રાયજી, જયશ્રી (જ. 26 ઑક્ટોબર 1895, સૂરત; અ. 28 ઑગસ્ટ 1985, મુંબઈ) : અગ્રણી સામાજિક કાર્યકર. પિતા મનુભાઈ મહેતા વડોદરા રિયાસતના દીવાન હતા. મુંબઈ યુનિવર્સિટી સાથે તે સમયે સંલગ્ન વડોદરાની કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન વિષયમાં બી.એ.ની પદવી મેળવી. 1918માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન. એમ. રાયજી સાથે લગ્ન થતાં મુંબઈ ખાતે સ્થળાંતર કર્યું અને તુરત જ સામાજિક સેવાના કાર્યમાં ઝંપલાવ્યું. શિક્ષણ અને રોજગારીને લગતા વિશિષ્ટ સામાજિક કાર્યના સંદર્ભમાં તેમણે મહિલાઓના ઉત્થાન માટેની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર પસંદ કર્યું જે અવસાન સુધી ચાલુ રહ્યું. મુંબઈ શહેરના નાગરિકોને સ્પર્શતી બાબતોમાં પણ તેઓ રસ લેતાં થયાં અને મુંબઈની મહાનગરપાલિકામાં ચૂંટાયાં. મુંબઈ યુનિવર્સિટીના સેનેટ-સભ્યપદે પણ તેઓ ચૂંટાયેલાં.

જયશ્રી રાયજી

મહાત્મા ગાંધીની હાકલને માન આપી 1930માં તેઓ આઝાદીની લડતમાં જોડાયાં અને દેશસેવિકા બન્યાં. વિદેશી કાપડ અને દારૂનું વેચાણ કરતી દુકાનો પર તેમણે પિકેટિંગ શરૂ કર્યાં અને ખાદીનો પ્રચાર કર્યો. 1932માં તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પુત્રી માત્ર ત્રણ માસની હતી તે વખતે હવે પછી પોતે લડતમાં ભાગ લેશે નહિ એવી બાંયધરી જો તેઓ આપે તો તેમને મુક્ત કરવામાં આવશે એવી દરખાસ્ત મુંબઈના તત્કાલીન ગોરા પોલીસ કમિશનરે તેમની સામે મૂકી, જેના જવાબમાં તેમણે તરત જ તેમની બાળકી તેમની બહેનને સોંપી દીધી અને પોલીસ-કોટડીમાં જવાની તૈયારી બતાવી. તેમની આ દૃઢતા જોઈને પોલીસ કમિશનરે તુરત જ તેમને મુક્ત કર્યાં. 1942ના ‘ભારત છોડો’ આંદોલન વખતે તેઓ મુંબઈ શહેર કૉંગ્રેસની મહિલા-પાંખનાં વડાં હતાં. જયશ્રી રાયજીએ તુરત જ મહિલાઓને ચળવળમાં સક્રિય રીતે સામેલ થવા માટે અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. 9 સપ્ટેમ્બર 1942ના દિવસે મહિલાઓના એક વિશાળ પણ શાંતિપૂર્ણ સરઘસની આગેવાની લેવા માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને છ માસની સજા ફટકારવામાં આવી હતી.

1952ની લોકસભાની પ્રથમ ચૂંટણીમાં તેમની અનિચ્છા છતાં કૉંગ્રેસ પક્ષે તેમને ઉત્તર મુંબઈ મતદાર વિસ્તારમાંથી સમાજવાદી ઉમેદવાર કમલાદેવી ચટ્ટોપાધ્યાયની સામે ઊભાં કર્યાં. કમલાદેવી તેમનાં બહેનપણી અને જૂનાં સહકારી હોવાથી જયશ્રી રાયજી શરૂઆતમાં તેમની સામે ઊભાં રહેવા રાજી ન હતાં. કૉંગ્રેસ પક્ષના આગ્રહને કારણે તેમણે આ ઉમેદવારી સ્વીકારી અને તેમાં ઝંપલાવ્યા પછી કૉંગ્રેસ પક્ષ તરફથી નિષ્ઠાપૂર્વક પ્રચારકાર્ય કર્યું. પરિણામે કમલાદેવી જેવાં મજબૂત વિરોધીની સામે લગભગ તેર હજાર મતોથી વિજય મેળવી બધાંને આશ્ર્ચર્યચકિત કરી દીધાં.

લોકસભાનાં સભ્ય તરીકે પણ તેમણે મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટેના કાર્યક્રમોમાં રસ લીધો. દા.ત., તેમણે લોકસભામાં દહેજ-વિરોધી ખરડાનું, દત્તક-વિધાનને લગતા ખરડાનું, અનૈતિક હેતુઓ માટે મહિલાઓના થતા વ્યાપાર-વિરોધી ખરડાનું તથા છૂટાછેડા સંબંધી ખરડાનું જોરદાર સમર્થન કર્યું હતું. 1957ની લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની તેમણે ના પાડી અને ફરી સમાજકાર્ય તરફ વળ્યાં. 1980માં ‘યુનિસેફ’  સંકલિત વિકાસના નેજા હેઠળના એક પ્રકલ્પના સંદર્ભમાં તેમણે દક્ષિણ ગુજરાતના ઉદવાડા-વલસાડ વિસ્તારનાં નવ ગામો સમાજકલ્યાણની પ્રવૃત્તિઓના આયોજન માટે દત્તક લીધાં; જેમાં તેમની સાથે ભગિની સમાજ અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી પણ જોડાયાં હતાં. અલબત્ત, તે પૂર્વે તેમણે ઉદવાડા ખાતે એક આદિવાસી કલ્યાણ-કેન્દ્રની સ્થાપના પણ કરી હતી, જેના નેજા હેઠળ આશરે 600 આદિવાસી છોકરીઓને શિક્ષણ આપવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

મહિલા અને બાળકલ્યાણના ક્ષેત્રમાં તેમણે કરેલ કાર્ય માટે તેમને જમનાલાલ બજાજ ફાઉન્ડેશન તરફથી જાનકીદેવી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડને કારણે તેમને જે રકમ પ્રાપ્ત થઈ હતી તે સઘળી રકમ તેમણે ઉદવાડા આદિવાસી કેન્દ્રને અર્પણ કરી હતી.

મહાત્મા ગાંધીના પ્રભાવ હેઠળ આવ્યા પછી તેમણે તેમનાં ઘરેણાંનો ત્યાગ કરી સાદું જીવન જીવવાનું વ્રત લીધું હતું, જે તેમણે આજીવન પાળેલું.

વડોદરા યુનિવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ હંસાબહેન મહેતાનાં તેઓ મોટાં બહેન અને ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકર મહેતાનાં તેઓ પૌત્રી હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે