રાયપુરી, અખ્તરહુસેન (જ. 12 જૂન 1912, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 1991, કરાંચી) : ઉર્દૂ ભાષાના સમીક્ષક, વાર્તાકાર અને અનુવાદક. જાણીતા ઉર્દૂ લેખક સૈયદ અકબરહુસેનના પુત્ર. 1928માં મૅટ્રિક થયા બાદ 1931માં વિદ્યાસાગર કૉલેજ, કોલકાતામાંથી ઇન્ટરની પરીક્ષા પાસ કરી. પછી ઇતિહાસના વિષય સાથે અલીગઢ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઔરંગાબાદ ખાતે મૌલવી અબ્દુલહક સાથે ઉર્દૂ ભાષા અને સાહિત્યનાં પ્રસારણ અને પ્રસિદ્ધિના કામમાં જોડાયા. 1940માં તેમણે પ્રાચીન ભારતના ઇતિહાસ અને સમાજના વિષય સાથે ફ્રાન્સની પૅરિસ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.
પ્રારંભમાં દૂરદર્શનના સમાચાર વિભાગમાં ‘ફૉરિન બ્રૉડકાસ્ટિંગ’ સેવાથી કારકિર્દી શરૂ કરી. 1942થી 1945 દરમિયાન અમૃતસર ખાતે એમ. એસ. કૉલેજના આચાર્યપદે રહ્યા. 1947 પછી ભારત છોડી તેઓ પાકિસ્તાન ગયા.
પાકિસ્તાનના શિક્ષણ મંત્રાલયમાં તેઓ શિક્ષણ-સલાહકાર નિમાયા. તેમણે માધ્યમિક શિક્ષણ બૉર્ડના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી. શિક્ષણજગતમાં ઊંડી સમજ અને રુચિ હોવાને કારણે તેઓ 1956-64 સુધી યુનેસ્કોમાં રહ્યા અને 1965-66 સુધી યુનેસ્કોના પ્રતિનિધિ તરીકે સોમાલિયામાં નિમાયા. 1967થી 1970 દરમિયાન તેમણે ઈરાનમાં સેવાઓ આપી. 1971-72માં યુનેસ્કોના ઉચ્ચ અધિકારીની હેસિયતથી તેમણે પૅરિસમાં કામ કર્યું.
તેઓ પ્રગતિશીલ વિચારધારા ધરાવતા ખ્યાતનામ સાહિત્યકાર હતા. પ્રગતિશીલ લેખક સંઘના એક સ્થાપક-સભ્ય હતા. 1936માં આ જ સંસ્થાની ‘અંજુમને તરક્કીપસંદ મુસન્નિફીન’ તરીકે સ્થાપના કરવામાં આવી. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘રોશન મીનાર’; ‘મોહબ્બત ઔર નફરત’ અને ‘ઝિન્દગી કા મેલા’નો સમાવેશ થાય છે.
અનુવાદના ક્ષેત્રે તેમણે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કાલિદાસના શાકુન્તલના ઉર્દૂ અનુવાદ ઉપરાંત બંગાળી કવિ કાઝી નઝરુલ ઇસ્લામનાં કાવ્યોનો ઉર્દૂ અનુવાદ ‘પયામે શબાબ’ નામથી આપ્યો છે. તેમણે કરેલ રશિયન લેખક ગૉર્કીના જીવનચરિત્રનો અનુવાદ તથા પર્લ બકની નવલકથા ‘ગુડ અર્થ’નો ‘પ્યારી જમીન’ નામક અનુવાદ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત સંપાદનક્ષેત્રે પણ તેમની સેવાઓ નોંધપાત્ર છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા