રાય, રાજા રામમોહન
(જ. 1772; અ. 27 ઑક્ટોબર 1833, બ્રિસ્ટોલ)
ભારતીય નવજાગૃતિના પિતા અને ભારતીય ઇતિહાસના નવાયુગના અગ્રદૂત. જન્મ બંગાળના એક બ્રાહ્મણ કુટુંબમાં. 1831-32ના અરસામાં તત્કાલીન દિલ્હીના શાસક અકબર બીજાને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે મહેનતાણું આપવામાં આવતું હતું તે અંગે પોતાને પડતી મુશ્કેલીઓને ગ્રેટબ્રિટનના રાજા સમક્ષ રજૂ કરવા માટે બાદશાહે રામમોહન રાયને બ્રિટન જવા વિનંતી કરી. આ માટે તેમણે રામમોહન રાયને ‘રાજા’નો ખિતાબ આપ્યો. તે સમયથી રામમોહન રાય રાજા રામમોહન રાય તરીકે ઓળખાવા લાગ્યા.
બાર વર્ષની વયે અરબી અને ફારસી ભાષાઓનું શિક્ષણ મેળવવા તેઓ પટણા ગયા હતા અને સોળમા વર્ષે કાશી જઈ પ્રાચીન વિદ્યાનું રહસ્ય સમજવા માટે ચાર વર્ષ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. તે વર્ષે તેમનામાં મૂર્તિપૂજા વિષે તિરસ્કાર જાગતાં તેઓ પિતાના ગુસ્સાનો ભોગ બન્યા. પરિણામે તેમણે ગૃહત્યાગ કર્યો અને તિબેટ સુધી પ્રવાસ કર્યો. ત્યાં તેમણે બૌદ્ધ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ તેમણે મુસ્લિમ, હિંદુ અને બૌદ્ધ તત્ત્વજ્ઞાનનો સારા પ્રમાણમાં અભ્યાસ કર્યો હતો. વીસ વર્ષની ઉંમરે પિતાના આગ્રહથી ઘેર પાછા આવેલા રાયે અંગ્રેજી ભાષાનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું અને પચ્ચીસ વર્ષની વયે તે અભ્યાસ પૂરો કર્યો. ત્યારપછી ચાલીસ વર્ષની વય સુધી સરકારી નોકરી કરી અને કોલકાતામાં નિવાસ કર્યો. 1815માં કોલકાતામાં કાયમી વસવાટ કર્યા પછી ખ્રિસ્તી ધર્મના મૂળ સ્રોતોનો અભ્યાસ કરવા તેમણે હિબ્રૂ, ગ્રીક તથા લૅટિન ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના જાહેરજીવન પૂર્વેના જીવનના અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે તે તેમના ત્યારપછીના સક્રિય જીવનની પૂર્વતૈયારી રૂપે હતું.
1814થી 1833 સુધીનાં 20 વર્ષના સમયગાળા દરમિયાન તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી. જેવી રીતે આધુનિક પશ્ચિમી રાજકીય ચિંતનના ઇતિહાસનો પ્રારંભ ઍરિસ્ટૉટલથી થયો છે તેવી જ રીતે આધુનિક ભારતીય રાજકીય ચિંતનની શરૂઆત રાજા રામમોહન રાયથી થાય છે.

રાજા રામમોહન રાય
ભારતીય નવજાગૃતિના પિતા અને આર્ષદ્રષ્ટા રાજા રામમોહન રાય તત્કાલીન પ્રવર્તતી શિક્ષણપ્રથામાં આમૂલ ફેરફાર થાય તેવો આગ્રહ ધરાવતા હતા. તેઓ એવા તારણ પર આવ્યા હતા કે સદીઓથી અંધકાર-અજ્ઞાનની ગાઢ નિદ્રામાં ઘોરતી દેશની પ્રજાને તેમાંથી બહાર કાઢવા માટે શિક્ષણપ્રથામાં મૂળભૂત રીતે પરિવર્તન લાવવું પડશે. તેમણે એવું તારણ કાઢ્યું હતું કે જો દેશવાસીઓને તાર્કિક અને વૈજ્ઞાનિક શિક્ષણ આપવામાં આવશે તો જ રાષ્ટ્રોના સમૂહમાં ભારત યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશે.
તેઓ વિજ્ઞાન-અભિમુખ શિક્ષણના ભારે હિમાયતી હતા. દેશમાં નવજાગૃતિનો પ્રારંભ થાય તે માટે તેમણે ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન તથા રાજનીતિને લગતા ઉપયોગી જ્ઞાનના વિસ્તરણ માટે બંગાળી ભાષામાં ‘સંવાદ કૌમુદી’ અને ફારસી ભાષામાં ‘મિરાત-ઉલ-અખબાર’ સામયિકો શરૂ કર્યાં. માતૃભાષાને માધ્યમ બનાવી તેમણે વ્યાકરણ, ભૂગોળ, ભૂમિતિ, ખગોળશાસ્ત્ર જેવા વિષયો માટે બંગાળી ભાષામાં પાઠ્યપુસ્તકો લખ્યાં.
તેમણે સંસ્કૃતવિદ્યા, ન્યાય, વેદાંત, મીમાંસા વગેરે દર્શનો ઉપરાંત ભૌતિક વિદ્યાઓ તથા સમાજવિદ્યાઓના શિક્ષણ માટે આગ્રહ રાખ્યો અને કાર્યક્રમો પણ હાથ ધર્યા.
તેમણે પશ્ચિમી વિજ્ઞાનોના તથા સાહિત્યના અભ્યાસ માટે ડૅવિડ હેર સાથે મળીને 1817માં કોલકાતામાં હિંદુ કૉલેજ શરૂ કરી. ભારતમાં અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ આપતી એ પહેલી શૈક્ષણિક સંસ્થા હતી. આ કૉલેજમાં અભ્યાસ કરનારા ઘણા વિદ્યાર્થીઓએ સમય જતાં દેશના વિવિધ વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થાપી હતી. પરિણામે અંગ્રેજી ભાષાનું તેમજ તેના દ્વારા જ્ઞાનનું વિસ્તરણ થયું.
