રાયણ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Manilkara hexandra (Roxb.) Dubard syn. Mimusops hexandra Roxb. (સં. રાજાઘ્ની; હિં. ખીરની; મ. ખીરાણી, રાંજની; બં. ક્ષીરખોજુર, કશીરની; ક. ખીરણીમારા; ગુ. રાયણ, ખીરણી; તે. મંજીપાલા, પાલા; ત. પાલ્લા, પાલાઈ; મલ. પાલા) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું વિસ્તારિત પર્ણમુકુટ અને સીધું જાડું થડ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને મધ્ય ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં થાય છે. તેને શોભન-વનસ્પતિ તરીકે અને તેના મીઠા ખાદ્ય ફળ માટે ભારતના મોટા ભાગના પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. તે ખુલ્લા વગડામાં, ગોચરોમાં અને કોઈ કોઈ ખેતરોને શેઢે જોવા મળે છે. તેની છાલ ઘેરી ભૂખરી અને ઊંડા કાપાવાળી હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, અનુપપર્ણીય (exstipulate), ઉપવલયી-પ્રતિઅંડાકાર (elliptic obovate) કે લંબચોરસ અને ચર્મિલ (coriaceous) હોય છે. પુષ્પો એકાકી (solitary) કે ગુચ્છમાં ઉદભવે છે અને સફેદ કે આછાં પીળાં હોય છે. પુષ્પનિર્માણ નવેમ્બર-જાન્યુઆરી માસમાં થાય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું, અંડાકાર કે ઉપવલયાકાર, 1.5 સેમી.થી 2.0 સેમી. લાંબું અને રતાશ પડતું પીળું હોય છે અને એપ્રિલ-જુલાઈમાં પાકે છે. બીજ એક કે ક્વચિત જ બે, અંડાકાર, 1.0 સેમી.થી 1.5 સેમી. લાંબું, રાતું-બદામી અને ચળકતું હોય છે.
તે રેતિયા ખડક(sandstone)વાળાં કે પડખાઉ (laterite) મૃદાવાળાં દક્ષિણ ભારતનાં શુષ્ક સદાહરિત વનોમાં સામાન્ય છે. અત્યંત શુષ્ક પરિસ્થિતિમાં તેની વૃદ્ધિ કુંઠિત થતાં તે ક્ષુપ સ્વરૂપ ધારણ કરે છે. તે પ્રકાશમાં ઊગે છે તેથી ગાઢ છત્ર (canopy) હેઠળ બીજ દ્વારા તેનું નૈસર્ગિક પ્રજનન થતું નથી. બોરસલ્લીની જેમ તેનું કૃત્રિમ પ્રસર્જન થાય છે. બીજ ચોમાસામાં વાવવામાં આવે છે.
સંવર્ધન : મે માસમાં પાકાં ફળોમાંથી બીજ કાઢી, પાણીથી ધોઈ, છાંયડે સૂકવી જંતુનાશક દવાનો પટ આપી સંગ્રહ કરવામાં આવે છે. આ બીજ જુલાઈ માસમાં ચોમાસું બેસતાં ધરુવાડિયામાં અગાઉથી તૈયાર કરેલ ક્યારામાં વાવવામાં આવે છે. ભલામણ મુજબ એક લીટર પાણીમાં દસ ગ્રામ થાયોયુરિયાના દ્રાવણમાં છ કલાક અથવા છાણની રબડીમાં ચોવીસ કલાક પલાળી રાખ્યા બાદ વાવવાથી બીજનો વધુ ઉગાવો મેળવી શકાય છે. વાવેતર બાદ ક્યારામાં નિયમિત નિયંત્રિત પાણી આપવું જોઈએ. સામાન્યત: પિસ્તાલીસ દિવસ બાદ (ઑગસ્ટ/સપ્ટેમ્બર) તંદુરસ્ત રોપાને ક્યારામાંથી કાળજીપૂર્વક કાઢી કૂંડામાં લેવામાં આવે છે. એક વર્ષ બાદ તે રોપવા જેવા અગર તો ચીકુના મૂળકાંડ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા થઈ જાય છે.
રાયણની વાનસ્પતિક વૃદ્ધિ ધીમી થાય છે. આથી વૃક્ષ મોટું થતાં સમય લાગે છે. આ કારણે રાયણની રોપણી વખતે બે હાર વચ્ચેનું અંતર 10 મી.થી 12 મી. અને બે રોપા વચ્ચેનું અંતર 5 મી.થી 6 મી. રાખવામાં આવે છે. વચ્ચેનાં વૃક્ષો કાઢી નાખી અંતર 10 x 10 મી. અથવા 12 x 12 મી.નું રાખવાથી દરેક વૃક્ષને પૂરતો પ્રકાશ, હવા, પાણી અને પોષણ મળી રહે છે. રોપણી માટે નિયત કરેલ અંતરે ઉનાળામાં 60 x 60 x 60 સેમી.ના ખાડા કરી તેમને તપવા દઈ, ખાતર-માટીના મિશ્રણથી ભરવામાં આવે છે. જમીનમાં જો ઊધઈનો ઉપદ્રવ હોય તો 100 ગ્રા. ઊધઈનાશક દવા મિશ્રણમાં ભેળવીને નાખવી. ચોમાસાનો વરસાદ પડ્યા બાદ ખાડાની મધ્યમાં રોપ વાવી તેને ટેકો આપી ખામણું બનાવી તુરત જ પાણી આપવું જરૂરી છે; જેથી રોપ બરાબર જામી જાય. રોપ ઊછરી ગયા બાદ પિયતની જરૂર રહેતી નથી.
