રામારાવ, એન. ટી. (જ. 28 મે 1923, નિમ્માકુરુ, આંધ્રપ્રદેશ; અ. 18 જાન્યુઆરી 1996, હૈદરાબાદ) : ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીરામ અને માતા વેંકટરામ્મા.
સ્નાતક થયા બાદ 1947માં મદ્રાસ સેવા પંચમાં નાયબ રજિસ્ટ્રાર તરીકે જોડાયા, પણ 3 સપ્તાહના અત્યંત ટૂંકા ગાળામાં તે કામગીરી છોડી ફિલ્મક્ષેત્રે પ્રવેશ્યા. 1949થી ’82 સુધીમાં લગભગ 300 ચલચિત્રોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવી. મુખ્યત્વે પૌરાણિક પાત્રોની અને વિશેષે રામ અને કૃષ્ણની ભૂમિકાને કારણે આંધ્રપ્રદેશના ઘરઘરમાં જાણીતી બની ગયેલી વ્યક્તિ તરીકે તેમણે સ્થાન મેળવ્યું. તેઓ હંમેશાં ભગવાં વસ્ત્રો ધારણ કરતા. ઑક્ટોબર, 1981માં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને માર્ચ, 1982માં તેલુગુ દેશમ્ પક્ષની સ્થાપના કરી. ચલચિત્રોમાંની લોકપ્રિય ભૂમિકાઓને કારણે આંધ્રના કરિશ્માતી નેતા તરીકેનું સ્થાન તેઓ સહેલાઈથી હાંસલ કરી શક્યા. તેમનો તેલુગુ દેશમ્ પક્ષ જાન્યુઆરી 1983ની રાજ્યકક્ષાની ચૂંટણીમાં વિજેતા બનતાં તેઓ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા. આંધ્રપ્રદેશના સર્વાંગી વિકાસ માટે તેમણે 15 મુદ્દાનો કાર્યક્રમ ઘડ્યો. ઑગસ્ટ, 1984ના આંધ્રપ્રદેશના રાજ્યપાલે તેલુગુ દેશમ્ પક્ષના ભાગલાને કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. જોકે ફરી એ જ વર્ષના સપ્ટેમ્બરમાં તેઓ મુખ્ય મંત્રી બન્યા. તેમણે રાજકીય પ્રચાર માટે ખાસ ચૈતન્ય-રથ તૈયાર કરાવ્યો હતો અને એ રીતે ભારતીય રાજકારણમાં રથની રાજનીતિનો સૌપ્રથમ ઉપયોગ તેમણે શરૂ કર્યો હતો.
તેમની સરકાર પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ થવા લાગ્યા અને તેમની લોકપ્રિયતામાં ઓટ આવી. 1992માં તેમનાથી ખૂબ નાની વયનાં મહિલા લક્ષ્મીપાર્વતી સાથે બીજાં લગ્ન કર્યાં. 1994ની ચૂંટણીમાં વિજયી બન્યા, પરંતુ તેમનાં સંતાનો સાથે ઊભા થયેલા કૌટુંબિક સંઘર્ષોને કારણે તેમને પક્ષમાંથી હઠાવવામાં આવ્યા. ત્યારબાદ તેમની તબિયત કથળતાં રાજકીય પ્રભાવ ઓસરવા લાગ્યો. ચલચિત્રોમાંની કરિશ્માતી ભૂમિકાને આધારે આંધ્રપ્રદેશના રાજકીય જીવનમાં નિશ્ચિત સ્થાન ધરાવનાર તેઓ નોંધપાત્ર નેતા હતા.
રક્ષા મ. વ્યાસ