1823માં સ્થપાયેલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનને શિક્ષણના વિકાસ માટે મોટી રકમનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેના બ્રિટિશ ઉચ્ચ અધિકારીઓ સંસ્કૃત અને અરબી ભાષાઓના શિક્ષણને વેગ આપવા, કોલકાતામાં સંસ્કૃત કૉલેજની સ્થાપના કરવા તથા સંસ્કૃત તથા અરબી ભાષાઓનાં પ્રાચીન પુસ્તકોને છપાવવા માંગતા હતા. રાજા રામમોહન રાયે આ વિચારનો વિરોધ કરતાં ગવર્નર જનરલ લૉર્ડ એમહર્સ્ટનને પત્ર લખી ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આ રકમનો ઉપયોગ ભારતના લોકોને ભૌતિક વિદ્યાઓ, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર વગેરે વિષયો શીખવવા માટે તેમજ તે માટે નિષ્ણાત વિદ્વાનોની – અધ્યાપકોની નિમણૂક કરવા માટે થવો જોઈએ.’ અહીં ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે ઇંગ્લૅન્ડમાં રસાયણશાસ્ત્રની કૉલેજ સ્થપાઈ તે પૂર્વે તેર વર્ષ અગાઉ તથા લંડન યુનિવર્સિટીમાં વિજ્ઞાનવિદ્યાશાખા શરૂ થઈ તે પૂર્વે સાડત્રીસ વર્ષ અગાઉ આ પ્રકારના અભ્યાસક્રમો ભારતમાં શરૂ કરવાની માગણી આર્ષદ્રષ્ટા રાયે ભારપૂર્વક કરી હતી.
રાયની આ માંગણીને ઠુકરાવવામાં આવી. પરંતુ છેવટે 1835માં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બૅન્ટિકે લૉર્ડ મેકૉલેના ટેકાથી શૈક્ષણિક નીતિની જાહેરાત કરી અને ભારતમાં પશ્ચિમી શિક્ષણ આપવાનું સ્વીકારાયું, જેનાં ઉત્તમ પરિણામો દેશની પ્રજા ભોગવી રહી છે.
રાયે ઍંગ્લો-ઇન્ડિયન પ્રજા પશ્ચિમી શિક્ષણ સંબંધે જે પ્રયાસો કરી રહી હતી તેને સહકાર આપ્યો. એ પ્રજાએ સ્થાપેલ જૉઇન્ટ સ્ટૉક કંપનીના ઉપક્રમે રાયે કોલકાતામાં ‘ધ પેરેન્ટલ એકૅડેમિક ઇન્સ્ટિટ્યૂશન’ની સ્થાપના કરી, જે સમય જતાં એક ઉત્તમ શિક્ષણ-સંસ્થા તરીકે ડોવેરોન કૉલેજમાં ફેરવાઈ ગઈ. વધુમાં, રાયે વેદ વિદ્યાલયની સ્થાપના પણ કરી હતી. તેમાં હિંદુ શાસ્ત્રો, હિંદુ સાહિત્ય અને ફિલસૂફી ઉપરાંત યુરોપીય સાહિત્ય તથા વિજ્ઞાનનો અભ્યાસ કરાવવામાં આવતો હતો.
દેશના રાજકારણના સંદર્ભમાં તેમણે શૈક્ષણિક ક્ષેત્રે રજૂ કરેલ વિચારો તથા પ્રયાસો અપૂર્વ બની રહ્યા.
રાજા રામમોહન રાયે ધર્મસુધારણાના ક્ષેત્રે કરેલ પ્રદાન ખાસ ધ્યાન ખેંચે છે. દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને પ્રસાર વેગ પકડી રહ્યા હતા. ધાર્મિક પરિવર્તનથી હિંદુઓને ખ્રિસ્તી બનાવવાની પ્રક્રિયા વેગ પકડી રહી હતી. આ પ્રવૃત્તિનો પ્રતિકાર કરવા તથા લોકોને હિંદુ ધર્મનો સાચો ખ્યાલ આપવા રાયે 1815, 1816 તથા 1817માં અનુક્રમે વેદાંતસૂત્રોના શાંકર ભાષ્યના ઈશ, કેન, કઠ, મુંડક તેમજ માંડુક્ય ઉપનિષદોના બંગાળી ભાષામાં અનુવાદો કરી તેમને લોકો સમક્ષ રજૂ કર્યા. આ ઉપરાંત બ્રહ્મસૂત્ર ભાષ્યના આધારે ‘વેદાંતસાર’ પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરી. આમ માતૃભાષામાં અગત્યના ધાર્મિક ગ્રંથોનો અનુવાદ કરીને તેમણે લોકોને હિંદુ ધર્મથી માહિતગાર કર્યા. આ પાછળનો તેમનો મુખ્ય હેતુ એ હતો કે વેદાંતે ઈશ્વર-સ્વરૂપ સંબંધે જે સત્યદર્શન કરાવ્યું છે તેનાથી લોકોને પરિચિત કરવા સાથોસાથ મૂર્તિપૂજાને અને તેના કારણે જન્મેલ ધાર્મિક અંધશ્રદ્ધાને તથા ધાર્મિક દુરાચરણોને દૂર કરવાં.
રાયના જીવન-અભ્યાસમાંથી ફલિત થાય છે કે તેઓ ખ્રિસ્તી ધર્મના ટીકાકાર નહિ પરંતુ ખરેખર તો તેના પ્રશંસક હતા. એટલું જ નહિ પરંતુ ઈશુને પૂજનીય માનતા હતા. આ કારણથી તેમજ તેમણે હાથ ધરેલ ઉપર્યુક્ત કામગીરીથી ખ્રિસ્તી પાદરીઓમાં એવી માન્યતા બંધાવા લાગી હતી કે રાય ખ્રિસ્તી ધર્મ અપનાવશે. આ માટે તેમને પ્રલોભનો આપવાનું પણ શરૂ થયું હતું. પરંતુ આ નોખી માટીના માનવી માટેની આ માન્યતા પાયા વગરની હતી અને રાયે પોતે જ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એ નોંધ પણ લેવી જોઈએ કે તેમણે 1821માં બે પાદરીઓ રેવરંડ વિલિ યમયેટ્સ તથા રેવરંડ વિલિયમ – ની સહાય લઈને બાઇબલનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો હતો.
અગાઉ જોઈ ગયા તે મુજબ તેમણે હિંદુ, ઇસ્લામ તથા બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. તેમના ચિંતનને પ્રભાવિત કરવામાં વેદાંત તથા ઇસ્લામ ધર્મે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મૂર્તિપૂજાના વિરોધી રાય એવા નિર્ણય પર પણ આવ્યા હતા કે હિંદુ શાસ્ત્રોમાં મૂર્તિપૂજાનું સમર્થન જોવા મળતું નથી. પરિણામ એ આવ્યું કે તેઓ ઇસ્લામ ધર્મના પ્રભાવથી ચુસ્ત એકેશ્વરવાદી બન્યા, જ્યારે વેદાંતના અભ્યાસથી તેમણે સ્પષ્ટ કર્યું કે વૈદિક-હિંદુ ધર્મ અને ઇસ્લામ વચ્ચે વિચાર-સંઘર્ષ અસ્તિત્વ ધરાવતો નથી.
