રાય, પ્રતિભા (જ. 1944, બાલિકુંડ, જિ. કટક, ઓરિસા) : ઊડિયા ભાષાનાં પ્રતિભાવંત મહિલા-નવલકથાકાર. માતા મનોરમાદેવી. પિતા પરશુરામ કવિ, શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની હતા. તેઓ ‘ટિસ્કો’ની સારા પગારની નોકરી છોડી દઈને ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા હતા. તે દરમિયાન તેમણે બાલિકુંડમાં પોતાની શાળા શરૂ કરી હતી. પિતા પાસે શાળાકીય શિક્ષણ લીધું. ઉચ્ચ શિક્ષણ રેવેન્શો કૉલેજમાં લીધું અને માનવવિજ્ઞાન અને ભૂસ્તરવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયાં. પછી ઓરિસા રાજ્યના કાર્યપાલક ઇજનેર અક્ષય રાય સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. 6 વર્ષ બાદ રાધાનાથ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એડવાન્સ્ડ સ્ટડિઝ ઇન એજ્યુકેશનમાંથી અનુસ્નાતકની પદવી મેળવી.

શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ભુવનેશ્વરની રાજધાની કૉલેજનાં રીડર નિમાયાં. એમના સંશોધનનો વિષય હતો ‘ઓરિસાની પ્રાચીન બોન્ડા જાતિના લોકોમાં રહેલું ગુનાખોરીનું વલણ’. બોન્ડા જાતિ વિશે તેમણે અનેક લેખો લખ્યા છે. બોન્ડા પર આધારિત ‘આદિભૂમિ’ નામની નવલકથા પણ તેમણે આપી છે.

‘અરણ્ય’, ‘કોણાર્ક’, ‘નીલતૃષ્ણા’, ‘શિલાપદ્મ’, ‘અપરિચિતા’ અને ‘યાજ્ઞસેની’ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તે પૈકી ‘કોણાર્ક’ નવલકથા માટે તેમને 1985માં ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, ‘યાજ્ઞસેની’ માટે 1990માં ઓરિસાનો અતિપ્રતિષ્ઠિત ‘સરલા ઍવૉર્ડ’ અને 1991માં નવમો મૂર્તિદેવી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. આ નવલકથામાં યાજ્ઞસેની અર્થાત્ દ્રૌપદીને કેન્દ્રમાં રાખીને એના જ મુખે પ્રથમ પુરુષ એકવચનમાં એનું આત્મકથાનક આલેખ્યું છે.

તેમને વાર્તાઓ માટે 1989માં ઝંકાર ઍવૉર્ડ અને સંભલપુર યુનિવર્સિટીનો સપ્તર્ષિ ઍવૉર્ડ અપાયા હતા. તેમની ઘણીખરી નવલકથાઓ અને વાર્તાઓના ભારતની ઘણી ભાષાઓમાં અનુવાદ થયા છે. નવલકથા ‘અપરિચિતા’ પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. ‘પરશુરામ રચનાવલી’, ‘ગલ્પપ્રતિમા’ અને ‘ઉત્તર પર્વ’ આદિ સંપાદનોમાં એમની પ્રતિભાનું એક અલગ પાસું છતું થાય છે. એમની વાર્તાઓનું દૂરદર્શને પણ પ્રસારણ કર્યું છે.

તેમના તરફથી અત્યાર સુધીમાં 16 નવલકથાઓ, 14 નવલિકાસંગ્રહો, 1 પ્રવાસનિબંધ, બાલસાહિત્યનાં 5 પુસ્તકો અને અન્ય ભારતીય ભાષાઓમાંથી 3 અનુવાદ પ્રાપ્ત થયા છે. જગન્નાથપુરીના મંદિરના પંડાઓની અનિચ્છનીય વર્તણૂક પર આકરા પ્રહારો કરતા તેમના લેખ ‘ધર્મારા રંગ કાલા’એ સારી એવી ચકચાર જગાવી હતી.

બળદેવભાઈ કનીજિયા