રાય, રામશંકર (જ. 1838, ઓરિસા; અ. 1917) : ઊડિયા ભાષાના લેખક. ગામઠી નિશાળમાં થોડું શિક્ષણ મેળવ્યા પછી કટકની બંગાળી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. રેવન્શો કૉલેજમાંથી સ્નાતક થયા પછી ક્લાર્ક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો; પરંતુ ટૂંકસમયમાં કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા.
1875માં તેઓ ઊડિયા માસિક ‘ઉત્કલ મધુપ’ના તંત્રી હતા ત્યારે ‘પ્રેમાતરી’ નામનું એમનું લાંબું કાવ્ય તેમાં હપતાવાર છપાયું હતું. ‘ઉત્કલ મધુપ’ તથા ‘ઇન્દ્રધનુ’ નામનાં બે સામયિકો માટે તેમણે બે નવલકથાઓ લખવાનો આરંભ કર્યો, પણ તે અધૂરી છોડી દીધી.
બંગાળી નાટક ‘રામાભિષેક’ પરથી તેઓ ઊડિયામાં નાટક લખવા પ્રેરાયા. વસ્તુત: તેઓ ઊડિયાના પ્રથમ નાટ્યલેખક બની રહ્યા. તેમનો હેતુ બોધપ્રધાન હતો. તેમણે વેદો, સ્મૃતિ, રામાયણ, મહાભારત, ભાગવત, ચૈતન્ય-ચરિતામૃત તથા ગીતગોવિંદનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને એ પ્રાચીન ગ્રંથસાહિત્યની વાર્તાઓ લઈ લોકપ્રિય નાટકો રચ્યાં. તેમણે પાશ્ર્ચાત્ય ઢબનો નાટ્યબંધ અપનાવ્યો તથા ‘કાંચી કાવેરી’માં ઊડિયામાં સૌપ્રથમ વાર બ્લૅન્ક વર્સનો પ્રયોગ કર્યો. રસ-જમાવટ માટે તેમણે હિંદુસ્તાની રાગ-રાગિણીનો પણ ઉપયોગ કર્યો. 1880થી 1917 સુધી, પૂરાં 37 વર્ષ સુધી ઊડિયા નાટ્યક્ષેત્ર પર તેઓ છવાઈ રહ્યા અને એ દરમિયાન તેમણે જે નવા વલણનો આરંભ કર્યો તેનો વીર વિક્રમદેવ, પદ્મનાભ નારાયણદેવ, બિહારીચરણ પટનાયક તથા કામપાલ મિશ્રા જેવા નાટ્યકારો પર ઊંડો પ્રભાવ પડ્યો.
તેમની કુલ 17 કૃતિઓ છે. તેમાં દસ નાટકો, બે નૃત્યનાટિકાઓ અને બે પ્રહસનો પણ છે. તેમનાં ઐતિહાસિક તથા પૌરાણિક નાટકોમાં તેમની પ્રતિભા ખીલી ઊઠે છે. ‘ઉત્કલ પ્રભા’માં પ્રગટ થયેલી તેમની ‘બિબસિની’ (1891) નામની નવલકથા ખૂબ લોકપ્રિય નીવડી હતી.
મહેશ ચોકસી