રાજા રામમોહન રાયે વેદાંતના અભ્યાસમાંથી એક ઈશ્વરનો ખ્યાલ પ્રાપ્ત કર્યો. એકેશ્વરવાદના પાયામાં એ વિચાર પડેલો છે કે વિશ્વનું સર્જન બ્રહ્મ દ્વારા થયું છે. આ વિચારને રજૂ કરવા તેમણે 1803માં ફારસી ભાષામાં ‘‘તોહફતુલ મુવહદ્દીન’’ ‘‘એકેશ્વરવાદીની ભેટ’’ – આ નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. તેમાં એ વિચાર કેન્દ્રમાં રહ્યો છે કે ‘માનવમનનું કુદરતી વલણ એક શાશ્વત બ્રહ્મ તરફ વળવાનું છે.’ ઉપનિષદ તથા ભગવદ્ગીતા એક ઈશ્વરના વિચારનો સ્વીકાર કરે છે, ત્યારે વિવિધ દેવોની પૂજા શા માટે ? આ પ્રશ્ર્ને પણ તેમને એકેશ્વરવાદની ભાવના તરફ વાળ્યા. એકેશ્વરવાદની ભાવનાથી પ્રભાવિત થયેલા રાયે તે ભાવનાને અનુરૂપ 1828માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી હતી.
બ્રહ્મોસમાજની સ્થાપના પૂર્વે તેમણે 1816માં ‘આત્મીય સભા’ની સ્થાપના કરી હતી. આ સભાનાં દ્વાર તમામ ધર્મના લોકો માટે ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં. ત્યારપછી 1827માં ‘બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા યુનિટેરિયન એસોસિયેશન (એકેશ્વરવાદી મંડળ) રચવામાં આવ્યું હતું. છેવટે 1828માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. આ સંદર્ભે જે વ્યવસ્થા-પત્ર ટ્રસ્ટ ડીડ – તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં રાજા રામમોહન રાય, દ્વારકાનાથ ટાગોર, પ્રસન્નકુમાર ટાગોર વગેરે દાતાઓની મિલકત બ્રહ્મોસમાજના ત્રણ ટ્રસ્ટીઓને સોંપવામાં આવી હતી. આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો પ્રમાણે (1) સંસ્થાની સભા નિયમિત મળે અને હિંદુ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ કરવામાં આવેલા સિદ્ધાંતો પ્રમાણે સમુદાયમાં પ્રાર્થના કરવામાં આવે; (2) ધાર્મિક ગ્રંથોનું વાંચન તથા ઈશ્વરસ્તુતિ કરવાં; (3) ધર્મનાં મહાસત્યોનું વિવરણ કરવું તેમજ તેમના પર ચર્ચાવિચારણા કરવી; (4) મનનાં હલકાં તત્ત્વો પર અંકુશ મેળવવા તથા સર્વોચ્ચ ચૈતન્યની નજીક પહોંચવા દૈવી સદગુણ અને દૈવી શક્તિ સંબંધે ધ્યાન-મનન કરવામાં આવે.
ધર્મસુધારણાના ક્ષેત્રે રાજા રામમોહન રાયની ભૂમિકાને અનુલક્ષીને એવું સ્વીકારવામાં આવ્યું છે કે વિવિધ ધર્મોના તુલનાત્મક અભ્યાસના સંદર્ભમાં તેમણે પહેલ કરી છે. મૉનિયર વિલિયમ્સે આ વિચારનું સમર્થન કર્યું છે. તેમણે વિશ્વધર્મની ભાવનાને રજૂ કરેલી. તેઓ દૃઢપણે માનતા હતા કે એવો સમય ચોક્કસ આવશે જ્યારે વિશ્વધર્મનું આચરણ કરવામાં આવતું હશે. અહીં આપણને તેમની ભાવિ દર્શન કરવાની શક્તિની ઝાંખી થાય છે.
એકેશ્વરવાદની હિમાયત તેમણે બ્રહ્મોસમાજની સ્થાપના દ્વારા કરી, બ્રહ્મોસમાજનું નોંધપાત્ર પ્રદાન એ રહ્યું કે તેણે ધર્મ-સહિષ્ણુતાની ભાવનાને વિકસાવી. મૂર્તિપૂજાના વિરોધના કારણે તેમણે એકેશ્વરવાદના સ્વરૂપને રજૂ કર્યું. મૂર્તિપૂજાના કારણે જ લોકોમાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે અને અન્ય ધર્મ કનિષ્ઠ છે તેવી ભાવના જન્મે છે એમ તેમનું મંતવ્ય હતું. મૂર્તિપૂજા અંગેના તેમના ચિંતનને સ્વામી દયાનંદ સરસ્વતીએ આગળ વધાર્યું હતું.
સામાજિક સુધારણાના ક્ષેત્રે પણ રાજા રામમોહન રાયની ભૂમિકા અદ્વિતીય રહી છે. આ સંદર્ભમાં સૌપ્રથમ સમાજમાં પ્રવર્તતી જ્ઞાતિપ્રથાને દૂર કરવાની દિશામાં તેમણે પહેલ કરી. તેમણે જ્ઞાતિ-જાતિના ભેદભાવને દૂર કરવા માટે બ્રહ્મોસમાજ દ્વારા આંતરજ્ઞાતીય લગ્નપ્રથાની તરફેણ કરી હતી. અગાઉ નોંધ્યું તેમ જ્ઞાતિપ્રથાના કારણે ઉદભવતા ઊંચ-નીચના ભેદભાવોને દૂર કરવા માટે જ બ્રહ્મોસમાજના વ્યવસ્થાપત્રમાં એવી શરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કે બ્રહ્મોસમાજનું સભ્યપદ તમામ માટે ખુલ્લું છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવનો સ્વીકાર કરવામાં આવશે નહિ.
જ્ઞાતિપ્રથા સાથે સંકળાયેલ અસ્પૃશ્યતાના દૂષણને ડામવા માટે બ્રહ્મોસમાજે ભજવેલી ભૂમિકા ધ્યાન ખેંચે છે. આ દિશામાં જે પ્રયાસો થયા તેના કારણે પછી આવનાર સમાજસુધારકો તથા રાજકીય ચિંતકો માટેનો માર્ગ મોકળો થયો.
તે સમયે સ્ત્રીઓનું સ્થાન ખૂબ ગૌણ હતું. તેમનું જીવન દબાયેલું, કચડાયેલું, ઓશિયાળું હતું. બ્રહ્મોસમાજ દ્વારા સ્ત્રીવર્ગ સ્વતંત્રતા મેળવે તે અંગેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં જ બાળલગ્નપ્રથાના કારણે બાળવિધવાઓનું પ્રમાણ ઘણું હોવાથી બાળવિધવાની પ્રથાનો ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો. વિધેયાત્મક પગલા તરીકે વિધવાવિવાહની પણ હિમાયત કરવામાં આવી તેમજ તે દિશામાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા. વધુમાં, વરવિક્રય તથા ક્ધયાવિક્રયની પ્રથાનો, કન્યાઓનો જન્મ થતાં તેમને દૂધ પીતી કરવાના રિવાજનો તેમજ પતિના અવસાન પાછળ જીવતી પત્નીને પતિની ચિતામાં સળગાવવાનો-સતીપ્રથાનો જે વ્યાપક ફેલાવો થયો હતો તેમનો અંત આણવાની દિશામાં રાયે રજૂ કરેલ વિચારો-ચિંતન તેમજ તેમણે કરેલાં કાર્યોની નોંધ ભારતના સમાજસુધારાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલી છે.
