રાયબરેલી : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 49´થી 26° 36´ ઉ. અ. અને 80° 40´થી 81° 34´ પૂ. રે. વચ્ચેનો 4,609 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લખનૌ અને બારાબંકી જિલ્લા, પૂર્વ તરફ સુલતાનપુર જિલ્લો, અગ્નિકોણમાં પ્રતાપગઢ જિલ્લો, દક્ષિણ સરહદે ફતેહપુર જિલ્લાને જુદી પાડતી ગંગા નદી તથા પશ્ચિમે ઉન્નાવ જિલ્લો આવેલાં છે. જિલ્લામથક રાયબરેલી જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો ગંગાના મેદાની વિસ્તારમાં 100થી 120 મીટરની ઊંચાઈ પર આવેલો છે. આ મેદાનો અહીં અસમતળ છે અને તેમનો ઢોળાવ અગ્નિ તરફનો છે. વાયવ્ય તરફ ગંગાકાંઠાની ઊંચાઈ 120 મીટર અને અગ્નિ છેડા તરફ 87 મીટર છે. અહીં નાના નાના જળવિભાજકોને કારણે જિલ્લો ગંગા ખદર, ગંગાનો ઊંચાઈવાળો પ્રદેશ, ઉત્તરનો માટીવાળો પ્રદેશ, મધ્યનો પ્રદેશ તથા દક્ષિણનો માટીવાળો પ્રદેશ જેવા પાંચ કુદરતી વિભાગોમાં વહેંચાઈ જાય છે.

રાયબરેલી જિલ્લો

જંગલો : વીસમી સદીની શરૂઆતના અરસામાં અહીં ગીચ જંગલો હતાં. 1952માં જમીનદારી રદ કરવામાં આવી અને જમીનસુધારણા ધારો અમલમાં આવતાં અહીંની ખરાબાની જમીનો પર પણ જંગલવિસ્તાર વધારવામાં આવેલો છે. અહીં ખાખરો, ખાર, બાવળ, વિલાયતી બાવળ, સીસમ, લીમડો, મહુડો, અર્જુન, કણજી, આંબા, નીલગિરિ અને જાંબુનાં વૃક્ષો જોવા મળે છે.

જળપરિવાહ : ગંગા અહીંની મુખ્ય નદી છે. તે જિલ્લાની નૈર્ઋત્ય તેમજ દક્ષિણ સરહદ રચે છે અને વાયવ્યથી અગ્નિ તરફ વહે છે. લોણી, ચોબ અને મથના તેની સહાયક નદીઓ છે. સાઈ અહીંની બીજી મહત્ત્વની નદી છે. તે ગોમતીની શાખાનદી છે. તે રાયબરેલી, લખનૌ અને ઉન્નાવની વાયવ્ય સરહદે વહે છે. સાઈ નદીને કેટલાંક નાનાં ઝરણાં પણ મળે છે.

ખેતી-પશુપાલન : જિલ્લાના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આશરે 85 % ખેડૂતો અને ખેતમજૂરો તેમાં રોકાયેલા છે. ખેતીની પદ્ધતિમાં સુધારો થવાથી જિલ્લામાં ખેતીનો વિકાસ થયો છે. અહીં ખરીફ, રવી અને જૈદ પાકો લેવાય છે. ડાંગર, ઘઉં, જવ, ચણા, તેલીબિયાં, મગફળી, ડુંગળી, લસણ, બટાટા, શાકભાજી, ફળો અને તમાકુ અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેતીના વિકાસ માટે અહીં ખેડૂત તાલીમ કેન્દ્ર તથા બિયારણ-મથકો સ્થાપવામાં આવ્યાં છે. બાગાયતી ક્ષેત્ર પણ વિકસાવાયું છે. શાકભાજીમાં બટાટાની સઘન ખેતી થાય છે. ગંગાના સ્રાવક્ષેત્રમાં જંગલો વિકસાવવાની યોજના પણ આકાર પામી છે. આથી ગંગા અને સાઈ નદીઓથી થતું ધોવાણ અટકે છે.

