રામાયણ (ગિરધરકૃત) (ઈ. સ. 1837, સં. 1893, માગશર વદ 9, રવિવાર) : મધ્યકાલીન આખ્યાન પરંપરાની રચના. ગરબડદાસના પુત્ર ગિરધરકૃત ‘અધ્યાય’ નામક 299 કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશી બંધની 9,551 કડીની આ આખ્યાનકૃતિ (મુદ્રિત) ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમન્નાટક, પદ્મપુરાણ, અગ્નિપુરાણ, યોગવાસિષ્ઠ, શ્રીમદભગવત, હરિવંશ, આનંદ રામાયણ વગેરેનો તેમજ અત્રતત્ર ‘રામચરિતમાનસ’, ‘અધ્યાત્મ-રામાયણ’, ‘ગીતાવલી’, ‘મહાભારત’ વગેરેનો આધાર લીધો છે. કવિએ પોતે આધારસ્થાનોનો નિર્દેશ કર્યો છે, પણ તેમાં ક્યાંક સરતચૂક પણ થયેલી જોવા મળે છે. કવિએ નાકર, શ્રીધર, પ્રેમાનંદ, શામળ, કૃષ્ણાબાઈ, દયારામ  એ પુરોગામીઓની અસર પણ પ્રસંગો અને શૈલી પરત્વે ઝીલી છે. આ કૃતિ રામકથાવસ્તુના સર્વાશ્લેષી નિરૂપણના કારણે મધ્યકાલીન પરંપરામાં જુદી તરી આવે છે.

મૂળ કથાવસ્તુમાં કવિએ કેટલાક ફેરફાર ને કેટલાંક ઉમેરણો પણ કર્યાં છે; જેમ કે, અહલ્યાના પ્રસંગમાં રામના ચરણસ્પર્શને બદલે રામની ચરણરજ પવનમાં ઊડીને શલ્યાને સ્પર્શી જતાં અહલ્યા થઈ એવું નિરૂપણ કવિનું છે. અશ્વમેધવૃત્તાંતમાં નાનકડો મૌલિક વિનોદપ્રસંગ મળે છે. અશ્વ પર બાંધેલા પતરામાં ‘સ્ત્રીવિપ્રસાધુજન સાથે યુદ્ધ ન કરીશ વીર’ લખેલું જોઈ રામનો સાળો લક્ષ્મીનિધિ તાડિકાવધને યાદ કરાવી મશ્કરી કરે છે, ત્યારે રામ જવાબ આપે છે કે તમે જનક વિદેહીના પુત્ર વીરરસમાં ન સમજો. ‘રામબાલચરિત્ર’ તથા ‘અધ્યાત્મરામાયણ’ને અનુસરતો તત્વવિચાર એ પણ ગિરધરના આ રામાયણની વિશિષ્ટતા છે.

પાત્રો પરત્વે મૂળનું યથાતથ પ્રતિબિંબ ઝીલવાનો કવિએ પ્રયત્ન કર્યો છે, પરંતુ કથાપ્રસંગો અનેક ઠેકાણેથી ઉપાડ્યા હોવાથી પાત્રો વાલ્મીકિ રામાયણનાં સીધાં અનુકરણ જેવાં ન લાગતાં વૈવિધ્યસભર રેખાઓવાળાં બન્યાં છે. પોતાના સમયની સામાજિકતાનું કવિએ પાત્રોમાં આરોપણ થવા દીધું છે. આમ છતાં પાત્રોનાં મૂળ વ્યક્તિત્વ જરાય જોખમાતાં નથી. પાત્રો છેક દેવકોટિનાં અને રાક્ષસકોટિનાં નહિ, પરંતુ માનવકોટિનાં બની રહ્યાં છે. પ્રતાપી અને ભવ્ય પાત્રોમાં માનવસહજ નિર્બળતાનું તો દાનવકોટિનાં પાત્રોમાં માનવસહજ લાગણીશીલતાનું કવિએ આલેખન કર્યું છે. માનવીય આકાંક્ષાઓ, ચિત્તવૃત્તિનાં ઘમસાણો, સબળતા-નિર્બળતા વગેરેનું આ આલેખન રસપ્રદ બન્યું છે.

કૃતિમાં કરુણ, શાંત, વીર અને શૃંગારરસ મુખ્ય છે. શાંત અને કરુણમાં કવિની પ્રતિભાનો અંશ સવિશેષ જોવા મળે છે. મધ્યકાલીન પરંપરાની અલંકારસમૃદ્ધિ અને વર્ણનસિદ્ધિ પણ આ કૃતિના નોંધપાત્ર અંશો છે. કવિની બાનીમાં સંસ્કૃત અને હિન્દી ભાષાનો પ્રભાવ છે.

ગિરધરકૃત રામાયણને ડૉ. ભોગીલાલ સાંડેસરા યોગ્ય રીતે એક વિસ્તૃત આખ્યાન તરીકે ઓળખાવે છે. ‘શ્રોતાજન બોલો શ્રીહરિ’ કહેતા કવિ પોતાનાં આખ્યાનો ગાતા અને ભાવિક લોકો તે ઉતારી લેતા. જંબુસર તાલુકાના સારોદ ગામમાં થઈ ગયેલા સુલેમાન ભગત ગિરધરકૃત રામાયણની ગાઈને કથા કરતા, એ પણ આ કૃતિની આખ્યાન તરીકેની શક્યતા જ પુરવાર કરે છે. વર્ણનો, સ્તુતિઓ, કથામાં કરેલા ફેરફારો, તત્કાલીન સામાજિક રંગો, રસનિરૂપણ, આલંકારિક ભાષા, ભક્તિનો ઉપદેશ વગેરે આખ્યાનશૈલીનાં દ્યોતક છે.

કવિ જેને ‘અધ્યાય’ કહે છે તે ખરેખર તો વલણ અને ઢાળમાં બંધાયેલાં કડવાં જ છે. ઘણે ઠેકાણે અધ્યાયના પ્રારંભમાં મુખબંધ-મોઢિયું છે. બે પંક્તિમાં મુખબંધ આપી કવિ ઢાળમાં કથાના મુખ્ય પ્રસંગો વર્ણવે છે. તેમાં છેલ્લી બે પંક્તિઓ વલણ તરીકે આવે છે; જેમાં કથાસાર, આગામી પ્રસંગનું સૂચન, નહિ તો વહી ગયેલી કથાની ફલશ્રુતિ હોય છે. કાંડની શરૂઆતમાં મંગલવંદન, આગલા કાંડનો કથાસાર, રાગનિર્દેશ તથા કાંડને અંતે કથાનો મૂળ સ્રોત, ફલશ્રુતિ તથા ઉત્તરકાંડને અંતે કુલ અધ્યાયોની સંખ્યા, કુલ ચોપાઈ-સંખ્યા, રચ્યા-સંવતની સંપૂર્ણ વિગત, આત્મપરિચય પણ આખ્યાનનાં લક્ષણો પ્રગટ કરે છે.

દેવદત્ત જોશી