રોપણી બાદ રોપ જેમ જેમ વિકાસ પામતો જાય તેમ તેમ વધારાની ડાળીઓ તેમજ થડ પાસેનાં પીલાં કાઢી નાખવામાં આવે છે. વૃક્ષનો આકાર જાળવવા છાંટણી કરવામાં આવે છે; જેથી એક થડે 500 ગ્રા. નાઇટ્રોજન, 2 કિગ્રા. ખોળ, 20 કિગ્રા.થી 25 કિગ્રા. કોહવાયેલું છાણિયું ખાતર થડથી 2 મી. દૂર ઘેરાવામાં આપવાથી ફાયદો થાય છે.
ગુજરાત કૃષિ યુનિવર્સિટીના આણંદ કેન્દ્ર ખાતે સિલેક્શન-1 (પાટણ), સિલેક્શન-2 (બોરસદ) અને સિલેક્શન3 (દહેગામ) એમ રાયણની આશાસ્પદ ત્રણ જાતો પસંદગી દ્વારા વિકસાવવામાં આવેલ છે. તેઓ સ્થાનિક જાતો કરતાં વધારે ઉત્પાદન આપે છે. તેમનાં ફળો મોટા કદનાં થાય છે; રેસાનું પ્રમાણ ઓછું હોય છે, અને ફળો ખાવામાં અતિ સ્વાદિષ્ટ હોય છે.
પુખ્ત વૃક્ષ 50થી 100 કિગ્રા. ફળોનું ઉત્પાદન આપે છે. ફળો પરિપક્વ પીળા રંગનાં થાય ત્યારે જ હાથથી વીણીને ઉતારવામાં આવે છે. ફળોની ટકાઉશક્તિ ઓછી હોવાથી તરત વાંસના ટોપલામાં હવાની અવરજવર થાય તે રીતે પૅકિંગ કરી વેચાણ માટે મોકલી આપવામાં આવે છે.
રાયણ મજબૂત ઇમારતી લાકડું આપે છે. તેનું રસકાષ્ઠ (sapwood) આછા લાલ રંગથી માંડી બદામી-સફેદ રંગનું અને અંત:કાષ્ઠ લાલથી માંડી જાંબલી-બદામી રંગનું હોય છે. અંત:કાષ્ઠમાં વધારે ઘેરી રેખાઓ હોય છે અને ખુલ્લું થતાં જાંબલી કે જાંબલી-કાળું બને છે. તે પ્રમાણમાં લીસું કે છીછરું, અંતર્ગ્રથિત (interlocked), દાણાદાર (grainy), સમ (even) અને સૂક્ષ્મ ગઠનવાળું, સખત, મજબૂત અને ભારે (વિ. ગુ. 1.0, વજન 1,120 કિગ્રા./ઘમી.) હોય છે.
કાષ્ઠ વાયુસંશોષણ માટે ઉચ્ચતાપસહ (refractory) હોય છે અને મિશ્ર અંત્ય-વિપાટ (end-splits) તેમજ સપાટી ઉપર તરંગિત તિરાડો માટે જવાબદાર હોય છે.
પાણીના સંપર્કમાં પણ ટકાઉ રહે છે. તે ઇતરડી-અવરોધક હોય છે અને તેને કોઈ રોગરોધી (antiseptic) ચિકિત્સાની જરૂર હોતી નથી. વાયુસંશોષિત કાષ્ઠ સહેલાઈથી વહેરી શકાતું નથી. તે સારી રીતે પૉલિશ ગ્રહણ કરે છે. તેનો સામાન્યત: ખાંડનાં કારખાનાંઓ અને તેલની ઘાણીઓમાં; થાંભલા, પાટડા, કડીઓ (joints) અને ખેતીનાં ઓજારો તેમજ ગાડાં બનાવવામાં તેમજ ખરાદીકામ(turnery)માં ઉપયોગ થાય છે. તે હથોડી, રોલર, રેલવેની ચાવીઓ, સાધનોના હાથા, રાચરચીલું, પૅનલો, ચાલવા માટેની લાકડીઓ અને જેમાં કઠોરતા વધારે મહત્ત્વની હોય તેવી અન્ય અનેક લાકડાની વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે.
