રાય, ઇન્દ્ર બહાદુર (જ. 3 ફેબ્રુઆરી 1927, બલાસણ, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી ભાષાના સાહિત્યકાર. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું હતું. તેમણે અનેક સાહિત્યિક કૃતિઓની રચના કરી છે. તેમના પુસ્તક ‘નેપાલી ઉપન્યાસ કા આધારહારુ’ (‘ધ બૅસિસ ઑવ્ નેપાલી નૉવેલ્સ’) બદલ 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને આપવામાં આવ્યો હતો. ‘બિપન કટિપય’ (1961) તેમની લોકપ્રિય વાર્તાઓનો સંગ્રહ છે. તેમની નવલકથા ‘આજ રમિતા છા’ (1964) વાસ્તવિકતાની રજૂઆત તથા પાત્રચિત્રણ માટે નોંધપાત્ર છે. તેમના નિબંધોમાં બુદ્ધિકૌશલ્ય તથા અનુભૂતિનો કલામય સુમેળ છે. ‘ટિપેકા ટિપેનીહારુ’ (‘પિક્ડ કૉમેન્ટરિઝ’, 1966) એ તેમનો વિવેચનાત્મક નિબંધોનો સંગ્રહ છે.

‘આયામિક (dimensional) આંદોલન’ના મુખ્ય પ્રણેતા તરીકે તેમની ગણના થાય છે. બૈરાગી કેલા નામના પોતાના મિત્રના સહયોગથી ’60ના દશકામાં તેમણે ‘તેસરો આયાલ’(‘ધ થર્ડ ડાઇમેન્શન’)નું સર્જન કર્યાનો દાવો કરીને નેપાળી સાહિત્યજગતને હચમચાવી મૂક્યું હતું. તેમણે એમ લખ્યું હતું કે નૂતન સાહિત્યનો ઉદ્દેશ માનવનો સર્વાંગી ઉત્કર્ષ સાધવાનો રહેશે. આયામી લેખનને કેટલાક વિવેચકોએ પ્રારંભમાં એક તૂત તરીકે લેખ્યું હતું. પરંતુ પાછળથી તેની સૈદ્ધાંતિક આધારભૂમિકા સ્પષ્ટ બનતી ગઈ હતી. તેમાં કોઈ ડોળ ન હતો, પણ લેખનમાં વાસ્તવલક્ષિતા લાવવાનો ઉદ્દેશ હતો. ત્રીજું પરિમાણ એ આધુનિકતાની પરાકાષ્ઠા છે અને તેનું બીજું નામ છે ઊંડાણ.

તેમની અન્ય કૃતિઓ છે ‘સંદર્ભ મા ઈશ્વર બલ્લવ કા કવિતા’ (1976), ‘સાહિત્યકો અપહરણ’ (1983), ‘દાર્જીલિંગમ્ નેપાલી નાટકકો અર્ધશતાબ્દી’ (1984) તથા ‘કઠપુતલીકો મેન’ (1989).

કેન્દ્રીય સાહિત્ય અકાદમીનાં એક્ઝિક્યુટિવ બૉર્ડ અને જનરલ કાઉન્સિલના તેઓ 1979થી 1987 સુધી સભ્ય રહ્યા હતા અને તેમણે નેપાળી ભાષાની સ્વીકૃતિ માટે જોશીલી ઝુંબેશ પણ ચલાવી હતી. 1995માં તેમને જગદંબા શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

મહેશ ચોકસી