રાયબરેલી ખેતીપ્રધાન જિલ્લો હોવાથી ખેડૂતો આવકવૃદ્ધિ અર્થે પશુપાલન પણ કરે છે. જિલ્લામાં આશરે 12થી 13 લાખ દુધાળાં ઢોર છે, પરંતુ તેમની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી પંજાબ અને હરિયાણાથી ઊંચી ઓલાદનાં ઢોરની આયાત કરવામાં આવે છે. આ ઉપરાંત તેમની ઓલાદ-સુધારણા માટે કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યાં છે. જર્સી ગાયોનું ઉછેરકેન્દ્ર પણ સ્થપાયું છે. આ બધાં કેન્દ્રોને પશુ-ખોરાકી ખર્ચ પેટે 50 % રાહત અપાય છે. અહીં પશુદવાખાનાં તેમજ કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની સગવડો પણ છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં વિશેષ મહત્ત્વ ધરાવતા ઉદ્યોગો ન હતા, તેથી અહીં છેલ્લા ત્રણ દાયકાથી મોટા, મધ્યમ અને નાના પાયા પરના ઉદ્યોગો વિકસાવવાનું કામ ચાલે છે. પરિણામે 11 મોટા પાયા પરના ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે. તે પૈકીના કેટલાક કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તક તો કેટલાક ખાનગી સાહસો હેઠળ ચાલે છે. ગ્રામીણ કક્ષાએ ગૃહઉદ્યોગો અને કુટિર-ઉદ્યોગો પણ કામ કરે છે. તેમાં પગરખાં, સાદડીઓ, ટોપલીઓ, શણની શેતરંજીઓ, મુંજનાં દોરડાં મોટા પાયા પર તૈયાર થાય છે. જિલ્લામાં ખેતી માટે જરૂરી સાધનોનું, બીડીઓ, પિત્તળનાં વાસણો તેમજ ટેલિફોન-સામગ્રીનું ઉત્પાદન પણ લેવાય છે. અનાજની દૃષ્ટિએ જિલ્લો સ્વાવલંબી છે. અનાજ, મગફળી, ચામડાં, રેતી, ટેલિફોન-સામગ્રી તથા બટાટાની નિકાસ; જ્યારે લોખંડ, કાપડ, પિત્તળનાં પતરાં, કેરોસીન અને ખાંડની આયાત કરવામાં આવે છે. રાયબરેલી નગરનો કૅપરગંજ વિસ્તાર મોટું વેપારી બજાર ધરાવે છે.

પરિવહન : આ જિલ્લો રેલમાર્ગો તેમજ રાજ્ય ધોરી માર્ગોની સારી સગવડોવાળો છે. અહીં રાયબરેલી-મહારાજગંજ, લખનૌ-વારાણસી અને અલ્લાહાબાદ-ઉન્નાવના માર્ગો પસાર થાય છે. જિલ્લામથક રાયબરેલીથી ફતેહપુરનો માર્ગ પણ છે. અહીં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેન્દ્ર સરકારે ફુરસતગંજ અને જગતપુર ખાતે બે વિમાની મથકો બાંધેલાં. તે પૈકીનું જગતપુરનું મથક બંધ કરી દેવામાં આવ્યું છે. ઉત્તર વિભાગીય બ્રૉડગેજ રેલમાર્ગથી રાયબરેલી લખનૌ, અલ્લાહાબાદ, પ્રતાપગઢ, ઉન્નાવ, કાનપુર, વારાણસી સાથે જોડાયેલું છે. જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગોની લંબાઈ અનુક્રમે 165 કિમી. અને 940 કિમી. જેટલી છે. ગંગા નદી પરનો એક કિમી. લાંબો પુલ બહરાઈ-ચબાંદા ધોરી માર્ગને જોડે છે. સંખ્યાબંધ સરકારી બસો જુદા જુદા માર્ગો પર અવરજવર કરતી રહે છે.

