રાવ, રેખા (જ. 1947, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. પોતાના પિતા અને આધુનિક ભારતીય ચિત્રકલાના એક પ્રમુખ કલાકાર કે. કે. હેબ્બરના હાથ નીચે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ઑસ્ટ્રેલિયા, જર્મની, અમેરિકા, વડોદરા, બૅંગાલુરુ, મુંબઈ અને દિલ્હીમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. તેમને 1975 અને ’76માં હૈદરાબાદ આર્ટ સોસાયટીના તથા 1977માં ઉત્તર પ્રદેશ લલિત કલા અકાદમીના અને 1978માં મહારાષ્ટ્ર રાજ્ય કલા પ્રદર્શનના ખિતાબોથી નવાજવામાં આવ્યાં હતાં.

રેખાની ચિત્રશૈલી હેબ્બરથી ગાઢ રીતે પ્રભાવિત છે. તેમાં વાસ્તવઆભાસી અને અમૂર્ત એ બે શૈલીઓનું સમતોલ મિશ્રણ હોવાથી તે અર્ધમૂર્ત બને છે.

હાલમાં રેખા મુંબઈમાં રહીને ચિત્રસર્જન કરે છે.

અમિતાભ મડિયા