સ્ત્રીને પુરુષસમોવડી બનાવવા તેઓ સતત સક્રિય રહ્યા. આ સંદર્ભમાં તેઓ દૃઢપણે માનતા હતા કે જ્યારે સ્ત્રીવર્ગ આર્થિક રીતે સ્વતંત્ર બનશે ત્યારે જ તે સાચી સ્વતંત્રતા ભોગવી શકશે. તેમનો આ વિચાર કેટલો બધો પાયાનો છે તેનો ખ્યાલ સાંપ્રત સમયમાં સ્ત્રીવર્ગની સ્વતંત્રતા આર્થિક સ્વતંત્રતા પર કેટલી બધી નિર્ભર છે તે હકીકત પરથી આવે છે. આ સંદર્ભમાં તેમણે ‘મૉડર્ન એન્ક્રોચમેન્ટ ઑન ધી એન્શ્યન્ટ રાઇટ્સ ઑવ્ ફીમેલ્સ એકૉર્ડિંગ ટુ ધ હિંદુ લૉ ઑવ્ ઇનહરિટન્સ’ નામની પુસ્તિકા પ્રસિદ્ધ કરી. તેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પતિના મૃત્યુ પછી વિધવા સ્ત્રીને મિલકતના વારસામાંથી બાકાત રાખવી જોઈએ નહિ, પરંતુ મિલકતનો જેટલો હિસ્સો પુત્રને મળે તેટલો જ હિસ્સો વિધવાને મળવો જોઈએ. તે સમયના સંદર્ભમાં આવો ક્રાંતિકારી વિચાર રજૂ કરીને રાયે જે પ્રદાન કર્યું તેના ફળસ્વરૂપે છેવટે સાંપ્રત સમયમાં આ વિચારનો કાનૂની રીતે સ્વીકાર થયો છે અને માત્ર વિધવાને જ નહિ પરંતુ પુત્રીઓને પણ સમાન વારસદાર ગણવામાં આવેલ છે. અહીં પણ આપણને રાય તેમના સમય કરતાં કેટલા બધા આગળ હતા તેનો ખ્યાલ આવે છે.
સ્ત્રીના સ્થાનને પુરુષસમોવડું બનાવવા માટે રાયે સતીપ્રથા-નાબૂદીના વિચારને જોરશોરથી રજૂ કર્યો તથા તે માટે તેઓ સતત સક્રિયપણે પ્રયત્નશીલ રહ્યા. આ પ્રથા માટે તેમણે તે સમયે પ્રવર્તતી બહુપત્નીપ્રથાને જવાબદાર ગણી હતી. તેમણે જણાવ્યું છે કે બહુપત્નીપ્રથા પ્રાચીન કાયદા સાથે સુસંગત નથી. તે કાયદો અમુક સંજોગોમાં જ એક કરતાં વધુ પત્ની કરવાની છૂટ આપતો હતો. તેમના ચિંતન અને વ્યવહારમાં રહેલી એકસૂત્રતાનો ખ્યાલ એ પરથી આવે છે કે તેમણે પોતાના વસિયતનામામાં સ્પષ્ટતા કરી હતી કે પોતાના કુટુંબના સભ્યોમાંથી જે કોઈ એક કરતાં વધુ પત્ની કરે તેને વારસાથી વંચિત રાખવામાં આવે.
તે સમયે સતીપ્રથાનો વ્યાપક પ્રમાણમાં અમલ થઈ રહ્યો હતો. મોટાભાગે તો સ્ત્રીને તેની મરજી વિરુદ્ધ ‘સતી’ થવાની ફરજ પાડવામાં આવતી હતી. આ માટે શારીરિક બળનો તેમજ કેફી દ્રવ્યોનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. બ્રિટિશ હકૂમતનું વલણ હિંદુઓની ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ નહિ કરવાનું હોવાથી તેનું ધ્યાન આ દૂષણ પ્રત્યે 1788માં દોરવામાં આવ્યું હોવા છતાં પણ 1813 સુધી તેણે તે પ્રત્યે ધ્યાન આપ્યું ન હતું.
1815થી 1818ના ગાળા દરમિયાન 2,635 વિધવાઓને તેમના પતિના શબ સાથે જીવતી સળગાવી દેવામાં આવી હતી. કંપની સરકારે 1817-18ના સમય દરમિયાન આ કુરિવાજને રોકવા કેટલાંક નિયંત્રણો મૂક્યાં, પરંતુ તે બિનઅસરકારક બની રહ્યાં.
રાજા રામમોહન રાયે સતીપ્રથાનો અંત આણવા માટે અરજી કરી હતી. તેમણે એવું જણાવ્યું છે કે સતીપ્રથા પાછળનો હેતુ ઉમદા નથી પરંતુ ખરેખર તો વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે જ આ પ્રથાનો અમલ થઈ રહ્યો છે. વિધવા સ્ત્રીને સતી બનાવવી એ ખરેખર તો તેનું ખૂન કરવા સમાન છે. આ કુપ્રથાનો અંત આણવા માટે રાયે હિંદુ ધર્મશાસ્ત્રોની, માનવતાના ધોરણની તથા કુદરતી હક્કોની મદદ લઈને આ પ્રથા વિરુદ્ધ જોરશોરથી ઝુંબેશ ચલાવી હતી. ગવર્નર જનરલ લૉર્ડ બૅન્ટિકે સતીપ્રથાને કાનૂની રીતે બંધ કરવા અંગે વિચાર્યું અને તેમણે રાજા રામમોહન રાયની તે બાબતે સલાહ માંગી હતી. આ હકીકત સતીપ્રથા-નાબૂદીના સંદર્ભમાં રાયનું સ્થાન કેટલું બધું મહત્ત્વનું હતું તેનો ખ્યાલ આપે છે. 1829માં સતીપ્રથા પર કાનૂની નિયંત્રણ મુકાયું. સનાતની બ્રાહ્મણોના સમાજે આ કાનૂની નિયંત્રણ ઉઠાવી લેવા માટે ‘કિંગ-ઇન-કાઉન્સિલ’માં અરજી કરી હતી. આ અરજીને સફળતા ન મળે તે માટે રાજા રામમોહન રાયે ઇંગ્લૅન્ડ જવાનો નિર્ણય કર્યો હતો. આ અરજીની સુનાવણી શરૂ થઈ અને 1832ની 18 જુલાઈએ કિંગ-ઇન-કાઉન્સિલે આ અરજીને ફગાવી દીધી. અહીં બે બાબત ધ્યાન ખેંચે છે : (1) તે સમયે દરિયાઈ મુસાફરી સમાજમાન્ય ગણાતી નહિ હોવા છતાં સતીપ્રથાની કુપ્રથાનો અંત આણવાના પોતાના ઉમદા ધ્યેયને માટે તેમણે દરિયાઈ મુસાફરી કરી હતી. (2) અરજીને ફગાવી દેવામાં આવી તે પછીના સમયમાં અગાઉ લીધેલા શારીરિક તથા માનસિક શ્રમના કારણે તેમની તબિયત લથડી. આ સંદર્ભમાં મહાદેવ ગોવિંદ રાનડે નોંધે છે કે ‘રાયના અવસાન પછી પાંચ વર્ષમાં સતીપ્રથાના રિવાજને બંધ કરવાનું સરકારને જરૂરી લાગ્યું. આ ભયંકર અને ઉગ્ર તિરસ્કાર જન્માવતી બાબતને દૂર કરવાનું શ્રેય જો કોઈને પણ આપવું હોય તો તે સંપૂર્ણપણે રાજા રામમોહન રાયને જ આપવું જોઈએ.’