પ્રવાસન : આ જિલ્લામાં ભૌમ, બહાઈ, ચાંદપુર, દાલમઉ, હરચાંદપુર, જૈસ અને રાયબરેલી અગત્યનાં પ્રવાસસ્થળો છે. (i) ભૌમ : ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થળ. તે રાયબરેલીથી આશરે 11 કિમી. દૂર રાયબરેલી-અલ્લાહાબાદ માર્ગ પર આવેલું છે. 1417માં જૌનપુરના ઇબ્રાહીમ શાહે અહીંના એક જૂના કિલ્લાને તોડીને તે જ સ્થાને નવો કિલ્લો બાંધેલો. (ii) ચાંદપુર : ઓગણીસમી સદીમાં સિમરૌતાના રાજા દિગ્વિજયસિંહે અહીં એક કિલ્લો બાંધેલો અને ચાંદપુરની સ્થાપના કરેલી. (iii) દાલમઉ : ગંગાના ડાબે કાંઠે વસેલું ઐતિહાસિક અને પુરાતત્ત્વીય દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતું પ્રાચીન નગર અને તાલુકામથક. પરંપરા કહે છે કે આ સ્થળ ઈરાનના બેહરામ ગૌરના સમકાલીન રાજા બાલદેવડ રાઠોડના ભાઈ દાલદેવ રાઠોડે સ્થાપેલું. ઈ. સ. 530માં કનોજના રાજા પ્રતાપચંદ્રના મૃત્યુ બાદ તે ભાર શાસકોના હાથમાં ગયું. બીજી એક પરંપરા મુજબ અહીં બાલ અને દાલ નામના બે સેનાપતિ હતા. બાલ રાયબરેલીમાં અને દાલ આ સ્થળે રાજ્ય કરતો હતો. ગંગાને કાંઠે આજે ખંડિયેર હાલતમાં જોવા મળતો કિલ્લો દાલે બંધાવેલો હોવાનું કહેવાય છે. ફીરોઝશાહ તઘલખ આ સ્થળની મુલાકાતે આવેલો અને તેણે મુસ્લિમ કાયદાના અભ્યાસ માટે પાઠશાળા પણ શરૂ કરેલી. (iv) જૈસ : લશ્કરી મથક માટે વપરાતા ઈરાની શબ્દ ‘જૈશ’નું અપભ્રંશ રૂપ. તે રાયબરેલીથી સડકમાર્ગે 32 કિમી. અને સુલતાનપુરથી 58 કિમી. દૂર આવેલું પ્રાચીન સ્થળ છે. ભાર શાસકોએ વસાવેલા ઉદયનગરના ભગ્નાવશેષો આજે અહીં ટેકરા પરના જૂના નગર પાસે જોવા મળે છે. ટેકરાની તળેટીમાં નવું નગર વસેલું છે. મહમ્મદ ગઝનીના સમયની, ઇમામુદ્દીન ખલજીની કબર અહીં આવેલી છે. તેણે ભાર શાસકોને અહીંથી હાંકી કાઢેલા. આ ઉપરાંત કુત્બુદ્દીન-ગાઝી તેમજ તેના ભાઈની નવ મીટર લંબાઈની બે કબરો હજી આજે પણ જોવા મળે છે. આ સ્થળ મુસ્લિમોના હાથમાં આવ્યા પછી તેનું નામ ‘જૈસ’ પડ્યું હશે તેમ મનાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 28,72,204 જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 90 % અને 10 % જેટલું છે. અહીં હિન્દુ અને મુસ્લિમ લોકોની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 30 % જેટલું છે. શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ નગરોમાં વધુ અને ગામડાંમાં ઓછું છે. નગરોમાં તબીબી સેવાની વ્યવસ્થા પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 6 તાલુકાઓ અને 19 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 1,780 (43 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : રાયબરેલીના પ્રાચીન અહેવાલો ઉપલબ્ધ ન હોવાથી તેનો ઇતિહાસ મળતો નથી. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં આવેલા મોટા કદના ટેકરાઓમાં જોવા મળતાં પથ્થરો પરનાં કોતરકામો, ટેરાકોટાનાં ખંડિત શિલ્પો, સિક્કાઓ પરથી જણાય છે કે અહીં બૌદ્ધ સમયના સ્તૂપો હશે. બૌદ્ધ સમયની દંતકથાઓ પણ લોકોમાં પ્રચલિત છે. લશ્કરી જાતિના ભાર શાસકો અહીં રાજ્ય કરતા હતા. અકબરના શાસનકાળ દરમિયાન આ પ્રદેશ બે સૂબાઓ(પ્રાંતો)નો ભાગ હતો, અને તે ત્રણ શાસકો વચ્ચે વહેંચાયેલો હતો. માણિકપુરનો ભાગ અલ્લાહાબાદના સૂબા હેઠળ, જ્યારે અવધ અને લખનૌનો ભાગ અવધના સૂબા હેઠળ હતો. આ જિલ્લાના પ્રદેશ માટે અવધ રાજ્યનો વહીવટ રાજપૂતો અને અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહનો ઇતિહાસ છે. 1856ના ફેબ્રુઆરીમાં રાયબરેલી અવધ સહિત બ્રિટિશ સત્તા હેઠળ આવ્યું. 1958માં રાયબરેલીનો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો, ત્યારે તેનો આકાર અને કદ જુદાં હતાં. અવધના પ્રદેશની પુનર્રચના થતાં આ જિલ્લો લખનૌ વિભાગમાં મુકાયો છે.

