રાય, રેણુકા (જ. 4 જાન્યુઆરી 1904; અ. એપ્રિલ 1997) : બંગાળી સમાજસેવિકા. ચારુલતા અને સતીશચંદ્ર મુખરજીનાં પ્રથમ પુત્રી. પિતા ઇંડિયન સિવિલ સર્વિસમાં હોવાથી બંગાળાનાં જિલ્લામથકોએ જિલ્લા મૅજિસ્ટ્રેટ રૂપે વારંવાર બદલી પામતા. રેણુકાને આથી દેશનું પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળ્યો. સાથેસાથે તેમને ગોરા અધિકારીઓ દ્વારા પિતાને થતો અન્યાય અને તેમનું કરાતું અપમાન જોઈને ગુલામી કેવી અનિષ્ટ વસ્તુ છે, તે પણ જાણવા-અનુભવવાનો અવસર મળ્યો. પિતા તેમના કાર્યમાં દરિદ્ર પ્રજાજનો પ્રત્યે સદા સહાનુભૂતિ દર્શાવતા. બીજા દેશી અધિકારીઓ અંગ્રેજોને દેવોની જેમ પૂજતા. લંડનમાં રેણુકાના નાનાએ રાધાકૃષ્ણન્ તથા રાજેન્દ્રપ્રસાદના શિક્ષણનું કામ કરેલું. તેમની કેનસિંગ્મી હાઇસ્કૂલમાં દાખલ થઈ તેમણે હૅરોલ્ડ લાસ્કી, બેવરિજ ક્લેમેન્ટ ઍટલી અને આઇલિન પાવર જેવી વિભૂતિઓ પાસે શિક્ષણ લીધું. અહીં તે અંગ્રેજોથી અંજાયા વિના તેમના ગુણોની પ્રશંસા કરતાં અને અવગુણોની ટીકા કરતાં શીખ્યાં. આ બધાની ઉપર ચારુલતા ઉપર ગાઢ પ્રભાવ માતા તથા માતામહીનો રહ્યો. માતા ચારુલતા મહિલામંડળમાં સક્રિય હતાં. રાષ્ટ્ર સંઘ(League of Nations)ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેઓ ઉપપ્રમુખ હતાં. માતામહી સરલા રાય મહિલાશિક્ષણનાં સમર્થક હતાં. તેમણે સ્થાપેલી ગોખલે સ્મારક શાળા આજે પણ ચાલુ છે. આ સંસ્કારે રેણુકામાં અપાર સાહસ સિંચ્યું.

રેણુકા રાય

1920માં કોલકાતામાં રાષ્ટ્રીય મહાસભાના અધિવેશન પ્રસંગે રેણુકાને 16 વર્ષની વયે ગાંધીજીને મળવાનું બન્યું. આ સમયથી રેણુકાના જીવનનો માર્ગ સ્પષ્ટ બન્યો. તેઓ આજીવન ગાંધીવાદી રહ્યાં. ગાંધીજીના અનુયાયી થવા કૉલેજ છોડવા ઉતાવળાં થયાં, પણ પોતાને શિક્ષિત બહેનોનો સાથ જોઈએ છે એમ જણાવી ગાંધીજીએ તેમને વાર્યાં. તેઓ કૉંગ્રેસમાં જોડાયાં, પણ સંસ્થાની ઢીલી નીતિ તેમને ફાવી નહિ. તેમણે આકરી ટીકા કરી. તેઓ લંડનમાં હતાં ત્યારે ગાંધીજીના પ્રભાવને લીધે ક્રાંતિકારીઓની હિંસક પ્રવૃત્તિથી દૂર રહ્યાં. તેમણે ગાંધીજીની ગ્રામોદ્ધારનીતિને વધાવી લીધી. તે ક્ષેત્રે પણ કામ કર્યું. ત્રીશી-ચાળીશીમાં ગાંધીજીની ઘનિષ્ઠતામાં કામ કર્યું.

1943-45માં રેણુકાએ મહિલાઓને લગતા ધારાઓમાં સુધારા સૂચવવા નીમેલી સમિતિમાં દેશની બધી મહિલાઓ માટે સમાન નાગરિક ધારાનો આગ્રહ રાખ્યો. આમાં તેમને પં. હૃદયનાથ કૂંજરુ જેવાનો ટેકો સાંપડ્યો. સ્વતંત્રતા પૂર્વે 1947-52માં, બંધારણસભામાં પણ તેમણે દેશ માટે સમાન નાગરિક ધારા માટે ઉગ્ર માગણી કરી. કૉંગ્રેસની તુષ્ટીકરણની નીતિથી તેઓ નિરાશ થયાં. સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક પરિષદને ભલામણો કરવા માટે સંયુક્ત રાષ્ટ્રોએ વિશ્વભરમાંથી જે ત્રણ મહિલાઓની વરણી કરી તેમાં રેણુકા રાય પણ હતાં. (બીજાં બે મહિલાઓમાં યુ.એસ.નાં એલિનોર રૂઝવેલ્ટ અને ચિલીનાં ઍના ફિગરાસન હતાં.) 1966માં તેઓ આંતરસંસદીય સંઘમાં ભારતનાં પ્રતિનિધિ રહ્યાં.

1925માં રેણુકાએ સત્યેન્દ્રનાથ રાય સાથે લગ્ન કર્યાં. પતિ સ્ત્રીપુરુષ સમાનતાનો આદર કરતા હોવાથી રેણુકાના સાચા સાથી બન્યા. પાછળથી રેણુકા જ્યારે પ્રધાન બન્યાં અને પતિ મુખ્ય સચિવ હતા, ત્યારે આ જોડી કશા ક્ષોભ વિના સુપેરે સરકારી કામ નિભાવી શકી. 1952થી ’57નાં વર્ષોમાં પુનર્વાસ મંત્રીપદે રેણુકાની પુન:કસોટી થઈ. જોકે તેમણે 33 લાખ શરણાર્થીઓના શિબિરોમાં શિક્ષણ-વ્યવસ્થા ગોઠવવાનું કપરું કાર્ય પાર પાડ્યું. પાછલાં વર્ષોમાં તેમણે વિવિધ સરકારી સમિતિઓ તથા સંસ્થાઓમાં રહીને નબળા વર્ગો માટે ઉજ્જ્વળ કાર્યો કર્યાં. કૉંગ્રેસ પક્ષની જૂથબંધી તેમને ન ફાવી. નહેરુએ તેમને રાજ્યસભામાં નીમવા તૈયારી બતાવી, પણ ભારત જેવા દેશ માટે રાજ્યસભાનો વૈભવ ઉચિત નહોતો એવી તેમની માન્યતા હોવાથી તેમણે નહેરુના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. તેમની હિંમતનો બીજો પ્રસંગ ઇંદિરા ગાંધીના કટોકટી લાદવાના કાર્યનો સ્પષ્ટ વિરોધ કરવામાં જોવા મળ્યો.

બીજી બાજુ માતાપિતા જીવિત છતાં ત્રણેય પુત્રીઓ તથા બધાં ભાઈબહેનનાં મરણના ઘા ભુલાવવા તેમણે સામાજિક કાર્યને વધારે ઉગ્રતાથી ચાલુ રાખ્યું અને એ રીતે અવસાનના સમય સુધી તેઓ કાર્યરત રહ્યાં.

બંસીધર શુક્લ