રાવત, નૈનસિંહ (Rawat Nain Singh) (જ. 21 ઑક્ટોબર 1830 મિલામ, જિ. પિથોરાગઢ, ઉત્તરાખંડ; અ. 1 ફેબ્રુઆરી 1882) : ભારતના સૌપ્રથમ પ્રવાસી સંશોધક તરીકે જાણીતા બન્યા.

મિલામ ગામ જે મિલામ હિમનદીના તળેટીના ભાગમાં આવેલું છે. આ હિમનદી ભારત-ચીનના સરહદી વિસ્તારમાં આવેલી છે. આ મિલામ હિમનદી જોહરના ખીણવિસ્તારમાં વહે છે.  કુમાઉ વિભાગમાં ભોટિયા વસાહત આવેલી છે. નૈનસિંહ ભોટિયા જાતિના હતા. જોહરના ખીણવિસ્તારમાં ગોરીગંગા નદીનું મૂળ આવેલું છે.

 

નૈનસિંહ રાવત

નૈનસિંહ અભ્યાસની સાથે તેમના પિતાને મદદ પણ કરતા. તેઓએ તિબેટના જુદા જુદા વિસ્તારોની મુલાકાત તેમના પિતા સાથે લીધી હતી. તિબેટિયન લોકો સાથે હળીમળી ગયા હોવાથી ખૂબ જાણીતા બન્યા હતા. તેમણે તિબેટિયન ભાષા પણ શીખી લીધી હતી. તિબેટના રીતરિવાજો, તિબેટિયનોની નાની નાની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી આથી તેઓ તિબેટના ‘છૂપા સંશોધક’ (Spy explorer) ગણાયા. જોહર ખીણના ઉપરવાસમાં વસ્તીવિહિન વિસ્તારોમાં જૂનથી ઑક્ટોબર માસ દરમિયાન તેઓ મુલાકાત લેતા. આ સમયગાળામાં અતિશય ઠંડી અનુભવાતી હતી, તેમ છતાં નાનામોટાં સંશોધન કરતા. પશ્ચિમ તિબેટના ગ્યાનીમા (Gyanyima), ગારટોક અને અન્ય ગામોનાં બજારોની મુલાકાત લેતા હતા.

બ્રિટિશ સંશોધકો હેરમાન, એડોલ્ફ અને રૉબર્ટ શાલાગીનવેટ (Schlagintweit) સાથે 1856માં તેઓ જોડાયા હતા, તેમની સાથે પિતરાઈ ભાઈ મનીસિંહ અને દોલ્ફાસિંહ હતા. નૈનસિંહની કામગીરીથી પ્રભાવિત થઈને  એડોલ્ફે તેમને યુરોપ લઈ જવાની માન્યતા મળે તે માટે બ્રિટિશ સર્વેયરને પત્ર પણ લખ્યો હતો.

બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન તિબેટ સાથે વ્યાપારિક સંબંધો સારા હતા. તે સમયગાળામાં બ્રિટનને મધ્ય એશિયા તેમાં પણ ભારતની ભૂગોળનું અને તિબેટ વિશે પ્રવાસ-સંશોધનમાં વધુ રસ હતો. ગહન સંશોધન કરવા ટ્રિગોનોમેટ્રિક સર્વે(Trigono Metric Survey)નો પ્રારંભ કર્યો હતો. મધ્ય એશિયા અને તિબેટના પ્રવાસ સંશોધન માટે થોમસ મોન્ટેગોમેરીએ આયોજન કર્યું અને 1862માં તેને માન્યતા મળી. યારકાન્ડના પ્રવાસ-સંશોધન માટે અબ્દુલ હમીદને જ્યારે લ્હાસાના પ્રવાસ-સંશોધન માટે નૈનસિંહ અને મનીસિંહને સામેલ કર્યા.

