રામાયણદર્શનમ્ : કન્નડ મહાકાવ્ય. 26  ડિસેમ્બર 1904ના રોજ જન્મેલા કન્નડ કવિ પુટપ્પા-રચિત આ મહાકાવ્ય 1936થી 1946 દરમિયાન રચાયેલું. એમને આ કૃતિ માટે સાહિત્ય અકાદમી તથા જ્ઞાનપીઠના પુરસ્કારો મળ્યા છે. એમણે વાલ્મીકિ રામાયણનો આધાર લીધો છે, પણ એમાં ઘણું ઉમેરણ – ઘણા ફેરફારો કર્યાં છે. ‘રામાયણદર્શનમ્’ કથનાત્મક ચિંતનપ્રધાન કાવ્ય છે. એ કાવ્યની રચના માટે એમણે મહા છંદ નામનો નવો છંદ યોજ્યો છે. કવિએ રામાયણકથામાં એમને જે નવું દર્શન થયું તેના વિશે કહ્યું છે. તેમણે રામાયણમાં રામકથાની અંતર્ગત જે ચિરંતન છે તેને કાવ્યવસ્તુ બનાવ્યું છે. બાહ્ય ઘટનાઓને રજૂ કરનારું આ લૌકિક કાવ્ય નથી, પરંતુ અલૌકિક સત્યોને પ્રસ્તુત કરનારું આ ‘સત્યસ્ય સત્યકથનમ્’ છે. એમણે કહ્યું છે : ‘કથા ભલે વાલ્મીકિએ રચી હોય, પણ કન્નડમાં ન્યારી કથાના ન્યારા કલેવરમાં પુનર્જન્મ લઈને આ કાવ્ય પ્રગટ થયું છે, જેને મેં વિશ્વવાણીનું ચૂડામણિ બનાવી દીધું છે.’ વાલ્મીકિની મંથરા દુષ્ટા છે; જ્યારે પુટપ્પાની મંથરા રામના વનમાં ગયા પછી જુએ છે કે રામ વિના ભરત જીવી શકે એમ નથી ત્યારે વનમાં રામને ઢૂંઢવા અને પાછો વાળવા એ નીકળી પડે છે અને રામને ઢૂંઢતાં ઢૂંઢતાં વનમાં જ પ્રાણત્યાગ કરે છે. આ રીતે મંથરાના પાત્રને કવિએ પશ્ર્ચાત્તાપ કરીને, રામને પાછા લાવવાની કોશિશ કરતું બતાવી એનું ઊર્ધ્વીકરણ બતાવ્યું છે. તેવી જ રીતે કવિએ રામના જીવનમાં જે બે પ્રસંગો રામને નીચા ઉતારે છે તે વાલીવધ અને સીતાની અગ્નિપરીક્ષાના પ્રસંગોને પોતાના ‘રામાયણદર્શનમ્’માં જુદો વળાંક આપી, રામનું ગૌરવ જાળવી, એમનું મહામાનવત્વ ઉપસાવી આપ્યું છે.

‘રામાયણદર્શનમ્’માં વાલીનું હૃદયપરિવર્તન થયું છે. એનો વિરોધ વહાલમાં પરિણમ્યો છે અને એ સુગ્રીવ સમક્ષ એ વાતનો સ્ફોટ કરે છે. એ સુગ્રીવને પોતાને ત્યાં લઈ જવા આવ્યો છે, પણ સુગ્રીવ આવતો નથી, ત્યારે એને ઉઠાવી પોતાને ઘેર લઈ જવા તૈયાર થાય છે અને આમ લઈ જાય છે ત્યારે રામ સમજે છે કે એ સુગ્રીવને મારી નાખશે એટલે એને પીઠમાં તીર મારે છે. વાલી ત્યારે રામને અત્યંત કડવાં વચનો કહે છે. ત્યારે રામ શાંત ચિત્તે કહે છે : ‘આ બધા નિયતિના ખેલ છે. નિયતિની ભર્ત્સના કરવાથી શો લાભ ?’ વાલી તરત જ ઉત્તર આપે છે : ‘તમારી પત્નીને અસુર ઉઠાવીને લઈ ગયો, તે પણ નિયતિનો ખેલ હતો. તમે કેમ એ માટે આટલા વ્યાકુળ થઈ ગયા ?’ આથી રામ કબૂલ કરે છે કે સીતાનો વિયોગ થવાને કારણે એમના પ્રજ્ઞારૂપી દર્પણ પર ધૂળ વળી ગઈ હતી. ઐહિક સુખને કારણે એમણે કીર્તિ, ધર્મ અને વાલી જેવા વીરને બાણ માર્યું. એ માટે એ પસ્તાય છે, ક્ષમાયાચના કરે છે અને આંસુ સારે છે.

સીતાની અગ્નિપરીક્ષા પ્રસંગમાંથી પણ એમણે રામને મુક્ત કર્યા છે. અગ્નિપરીક્ષા માટે રામ એને કહેતા નથી, પણ સીતા પોતે પોતાની પવિત્રતા સાબિત કરવા અગ્નિપરીક્ષાનો નિર્ણય લે છે અને આગમાં ઝંપલાવે છે. રામ એ સહન કરી શકતા નથી અને રામ પણ ચિતામાં પ્રવેશે છે. આમ રામને તદ્દન નિર્દોષ રાખ્યા છે.

કવિએ રાવણના પાત્રનું પણ ઉત્થાન કર્યું છે. શરૂઆતનો રાવણ નિતાન્ત દુષ્ટ છે, જ્યારે પુટપ્પાનો રાવણ ધીરે ધીરે ઊર્ધ્વગામી બને છે. સીતાને એ બળાત્કારની ધમકી આપે છે, પણ બળાત્કાર કરતો નથી. સીતા ત્રિજટા આગળ પોતાનો ભય વ્યક્ત કરે છે, ત્યારે ત્રિજટા કહે છે : ‘હું એને ઓળખું છું. એ બળાત્કારથી તમને ભલે લઈ આવ્યો હોય, પણ બળાત્કાર કરે એવો પશુ નથી. જે નારી મોહ પામી એને વશ ન થાય, તેનો એ સ્પર્શ પણ કરતો નથી.’

રાવણનું ધીરે ધીરે હૃદયપરિવર્તન થતું દર્શાવ્યું છે. સીતાની તરફનો એનો દૃષ્ટિકોણ બદલાય છે. એ મંદોદરીને કહે છે : ‘પાપીના હાથને અટકાવી એને પુણ્યની તરફ લઈ જનારી પોતાની પત્ની સિવાય બીજું કોઈ હોય તો ફક્ત સીતા છે. એ તારાથી પણ મહાન છે. મારી દેવતા ! માતા ! શ્રદ્ધાભ્રષ્ટ એવા મને શ્રદ્ધાયુક્ત કરનારી આત્મોદ્ધાર- પ્રબોધિની દેવી, પાવન માતા.’ અંતમાં કવિ કહે છે કે રાવણનો વધ થતો નથી, પણ રાવણની અસત્-ચેતના વિલુપ્ત થઈ ને રામની સત્-ચેતના એના સૂક્ષ્મદેહમાં સમાઈ ગઈ.

આમ, પુટપ્પાનું આ ‘રામાયણદર્શનમ્’ રામાયણકથાનું એમને જે રીતે દર્શન થયું છે તેનું નિરૂપણ કરે છે.

ચન્દ્રકાન્ત મહેતા