તેનાં પાકાં ફળમાં દૂધ જેવું પ્રવાહી હોય છે, જેને ક્ષીર (latex) કહે છે. તે સ્વાદમાં મીઠાં, પરંતુ સહેજ ચીકાશયુક્ત હોય છે અને તેની ટોચ ઉપર નાનો, પાતળો, કાળો સળી જેવો અવશેષ જોવા મળે છે. પાકાં ફળ બહુ લાંબો સમય ટકી શકતાં નથી, પરંતુ તેમને સૂકવી નાખવાથી તે ભૂખરાથી ઘેરા બદામી રંગનાં અને બહારથી ચીમળાયેલાં કોકડીરૂપ દેખાય છે. તે સ્વાદિષ્ટ અને પૌદૃષ્ટિક હોય છે અને સૂકા મેવાની જેમ ખવાય છે. ફળનું રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 68.61 %, પ્રોટીન 0.48 %, લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 2.42 %, કાર્બોદિતો 27.74 % અને ખનિજદ્રવ્ય 0.75 %; કૅલ્શિયમ 83 મિગ્રા.; ફૉસ્ફરસ 17 મિગ્રા., લોહ 0.92 મિગ્રા.; કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 675 આઈ.યુ. (International Units); થાયેમિન 70.33 માગ્રા. (microgram); રાઇબોફ્લેવિન 77.41 માગ્રા; નિકૉટિનિક ઍસિડ 0.66 મિગ્રા. અને એસ્કૉર્બિક ઍસિડ 15.67 મિગ્રા./100 ગ્રા.
બીજ (વજન 13.2 ગ્રા./100 બીજ)નું ઈથર-નિષ્કર્ષણ કરતાં લગભગ 24.6 % જેટલું ખાદ્ય તેલ તેમાંથી ઉત્પન્ન થાય છે, જેને રાયણનું તેલ કહે છે. તેનું ઘાણીમાં 17.5 % જેટલું ઉત્પાદન થાય છે. તેલ રંગે આછું પીળું હોય છે અને ઑલિવ તેલના જેવી વાસ ધરાવે છે. તેલના નિષ્કર્ષણ બાદ બાકી રહેલા અવશેષમાં કડવું સૅપોનિન હોય છે. બીજમાંથી સૅપોજેનિન અને બાસિક ઍસિડ(C30H46O5)નું અલગીકરણ કરી શકાય છે. તેનો ખોળ (N 1.5 %, P 0.2 %) ખાતરની દૃષ્ટિએ નીચું મૂલ્ય ધરાવે છે.
પર્ણોનો ઢોરોના ચારા માટે ઉપયોગ થાય છે. પર્ણનું શુષ્કતા પર આધારિત રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 9.3 %; ઈથર-નિષ્કર્ષ 6.2 %; નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 53.9 %; અશુદ્ધ રેસો 23.3 %; કુલ ભસ્મ 7.4 %; અદ્રાવ્ય ભસ્મ 0.8 %; ફૉસ્ફરસ (P2O5) 0.49 % અને કૅલ્શિયમ (CaO) 2.0 %.
વૃક્ષ દ્વારા ગુંદર ઉત્પન્ન થાય છે. છાલમાં 10 % જેટલું ટૅનિન હોય છે અને તે ચર્મશોધનમાં ઉપયોગી થાય છે. છાલ તાડીનું આથવણ અટકાવે છે. બીજનું તેલ શામક (demulcent) છે. રાયણનો ચીકુ(Achraszapota)ની કલમ બનાવવા ખૂંટ તરીકે ઉપયોગ થાય છે. આ માટે ભેટકલમ (inarching) અને પાર્શ્ર્વરોપણ(side grafting)પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર તે મધુર, ગુરુ, તર્પણ, સ્થૂલતાકારક, હૃદ્ય, શીતળ, ગ્રાહક, સ્વાદુ, તૂરી, પાકકાળે ખાટી, ધાતુવર્ધક, મલસ્તંભક, રુચિકર અને પૌદૃષ્ટિક હોય છે. તે તૃષા, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય, ત્રિદોષ અને રક્તદોષનો નાશ કરે છે. તેની ગાંઠો અંગારામાં શેકી, તેનો રસ કાઢી, તેમાં મધ અને લીંડીપીપરનું ચૂર્ણ નાખી અપસ્માર ઉપર આપવામાં આવે છે. વાતપિત્ત, પ્રદર અને રક્તપિત્ત ઉપર રાયણ અને કોઠીનાં પર્ણો ઘીમાં શેકી તેનો કલ્ક અપાય છે. ઋતુપ્રાપ્તિ માટે તેનાં મીંજ કાઢી તેની પોટલી યોનિમાં મૂકવામાં આવે છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ
બળદેવભાઈ પટેલ
પરેશ હરિપ્રસાદ ભટ્ટ
સુરેશ યશરાજભાઈ પટેલ