રાય, રાધાનાથ (જ. 1848; અ. 1908) : ઊડિયા સાહિત્યના નવયુગના જનક. 8 વર્ષની વયે માતાનું અવસાન થવાથી તેઓ ઉદાસ અને એકાકી બની ગયા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે બાલાસોર હાઇ ઇંગ્લિશ સ્કૂલમાંથી પ્રવેશ-પરીક્ષા પાસ કરીને તેઓ કોલકાતા ખાતેની પ્રેસિડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવી શક્યા; પણ માંદગી અને ગરીબીને કારણે એ અભ્યાસ છોડીને તેમને બાલાસોર હાઇ ઇંગ્લિશ સ્કૂલમાં 1864માં શિક્ષકની નોકરી સ્વીકારવી પડી.
1869માં ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરીને તેઓ પુરી જિલ્લા સ્કૂલમાં જોડાયા. 1872માં બાલાસોર જિલ્લાની શાળાઓના નાયબ નિરીક્ષક નિમાયા. તેમનાં પ્રોત્સાહન તથા પ્રેરણાના પરિણામે, તેમના મિત્ર પ્રિન્સ વૈકુંઠનાથ દેની આર્થિક સહાયથી ‘ઉત્કલ દર્પણ’ નામે ઓરિસાના સર્વપ્રથમ સાહિત્યિક માસિકનું પ્રકાશન થયું. તેમની ફરજ-નિષ્ઠાના પરિણામે તેઓ (ત્યારે બંગાળના ભાગરૂપ) ઓરિસાની તમામ સ્કૂલના સંયુક્ત નિરીક્ષક બન્યા.
તેમની સર્જનાત્મક પ્રતિભા કવિતા, નિબંધ અને અનુવાદનાં ક્ષેત્રોમાં 40 વર્ષ સુધી સક્રિય રહી. રાધાનાથની લેખનકળામાં અનેકવિધ વિષયો તેમ અનુભવોનો ખજાનો છે અને તેમનાં કાવ્યોથી નૂતન અભિગમવાળી એક આગવી પરંપરા સર્જાઈ. વળી પછીનાં વર્ષોના કવિઓ તથા લેખકો પર એમની કવિતાનો ઊંડો પ્રભાવ પણ પડ્યો. તેમની કવિતામાં ઓરિસા તથા તેની બહુઆયામી સુંદરતાનો અત્યંત ચિત્રાત્મક વૃત્તાંત આલેખાયો છે.
તેમનાં પ્રારંભિક કાવ્યો બંગાળીમાં રચાયાં હતાં. 1873માં ‘કવિતાવલિ’ નામે તે પ્રગટ થયાં. ત્યારબાદ ઊડિયા સાહિત્યમાં પ્રગટેલા નવીન આંદોલનના ભાગ રૂપે અને તેના પ્રોત્સાહન તથા સમર્થન પેટે તેઓ ઊડિયા ભાષા તરફ વળ્યા અને ઊડિયા સાહિત્યના સર્વપ્રથમ મહત્ત્વના આધુનિક કવિ બની રહ્યા. 1880થી 16 વર્ષના ગાળામાં પ્રગટ થયેલાં તેમનાં પ્રખ્યાત કાવ્યોમાં ‘કેદાર ગૌરી’ (1886), ‘ચંદ્રભાગા’ (1886), ‘નંદિકેશ્વરી’ (1887), ‘ઉષા’ (1888), ‘પાર્વતી’ (1891), ‘ચિલિકા’ (1892), ‘મહાયાત્રા’ (1893), ‘દરબાર’ (1896) અને ‘જાજતી કેશરી’(1898)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘મેઘદૂત’નું રસાળ ભાષાંતર પણ તેમણે કર્યું છે.
તેમણે ઊડિયા કવિતાને પરંપરાગત શૈલી, લયબદ્ધતા તથા જૂનાં બંધનોમાંથી છુટકારો અપાવ્યો. તેમણે વિવિધ પ્રકારના વાચકવર્ગ માટે સુગમ ભાષા પ્રયોજી. કાવ્યોમાં અતિપ્રચલિત શબ્દોની રમતનો તેમણે સદંતર ત્યાગ કરી સરળતા યોજી. તેમણે બોલચાલના શબ્દપ્રયોગોનો ઉપયોગ કરી ભાષાને સુદૃઢ બનાવી. તેમની અપૂર્ણ ઊડિયા રચના ‘મહાજાત્રા’માં ‘બ્લૅન્ક વર્સ’નો ઉપયોગ કરનારા તેઓ પ્રથમ કવિ હતા.
તેમની પૂર્વે ઊડિયા સાહિત્યમાં સ્થાનિક વાતાવરણ, ભૂમિકા કે રંગો ભાગ્યે જ આલેખાતાં. ઓરિસાના ગ્રામીણ સૌંદર્ય તરફ દૃષ્ટિ દોડાવનાર તેઓ પ્રથમ મહત્ત્વના કવિ નીવડ્યા. ઓરિસાનાં તળાવો, નદીઓ અને ખીણપ્રદેશોનું તેમનું કાવ્ય-વર્ણન અત્યંત ચોટદાર અને ચિત્રાત્મક બન્યું છે. ‘ચિલિકા’ નામક કાવ્યમાં ચિલિકાના મનોરમ સરોવરનું વર્ણન, ‘મહાજાત્રા’માં મહાનદી ખીણનું વર્ણન, ‘ચંદ્રભાગા’ અને ‘ઉષા’માં પુરી તથા બાલાસોરનાં વર્ણન તેનાં લાક્ષણિક દૃષ્ટાંતો છે.
આધુનિક ઊડિયા સાહિત્યમાં તેઓ પ્રથમ નિબંધકાર તથા પ્રવાસકથાલેખક ગણાયા છે.
મહેશ ચોકસી