સ્વતંત્રતાના પ્રેમી રાયમાં સ્વતંત્રતા માટેની લાગણી એટલી બધી ઉત્કટ હતી કે તેમણે દરેકના માટે વિચાર-સ્વાતંત્ર્ય તથા વર્તન-સ્વાતંત્ર્યની માંગણી કરી હતી. બ્રિટિશ શાસનમાં હિંદુઓએ પોતાના જે રાજકીય અધિકારો ગુમાવ્યા હતા તેમને પાછા મેળવવા માટે તેમણે સતત પ્રયત્નો કર્યા હતા.
રાજા રામમોહન રાય અખબાર-સ્વાતંત્ર્યના ભારે સમર્થક હતા. 1821માં પ્રસિદ્ધ થયેલા બંગાળી અઠવાડિક ‘સમાચાર કૌમુદી’ સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા હતા. નિયમિતપણે તેમાં લખાણો લખીને તેમણે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારાઓ દાખલ કરવાના પ્રયાસો કર્યા હતા. હિંદુ ધર્મ પર જે પ્રહારો થતા હતા તેના જવાબરૂપે તેમણે ‘બ્રાહ્મણ સેવાધી’ નામનું સામયિક શરૂ કર્યું હતું. અંગ્રેજી તથા બંગાળી ભાષા નહિ જાણનારાઓ માટે તેમણે ફારસી ભાષામાં ‘મિરાત-અલ-અખબાર’ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. આમ, તેમણે અખબારોના માધ્યમ દ્વારા પોતાના વિચારોનો ફેલાવો કર્યો. તેમણે વર્તમાનપત્રોના માધ્યમ મારફત જેહાદ જગવવાની જે પરંપરા શરૂ કરી તેણે સમય જતાં એક અસરકારક પ્રચારમાધ્યમનું સ્વરૂપ ધારણ કર્યું અને રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેણે શક્તિશાળી પરિબળ તરીકેની ભૂમિકા ભજવી.
અખબારોની ભૂમિકાથી ચિંતિત બનેલ કાર્યકારી ગવર્નર જૉન આદમે 1823માં અખબાર-સ્વાતંત્ર્યને નિયંત્રિત કર્યું. સરકારની ટીકા કરતું લખાણ છાપતા પહેલાં સરકારી પરવાનો મેળવવાનું ફરજિયાત બનાવ્યું. આ પ્રમાણે ન કરનાર માટે દંડની જોગવાઈ કરવામાં આવી હતી. અખબાર-સ્વાતંત્ર્ય પરનાં આ નિયંત્રણોનો રાયે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે નિયંત્રણોને ફગાવી દેવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. અરજીનો એવો સૂર રહ્યો હતો કે આવાં નિયંત્રણોથી સરકારી અમલદારો દ્વારા થતા સત્તાના દુરુપયોગની તથા તે દ્વારા પ્રજાને થતા અન્યાયની સરકારને જાણ થઈ શકશે નહિ. આ અરજીનો અસ્વીકાર થતાં રાયે બ્રિટનના રાજાની પ્રિવી કાઉન્સિલમાં અરજી કરી હતી. તેમણે અરજીમાં એવા વિચારને રજૂ કર્યો હતો કે અખબારના સ્વાતંત્ર્ય પર નિયંત્રણ મૂકવા પાછળનો હેતુ ક્રાંતિને રોકવાનો બતાવાયો છે. પરંતુ ખરેખર તો વિશ્વનો ઇતિહાસ જણાવે છે તેમ અખબારના સ્વાતંત્ર્ય પર નિયંત્રણો મૂકવાથી ઊલટાનું ક્રાંતિને વેગ મળે છે. ખરેખર તો અખબાર-સ્વાતંત્ર્ય પ્રજાની મુશ્કેલીઓને તેમજ પ્રજાને થતાં અન્યાયને વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે જેથી ક્રાંતિ થતી નથી. આ નિયંત્રણો ભારતના લોકોના નાગરિક હક્કો પર નિયંત્રણ મૂકે છે તેવી ફરિયાદ પણ તેમણે કરી હતી. જ્યારે પ્રિવી કાઉન્સિલે અરજીનો સ્વીકાર ન કર્યો ત્યારે તેના પ્રત્યેના ઉગ્ર વિરોધને વ્યક્ત કરવા માટે તેમણે પોતાના અખબાર ‘મિરાત-અલ-અખબાર’નું પ્રકાશન બંધ કરી દીધું. તે પછી પણ તેમણે અખબાર-સ્વાતંત્ર્યની ઝુંબેશ ચાલુ રાખી હતી.
