રા’માંડલિક 1લો (શાસનકાળ : ઈ. સ. 1260-1306) : ચૂડાસમા વંશના રા’ખેંગાર 3જાનો પુત્ર અને જૂનાગઢનો રાજવી. તેણે 46 વર્ષ જેટલો લાંબો સમય રાજ્ય ભોગવ્યું. તે ગાદીએ બેઠો ત્યારે નાની ઉંમરનો હતો અને રાજ્ય ચલાવવાની જવાબદારી તેનો મંત્રી મહીધર સંભાળતો હતો. રા’માંડલિક ગાદીએ બેઠો ત્યારે એની સત્તા હેઠળ જૂનાગઢ તથા તેની આસપાસનો થોડો વિસ્તાર જ હતો. આ સમયે ગુજરાતના વિસલદેવ વાઘેલાએ સૌરાષ્ટ્ર ઉપર તેની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી હતી. રા’માંડલિક તેનો ખંડિયો હતો. જૂનાગઢના આંતરિક વિખવાદનો લાભ લેવા જગતસિંહ નામનો રાજપૂત સરદાર 1261માં ચડી આવેલો, પરંતુ એને વિજય મળ્યો નહિ. તેણે સુલેહની વિનંતી કરવાથી રા’માંડલિકે એને માફ કરીને વંથળીમાં જાગીર આપી. અલાઉદ્દીન ખલજીની મુસ્લિમ સેનાએ સોમનાથનો નાશ કર્યા બાદ, રા’માંડલિકે પ્રભાસપાટણ પર હુમલો કરી, ત્યાંના મુસ્લિમ અધિકારીનો નાશ કરી વાજા વયજલદેવને પ્રભાસપાટણનો વહીવટ સોંપ્યો. એણે મુસ્લિમોને પરાજિત કર્યાની હકીકત દામોદર કુંડના શિલાલેખમાં દર્શાવવામાં આવી છે.

જયકુમાર ર. શુક્લ