પ્રવાસ-સંશોધન માટે તાલીમ જરૂરી હોય છે. આથી નૈનસિંહ અને મનીસિંહને તાલીમ માટે દહેરાદૂન મોકલ્યા. દહેરાદૂનમાં બે વર્ષ સુધી સતત તાલીમ લીધી. નૈનસિંહનો સંશોધન પ્રવાસ 1865માં શરૂ થયો. નૈનસિંહને પ્રવાસ-સંશોધન માટે લ્હાસા અને મનીસિંહને પશ્ચિમ તિબેટમાં મોકલ્યા. નૈનસિંહ 10 જાન્યુઆરી, 1866ના રોજ લ્હાસા પહોંચ્યા. ભારતમાં પાછા વળતાં લ્હાસામાં થોડું શૈક્ષણિક કાર્ય પણ કર્યું હતું. આ સંશોધન – પ્રવાસ દરમિયાન  ટાંચાં સાધનો, મર્યાદિત ખાદ્યસામગ્રીનો કરકસરથી ઉપયોગ કરવો જરૂરી બને છે. તે બાબતને લક્ષમાં રાખી હતી. સૌપ્રથમ વાર તેઓએ લ્હાસાની ઊંચાઈની જાણકારી આપી. તેમણે લ્હાસાની ઊંચાઈ 3420 મીટર દર્શાવી, પરંતુ વાસ્તવિક ઊંચાઈ 3540 મીટર છે. તે સમયે દર્શાવેલી ઊંચાઈ સત્યથી કંઈક નજીક હતી, તેમ કહી શકાય. આ ઊંચાઈ શોધવા માટે ‘Bowling Water & Altitude’ના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. જેમ ઊંચાઈએ જઈએ તેમ ઓછા તાપમાને પાણી ઊકળે એટલે કે દર 152.4 મીટરની ઊંચાઈએ જતાં 0.5 સે. તાપમાને પાણી ઊકળે. આ સિદ્ધાંતને આધારે વિવિધ સ્થળોની ઊંચાઈ માપી હતી. એ જ રીતે તેઓએ  બે સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે 33″નું દોરડું કમ્મરે બાંધીને ચાલતા. 2000 પગલાં બરાબર 1 માઈલ અંતરને આધારે સ્થળોનું અંતર શોધ્યું હતું. આમ તેઓએ ટાંચાં સાધનોને સહારે ઊંચાઈ અને અંતર શોધ્યાં હતાં. તેમનો બીજો સંશોધન-પ્રવાસ 1867માં પશ્ચિમ તિબેટનો હતો. તેમનો ત્રીજો પ્રવાસ 1873થી 1875  એટલે કે ત્રણ વર્ષગાળાનો હતો. લ્હાસા પ્રથમ પ્રવાસ કરતાં આ પ્રવાસ વધુ ઉત્તર તરફનો હતો અને તેથી કઠિન પણ હતો.

તિબેટના સંશોધન-પ્રવાસનું મહત્વ એ છે કે તિબેટના નાગરિક ન હોવા છતાં તેઓ આ પ્રવાસ ખેડી શક્યા. આ પ્રવાસમાં તેઓએ નોંધ્યું છે કે ‘થોકજાલુંગ’ (Thok Jalung) સ્થળ તે તિબેટનું સૌથી ‘ઠંડું સ્થળ’ છે. તેમના આ કઠિન પ્રવાસ અને સંશોધનને લક્ષમાં રાખીને બ્રિટનની ‘Royal Geographic Society’એ તેમને ‘પેટ્રન મેડલ’(Patron Medal)થી 1877ના મે માસમાં નવાજ્યા હતા. તે સમયે તેમના તિબેટના પ્રવાસ નકશાનું મહત્ત્વ વધુ હતું.

તેમના ‘મહાન ટ્રિગોનોમેટ્રિક સર્વે’નું મહત્વ લક્ષમાં રાખીને ભારત સરકારે 27 જૂન, 2004ના રોજ તેમની ટપાલટિકિટ પણ બહાર પાડી હતી. તેમના કાર્યને બિરદાવવા લેક પેંગોગ સરોવરની દક્ષિણે આવેલી પર્વતીય હારમાળાને ‘નૈનસિંહ હારમાળા’ નામ આપ્યું હતુ. 21 ઑક્ટોબર, 2017ના રોજ ગૂગલે તેમની 187મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તેઓ 16 વર્ષ સુધી ઘરથી દૂર રહ્યા. તે સમયે સંદેશાવ્યવહારનાં સાધનોમાં ‘ટપાલ’ સેવા જ હતી. તેઓ વસ્તીવિહીન પ્રદેશોમાં સંશોધન કરતા હોવાથી તેમના કોઈ સમાચાર ઘર સુધી પહોંચતા ન હતા. તેમની પત્નીને એવી આશા હતી કે તેઓ જરૂર  આવશે. તેથી તેમની પત્ની દર વર્ષે તેમના માટે સ્વેટર ગૂંથતાં હતાં. જ્યારે તેઓ ઘેર પહોંચ્યા ત્યારે તેમની પત્નીએ તેમને 16 સ્વેટર આપ્યાં.

જોહરના ખીણપ્રદેશમાં ‘રાવત’ જાતિનું પ્રભુત્વ હતું. કુમાઉના વિસ્તારમાં ચાંદ જાતિનું વર્ચસ્વ હતું, પરંતુ આ વિસ્તારોમાં ગોરખા જાતિના કાયદા લાગુ પડતા હતા. 1816માં બ્રિટિશરોએ ગોરખાઓને શિકસ્ત આપી હોવા છતાં બ્રિટિશરોએ તેમનામાં કોઈ દખલગીરી કરી ન હતી અને તે સમયે જોહર ખીણમાં વસતા ભોટિયા સાથે પણ બ્રિટિશરોના સંબંધો મૈત્રીસભર હતા. તે સમયે મોટાભાગના પ્રવાસી સંશોધકો જોહર ખીણમાં વસતા ભોટિયા જ જોવા મળતા હતા.

રાવત નૈનસિંહે 51 વર્ષની વયે ઉત્તરપ્રદેશના મુરાદાબાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

નીતિન કોઠારી