રાય, પ્રફુલ્લ [જ. 1934, ઢાકા (હવે બાંગ્લાદેશમાં)] : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ક્રાંતિકાલ’ માટે 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇન્ટરમિડિયેટ સુધી શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વ ક્ષેત્રે ઝુકાવ્યું. તેઓ અંગ્રેજી અને હિંદીનું જ્ઞાન ધરાવે છે. તેમણે મુખ્ય બંગાળી દૈનિક ‘જુગાંતર’ના સંપાદક તરીકે કાર્ય કર્યું. 3 વર્ષ બાદ દૈનિક ‘પ્રતિદિન’ના ફીચર સંપાદક રહ્યા. તેમણે સમગ્ર ભારતની પદયાત્રા કરી.

પ્રફુલ્લ રાય

1954માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘માઝી’ પ્રગટ થયો. 1955માં પ્રથમ નવલકથા આપી. અત્યાર સુધીમાં તેમણે 100 નવલકથાઓ, 150 વાર્તાઓ, 10 બાલવાર્તાસંગ્રહ અને નિબંધો આપ્યા છે. તેમના 2 વાર્તાસંગ્રહો અને 4 નવલકથાઓ અંગ્રેજીમાં તેમજ કેટલીક અન્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત કરવામાં આવ્યાં છે. તેમની 35 કૃતિઓના આધારે ઍવૉર્ડવિજેતા ફિલ્મો, ટેલિ-ફિલ્મો અને ટેલિશ્રેણીઓ નિર્માણ કરવામાં આવી છે. તેમને બંકિમચંદ્ર સ્મૃતિ પુરસ્કાર, ભારતીય ભાષા પરિષદનું ભૂલકા પ્રાઇઝ, મોતીલાલ પ્રાઇઝ અને બી. એફ. પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ક્રાંતિકાલ’ નવલકથાનું કેન્દ્રીય વિષયવસ્તુ ઉત્તર-પૂર્વની અલગતાવાદી પ્રવૃત્તિ અને દેશની એકતા વચ્ચેના વિગ્રહ વિશેનું છે. તેમાં સમકાલીન રાજનીતિની પાર્શ્ર્વભૂમિકા સામે પહાડી લોકો, આદિજાતિઓ અને ભાગલાનો ભોગ બનેલા લોકોના જીવન અને શહેરી મધ્યમ વર્ગના જીવનનું ચિત્ર રજૂ કરવામાં લેખક સફળ રહ્યા છે. તેમાં રાજનીતિનાં ભારે પરિબળો અને વ્યક્તિગત માનવસંબંધોને સહજ રીતે સમન્વિત કરાયા હોવાથી આ કૃતિ બંગાળીમાં લખાયેલ ભારતીય નવલકથાસાહિત્યમાં ધ્યાનપાત્ર ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા