો તેમનો એક જ વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે; 1985માં તેનું પુનર્મુદ્રણ થયું ત્યાં સુધી તે અપ્રાપ્ય હતો. તેમાં 12 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.
કન્નડ ભાષાના ખૂબ જાણીતા લેખક બી. એમ. શ્રીકાન્તૈનાં તેઓ પ્રપૌત્રી થાય. મૈસૂર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી.
કન્નડ ભાષામાં નવ્ય સાહિત્યનું આંદોલન જોર પકડતું જતું હતું તે વખતે તેમણે લખવાનો પ્રારંભ કર્યો. અડિગ તથા રામચન્દ્ર શર્મા જેવા તે આંદોલનના પ્રણેતાઓનો પ્રભાવ તેમણે ઝીલ્યો હતો. આથી તેમની કૃતિઓમાં વિચાર તથા અભિવ્યક્તિની સંકુલતા, મૌલિક આઘાતજનક કલ્પનો તથા રૂપકો, વિદ્વત્તા તથા માનવચિત્તનાં અંતરતમ સંઘર્ષો તથા વેદનાઓ જોવા મળે છે. જોકે આજે નવ્ય સાહિત્યનાં વળતાં પાણી થયા પછી પણ તેમની વાર્તાઓની તાજગી અને પ્રભાવ એટલાં જ અસરકારક રહ્યાં છે. તેમાં નારીસહજ સંવેદના તેમજ સચેતતા જળવાઈ રહ્યાં છે.
મહેશ ચોકસી