આ સંદર્ભમાં એવી નોંધ લેવામાં આવી છે કે રાયે પ્રિવી કાઉન્સિલને કરેલી અરજીમાં જે દલીલો તથા વિચારો રજૂ કર્યાં હતાં તે એટલાં બધાં મૂળભૂત હતાં કે તે અરજીને અખબાર-સ્વાતંત્ર્યના સંદર્ભમાં એક શ્રેષ્ઠ કૃતિનું સ્થાન આપવામાં આવ્યું છે. આ અરજીના વિચારો તથા તેમાં વ્યક્ત થતું ચિંતન કેટલાં બધાં મહત્ત્વનાં હતાં તેનો ખ્યાલ એ હકીકત પરથી આવે છે કે આંગ્લ કવિ જૉન મિલ્ટને ઇંગ્લૅન્ડમાં અખબાર-સ્વાતંત્ર્યની હિમાયત માટે ‘એરિયોપેજિટિકા’ (Areopagitika) નામનો જે અદભુત ગ્રંથ પ્રસિદ્ધ કર્યો હતો તેની સાથે રાયે પ્રિવી કાઉન્સિલને કરેલ અરજીને સરખાવવામાં આવે છે અને તેને ‘ભારતીય એરિયોપેજિટિકા’ તરીકે સ્વીકારવામાં આવેલ છે. અલબત્ત, રાયના જીવન દરમિયાન અખબાર-નિયંત્રણના કાયદાને રદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેમણે તે અંગે જે ઝુંબેશ ચલાવી તેના ફળસ્વરૂપે ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બૅન્ટિકે અખબારો પ્રત્યે ઉદાર વલણ અખત્યાર કર્યું હતું અને તેમને લગભગ સ્વતંત્રતા બક્ષી હતી. આ પછી 1835માં અખબારી નિયંત્રણને લગતા કાયદાને દૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી. છેવટે ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેહકાફે અખબાર પરના નિયંત્રણને દૂર કરી અખબારી સ્વાતંત્ર્યનો સ્વીકાર કર્યો અને 1838ની 9 ફેબ્રુઆરીએ તેની ઉજવણી મિજબાની આપીને કરી હતી. આમ, રાયે અખબારી સ્વાતંત્ર્ય માટે જે લડત ઉપાડી હતી તેનો રાયના અવસાન પછી પાંચ વર્ષે વિજય થયો.
સ્વતંત્રતાના પૂજારી રાજા રામમોહન રાય વ્યક્તિ-સ્વાતંત્ર્યના પણ પૂજારી હતા. તેમના મંતવ્ય પ્રમાણે કુદરતી હક્કો પવિત્ર છે માટે તેમાં ફેરફાર થઈ શકે નહિ. તેમણે જીવન, સ્વતંત્રતા અને મિલકત(Life, Liberty and Property)ના કુદરતી હક્કોના સ્વીકારની સાથે વ્યક્તિના નૈતિક અધિકારોને પણ સ્વીકાર્યા હતા. આ વિચારો પરથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિવાદીઓની માફક તેમણે પણ વ્યક્તિ-સ્વાતંત્ર્ય તથા વ્યક્તિના અધિકારોનું સમર્થન કર્યું હતું. આમ છતાં પણ સામાજિક કલ્યાણને અનુલક્ષીને જ આ હક્કોને મૂલવવાનું તેમણે સ્વીકાર્યું હતું. આમ, વ્યક્તિ-સ્વાતંત્ર્ય, વ્યક્તિવિકાસ તથા સામાજિક કલ્યાણ વચ્ચે તેમણે સુમેળ સાધ્યો હતો. રાય વ્યક્તિ-સ્વાતંત્ર્યના કેટલા બધા આગ્રહી હતા તેનો ખ્યાલ એ ઉપરથી આવે છે કે બ્રિટિશ પાર્લમેન્ટમાં ગુલામી પ્રથાનો અંત આણનારા ખરડા પરની ચર્ચા ચાલતી હતી ત્યારે રાયે તે ખરડાની પસાર થવાની પ્રક્રિયાને સમર્થન પૂરું પાડવા માટે એવી ઉગ્ર જાહેરાત કરી હતી કે ‘જો આ ખરડો પસાર કરવામાં નહિ આવે તો પોતે બ્રિટિશ સામ્રાજ્યમાં રહેવાનું પસંદ નહિ કરે’. આજથી સદીઓ પૂર્વે આવો વિચાર વ્યક્ત કરનાર વિભૂતિ વ્યક્તિ-સ્વાતંત્ર્ય માટે કેટલી બધી તીવ્ર ઝંખના ધરાવતી હતી તેની પ્રતીતિ થાય છે.
વ્યક્તિ-સ્વાતંત્ર્યના સમર્થક રાયે સ્વતંત્ર ભારતની કલ્પનાને પણ રજૂ કરી હતી. ‘પ્રગતિકારક નીતિઓનો અમલ કરી ભારતને સ્વતંત્રતાની દિશામાં દોરી જવું એ બ્રિટનના હિતમાં છે’, તેવું તેમણે જણાવ્યું હતું. અહીં એ પણ નોંધ લેવી ઘટે કે રાય સ્વતંત્રતાના પૂજારી હોવાથી ભારત બહાર જ્યાં જ્યાં સ્વાતંત્ર્ય માટેનાં આંદોલનો થયાં ત્યાં ત્યાં તે આંદોલનોનું તેમણે સમર્થન કર્યું હતું. 1820માં નેપલ્સના નિષ્ફળ બળવા પછી ત્યાં આપખુદશાહીની સ્થાપના થતાં રાયને ભારે દુ;ખ થયું હતું અને તેમણે એ પ્રસંગે બકિંગહામ દ્વારા યોજાયેલી મિજબાનીમાં હાજર રહેવાની અશક્તિ જાહેર કરી હતી. ત્યારપછી 1821માં દક્ષિણ અમેરિકામાંનાં સ્પેન સંસ્થાનો સ્વતંત્ર બન્યાંના સમાચારની જાણ તેમને 1823માં થતાં તેમાં તેમણે વ્યક્ત કરેલી ભાવના તેમનામાં રહેલી ગુલામીમાંથી મુક્ત થતી પ્રજા પ્રત્યેની આત્મીયતાની લાગણીને વ્યક્ત કરે છે : ‘‘મારા સાથી બંધુઓ ભલે ગમે ત્યાં વસતા હોય અને તેમની સાથે હિતો, ધર્મ કે ભાષાનો ભલે જરા પણ સંબંધ ન હોય તોપણ તેમની યાતનાઓ પ્રત્યે લાગણીશૂન્ય શી રીતે બની શકાય ?’’
1830ની ફ્રાન્સની ક્રાંતિએ રાજાશાહીનો અંત આણ્યો હોવાથી રાયે તે ક્રાંતિની સફળતા પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો. આ જ પ્રમાણે આયર્લૅન્ડમાં ચાલતા સ્વાતંત્ર્યસંગ્રામ પ્રત્યે તેઓ સહાનુભૂતિ ધરાવતા હતા.