રાયબરેલી (શહેર) : ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 26° 15´ ઉ. અ. અને 81° 16´ પૂ. રે.. તે લખનૌથી અગ્નિકોણમાં સાઈ નદી પર આવેલું છે. લખનૌ, ઉન્નાવ, અલ્લાહાબાદ, પ્રતાપગઢ અને સુલતાનપુર જિલ્લાઓ સાથે તે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. તે રેલમાર્ગનું અને સડકમાર્ગોનું જંક્શન હોવાથી કૃષિપેદાશોના વેપારનું મથક બની રહેલું છે. હાથસાળનું વણાટકામ પણ અહીં થાય છે. આ શહેરમાં ખેતીની પેદાશો પર પ્રક્રિયા કરવાની મિલો આવેલી છે. અહીં પંદરમી સદીનો કિલ્લો તથા કેટલીક પ્રાચીન ઇમારતો આવેલી છે. આ સ્થળ ભાર શાસકોએ સ્થાપેલું હોવાનું કહેવાય છે. જ્યારે સ્થપાયું ત્યારે તે ભારૌલી અથવા બરૌલી કહેવાતું હતું. જહાનાબાદ સ્થળ સૂબેદાર જહાનખાને સ્થાપેલું હોવાનું પણ કહેવાય છે. પંદરમી સદીમાં તેને ફરતો કોટ પણ બાંધેલો. આ નગરમાં આવેલી ચાર મસ્જિદો જાણીતી છે. જામે મસ્જિદ સુલતાન ઇબ્રાહીમ શાહે બાંધેલી અને અરબી શિલાલેખ મુજબ 1672માં શહેનશાહ આલમગીરે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. બીજી એક મસ્જિદ 1631માં નવાબ જહાનખાને અને ત્રીજી શાહઆલમ ઉલ્લાહે બંધાવેલી. તે મક્કાના કાબાની પ્રતિકૃતિરૂપ છે. તેમાં ત્રણ વિશાળ ખંડ છે, પણ તેના પર ઘૂમટ નથી. ચોથી મસ્જિદ ‘દાઈના’ના પરામાં આવેલી છે. તે શાહઆલમ ઉલ્લાહના પુત્રે બંધાવેલી. આ શહેરમાં વાર-તહેવારે ઉત્સવો ઊજવાય છે અને કેટલાક મેળાઓ પણ ભરાય છે. આ શહેરની વસ્તી 1,30,101 (1991) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા