રાય, આશિત (જ. 1943, જૂગ્ના ટી એસ્ટેટ, દાર્જીલિંગ) : નેપાળી નવલકથાકાર. તેમની નવલકથા ‘નયા ક્ષિતિજ કો ખોજ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. સિલિગુડી ખાતેની નૉર્થ બેંગૉલ યુનિવર્સિટીમાંથી 1943માં નેપાળીમાં એમ.એ. કર્યું. હિંદીમાં તેમણે વિશારદની પદવી મેળવી હતી. તેઓ એક વિદ્વાન શિક્ષક હતા. 23 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમણે નવલકથા તથા ટૂંકી વાર્તાઓના સંગ્રહ મળીને 18 પુસ્તકો પ્રગટ કર્યાં. રૉયલ નેપાળી સરકાર તરફથી તેમને રત્નશ્રી ગોવિંદ મેડલ મળ્યો હતો; તેઓ દાર્જીલિંગ ખાતેની નેપાળી અકાદમીના સભ્ય હતા.
લોકજીવન તથા વિવિધ સ્થળોનાં જીવંત ચિત્રણ, અધિકૃત રસપ્રદ વર્ણનશૈલી, સ્થાનિક લોકબોલીઓ તેમજ ભદ્રવર્ગીય ભાષાપ્રયોગ પરનું પ્રભુત્વ જેવી વિશેષતાઓ બદલ આ નેપાળી નવલકથા પુરસ્કારપાત્ર ઠરી છે.
મહેશ ચોકસી