વ્યક્તિ-સ્વાતંત્ર્યને અનુલક્ષીને ન્યાયવહીવટ અંગેના તેમના વિચારો પણ સ્પષ્ટ કરે છે કે તેઓ ન્યાયવહીવટમાં પણ વ્યક્તિ-સ્વાતંત્ર્યનો આગ્રહ ધરાવતા હતા. તેમણે જરૂરી પદ્ધતિનું સમર્થન કર્યું હતું. 1827માં બ્રિટિશ પાર્લમેન્ટે જ્યુરીને લગતો કાયદો પસાર કરેલ. આ કાયદો ભેદભાવભરી નીતિને વરેલો હોવાથી રાયે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ભારતમાં હિંદુ કે મુસલમાન પર મુકદ્દમો ચલાવવાનો હોય ત્યારે જ્યુરીના સભ્યોમાં ખ્રિસ્તીઓને બેસવાનો અધિકાર આપીને જે ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવતી હતી તેને દૂર કરવામાં પણ તેઓ સફળ થયા. આ કાયદામાં ‘જસ્ટિસ ઑવ્ પીસ’ (જેપી) તરીકે હિન્દીઓની નિમણૂક કરવાનો પ્રબંધ પણ કરવામાં આવ્યો હતો.
રાયે બંદી પ્રત્યક્ષીકરણ ‘હેબિયસ કૉર્પસ’નો આદેશ ન્યાયાધીશો આપી શકે તેવી હિમાયત કરી હતી. આ માંગણી પાછળ પણ વ્યક્તિ-સ્વાતંત્ર્યના રક્ષણની ભાવનાનાં દર્શન થાય છે. તેમણે પૂરતી સંખ્યામાં તેમજ યોગ્ય લાયકાતો ધરાવતા ન્યાયાધીશોની નિયુક્તિ કરવાની માંગણી પણ કરી હતી. ન્યાયાધીશો તથા વાદી-પ્રતિવાદીઓ વચ્ચે સમાન ભાષાનો ઉપયોગ થતો નહિ હોવાથી ન્યાયતંત્રના વહીવટમાં પડતી મુશ્કેલીને અનુલક્ષીને તેમણે અંગ્રેજી ભાષામાં ન્યાયની કાર્યવાહી ચલાવવાનું જણાવ્યું હતું. તેમણે ન્યાય તથા મહેસૂલને લગતી ફરજો એક જ અધિકારીને સોંપાતી હતી તેને અયોગ્ય જણાવી આ ફરજો અલગ અલગ વ્યક્તિઓને સોંપવાના વિચારને રજૂ કર્યો હતો. તે સમયે છેવટની અપીલ ઇંગ્લૅન્ડમાં પ્રિવી કાઉન્સિલમાં કરવાની જે જોગવાઈ હતી તેના કારણે દેશવાસીઓને પડતી ભૌગોલિક તથા આર્થિક મુશ્કેલીઓને અનુલક્ષીને તેમણે ભારતમાં જ અપીલ માટેની આખરી અદાલતની સ્થાપના કરવાની હિમાયત કરી હતી.
તેમણે જમીનદારી પદ્ધતિ દ્વારા ખેડૂતોના થતા ભારે શોષણનો ખ્યાલ આપ્યો હતો. તેમણે ખેડૂતોના રક્ષણની તથા તેમનાં હક્કો અને હિતો જાળવવાની માગણી કરી હતી. યુરોપિયન વસાહતવાદીઓ સંબંધે તેમણે જણાવ્યું હતું કે ફક્ત શિક્ષિત, સારું ચારિત્ર્ય ધરાવતા તેમજ સારી મૂડી ધરાવતા બ્રિટિશરોને જ ભારતમાં વસવાટ કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે વસાહતીઓના સંદર્ભમાં જે વિચારો રજૂ કર્યા હતા તેમને બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલા રિફૉર્મ ઍક્ટમાં ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
તેમણે વહીવટી ક્ષેત્રે સારું શિક્ષણ ધરાવતા હિંદીઓની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાનું તેમજ તેમની સંખ્યાનું પ્રમાણ વધતું રહે તે અંગેનું તથા કારોબારી તથા ન્યાયતંત્રને એકબીજાંથી અલગ-સ્વતંત્ર રાખવાનું સૂચન કર્યું હતું. આ સૂચનોની અગત્ય સ્વયંસ્પષ્ટ છે.
તેમણે એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરી હતી કે દેશમાં લોકશાહી શાસન સ્થપાશે. ભારતમાં સ્વાતંત્ર્ય માટે જે લોકલડત ચલાવવી પડશે તે ચલાવનારો વર્ગ મધ્યમવર્ગમાંથી જ આવશે. તેમની આ શ્રદ્ધા કેટલી સાચી ઠરી તેની દેશના સ્વાતંત્ર્યનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. તેમણે દેશના લોકોમાં રાજકીય જાગૃતિ આણવા અથાક પ્રયત્નો કર્યા હતા. બંધારણીય માર્ગે સુધારાઓની માગણી કરવા તેમણે રાજકીય સંગઠનની સ્થાપના પણ કરી હતી. તેમના અણધાર્યા અવસાનના લીધે આ દિશામાં પ્રગતિ થઈ શકી નહિ. પરંતુ ત્યારપછી દ્વારકાનાથ ટાગોર તથા દેવેન્દ્રનાથ ટાગોર સક્રિય બન્યા.
રાજા રામમોહન રાયે આર્થિક ક્ષેત્રે મુક્ત વ્યાપારની હિમાયત કરી હતી. મીઠાના વ્યાપાર પર ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકારનો જે ઇજારો હતો તેના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓને અનુલક્ષીને તેમણે તેનો વિરોધ કર્યો હતો. તેમણે મીઠાના ભાવવધારાનો વિરોધ કર્યો હતો, અને ભાવ ઘટાડવાની માંગણી કરી હતી. કંપનીના નોકરો નિવૃત્ત થઈ ઇંગ્લૅન્ડ જતી વખતે માત્ર ભારતની સંપત્તિ જ લઈ જતા નથી પરંતુ કામનો અનુભવ પણ મેળવતા હોય છે, તેથી ભારતના લોકોને પડતા આ બેવડા મારનો વિરોધ કરી રાયે ભારતીય અધિકારીઓની નિમણૂક કરવાની હિમાયત કરી હતી. આમ કરવાથી દેશની સંપત્તિ દેશમાં જ રહેશે તથા મળેલ અનુભવનો લાભ પણ દેશને જ મળશે તેવા વિચારને તેમણે ભારપૂર્વક રજૂ કર્યો હતો. આ વિચારને પાછળથી દાદાભાઈ નવરોજીએ આર્થિકનિર્ગમ દ્રવ્યશોષણ અથવા તો દ્રવ્યાપહરણના સિદ્ધાંત તરીકે વિકસાવ્યો હતો.
રાજા રામમોહન રાયની ગણના ‘બંગાળી ભાષાના પિતા’ તરીકે પણ થાય છે. તેમણે બંગાળી સાહિત્યને વિકસાવ્યું. તેમણે બંગાળી ભાષામાં બંગાળી વ્યાકરણ લખવાનો પ્રયાસ કર્યો અને ઇંગ્લૅન્ડ ગયા તે પૂર્વે ‘ગૌડિયા વ્યાકરણ’ (બંગાળી ભાષાનું વ્યાકરણ) લખ્યું, જેને 1833માં કોલકાતા બુક સોસાયટીએ પ્રસિદ્ધ કર્યું. તેમણે બંગાળી ગદ્યના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું. 1815માં તેમણે ‘વેદાંત ગ્રંથ’ પ્રસિદ્ધ કર્યો. સાહિત્યના ક્ષેત્રમાં તેમના પ્રદાનને બિરદાવતા બંગાળી સાહિત્યકારોએ સ્વીકાર્યું છે કે ‘બંકિમચંદ્ર ચૅટરજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યમાં બંગાળી ગદ્ય જે ઉત્તમ કક્ષાએ પહોંચ્યું છે તે માટે રાજા રામમોહન રાયે બંગાળી ગદ્યના સ્વરૂપનો જે પાયો નાંખ્યો હતો તે છે.
રાયે સંગીતના ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તે સમયમાં હિંદી ભાષામાં ધ્રુપદ રાગમાં ગીતો ગવાતાં હતાં. રાયે 1828માં ધ્રુપદ રાગમાં બંગાળી ભાષામાં ગીતો રચવાની પહેલ કરી હતી. તેમણે કુલ બત્રીસ ગીતો રચ્યાં હતાં.
રાજા રામમોહન રાયની કીર્તિ ઇંગ્લૅન્ડમાં પણ ફેલાયેલી હતી. 1816માં તેમનું અંગ્રેજી ભાષામાં લખેલું વેદાંત પરનું પુસ્તક ‘એન એબ્રિજમેન્ટ ઑવ્ વેદાંત’ પ્રસિદ્ધ થયું ત્યારે ઇંગ્લૅન્ડમાં ‘મંથલી રિપૉઝિટરી ઑવ્ થિયૉલોજી ઍન્ડ જનરલ લિટરેચર’ દ્વારા તેની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. તે કારણે તેમને સારી નામના મળી હતી. રાજકીય ચિંતક જર્મી બેન્થમ તેમને મળ્યા હતા. રાયે આદર્શ સમાજવાદ(યુટોપિયન સોશ્યાલિઝમ)ના પ્રણેતા રૉબર્ટ ઓવનની મુલાકાત લીધી હતી તથા તેમની સાથે વિચારોની આપ-લે કરી હતી.
ઇંગ્લૅન્ડના રાજા વિલિયમ ચોથાએ 7 સપ્ટેમ્બર 1831ના રોજ રાયને મુલાકાત આપી હતી. તેમના માનમાં અનેક સત્કાર-સમારંભો યોજાયા હતા. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના માજી પ્રમુખ ડૉ. કર્કલૅન્ડે જણાવ્યું હતું કે રાજા રામમોહન રાયનું સ્વાગત કરવા અમેરિકા આતુર છે. આમ, અમેરિકામાં પણ તેમની કીર્તિ ફેલાઈ ચૂકી હતી.
બ્રિટનની માફક ફ્રાન્સમાં પણ રાયનું નામ ખૂબ જ જાણીતું બની ગયું હતું. તેમને ‘સોસાયટી એશિયાટિક’નું માનદ સભ્યપદ આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રને નવજાગૃતિના માર્ગે આગળ લઈ જનારા રાજા રામમોહન રાય આંતરરાષ્ટ્રીયવાદના હિમાયતી હતા. તેમના મતાનુસાર સમગ્ર માનવજાત એક કુટુંબ છે અને તેથી કોઈ પણ રાષ્ટ્રને થતું સુખ કે દુ:ખ એ સમગ્ર માનવજાતનું સુખ કે દુ:ખ બની જાય છે. તેમણે આંતરરાષ્ટ્રીય મિત્રતા, આંતરરાષ્ટ્રીય સહકાર તથા આંતર-રાષ્ટ્રીયવાદની ભાવનાને વ્યક્ત કરેલ છે. ફ્રાન્સમાં પ્રવેશ સંબંધે ફ્રાન્સના વિદેશ પ્રધાનને 1831ના 26 ડિસેમ્બરે લખેલ પત્રમાં તેમણે પાસપૉર્ટ પ્રથાની જોગવાઈને દૂર કરવા પર ભાર મૂક્યો હતો. આ વિચારો સાંપ્રત સમયમાં કેટલા બધા પ્રસ્તુત છે તે જોઈ શકાય છે.
તેમણે આંતરરાષ્ટ્રીય સંસ્થાના ખ્યાલને પણ ઉપર્યુક્ત પત્રમાં રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે રાષ્ટ્રો વચ્ચે મતભેદ પડે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સંસ્થા સમક્ષ રજૂ કરવો જોઈએ. તેમણે આવી સંસ્થાના સંદર્ભમાં સભ્ય રાજ્યો સમાન સંખ્યામાં પ્રતિનિધિઓ મોકલે, તેમાં બહુમતીના સિદ્ધાંત પ્રમાણે નિર્ણય લેવાય તથા તમામ રાષ્ટ્રો તેનો સ્વીકાર કરે, સંસ્થાના ચૅરમૅન એક વર્ષ માટે નિમાય તથા દરેક રાષ્ટ્રનો પ્રતિનિધિ વારાફરતી પ્રમુખપદ સંભાળે વગેરે અત્યંત આગવાં અને નોંધપાત્ર સૂચનો તેમણે કર્યાં હતાં. અહીં પણ તેમની દીર્ઘદૃષ્ટિનો ખ્યાલ આવે છે. 1831માં આવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની યોજનાને રજૂ કરીને રાયે રાષ્ટ્ર સંઘ તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચનાની ઝાંખી કરાવી. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાને વરેલા રાજા રામમોહન રાય લોકકલ્યાણના સમર્થક હતા. તેમના ચિંતન પ્રમાણે તમામ કાનૂનો તેમજ સામાજિક નિયંત્રણો પાછળનું ધ્યેય લોકકલ્યાણનું હોવું જોઈએ. તેમનો આ વિચાર તેમના સમયના ચિંતક જર્મી બેન્થમે રજૂ કરેલ ‘અધિકતમ લોકોના અધિકતમ સુખ’(Greatest good of the greatest number)ના સિદ્ધાંતને મળતો આવે છે. પરંતુ રાયે પોતાના શૈક્ષણિક સમયમાં ઍરિસ્ટૉટલના ચિંતનનો અભ્યાસ કર્યો હોવાથી રાયના લોકકલ્યાણનો ખ્યાલ બેન્થમ કરતા ઍરિસ્ટૉટલે રજૂ કરેલા સુખવાદ(hedonism)ના ખ્યાલને વધુ મળતો આવે છે.
હસમુખ પંડ્યા
