રામાયણ-કલ્પવૃક્ષમુ : તેલુગુ કવિ વિષ્વણધા સત્યનારાયણે તેલુગુમાં લખેલું મહાકાવ્ય. આ કૃતિ માટે તેમને 1970માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો હતો.

બીજું ‘રામાયણ’ શા માટે એવો પ્રશ્ર્ન ઉઠાવીને, પોતાના આ સૌથી ભગીરથ સાહિત્યસર્જન માટેનાં કારણોમાં કવિ એક તો પોતાના પિતાની ઇચ્છાની પૂર્તિનો તથા બીજું પોતાની અંત:પ્રેરણાના સંતોષનો મુદ્દો રજૂ કરે છે. 12,800 શ્ર્લોકમાં રચાયેલ આ મહાકાવ્ય તેલુગુમાં વીસમી સદીમાં રચાયેલ એક મહત્વનું સર્જન છે. મુખ્ય કથા પૂરતું તેઓ બહુધા વાલ્મીકિને અનુસર્યા છે અને કેટલાક સંસ્કૃત શ્ર્લોકોનું તો તેલુગુમાં બેઠું ભાષાંતર પણ કર્યું છે; પરંતુ ઘટનાઓના વર્ણન તથા પાત્રોના ચરિત્રચિત્રણમાં તેમણે પોતાની અનુકૂળતા મુજબ છૂટ લીધી છે. તેમણે તેલુગુ પ્રજામાં પ્રચલિત રીતરિવાજોનું તથા તેમનાં ઘરોમાંના પ્રચલિત વાતાવરણનું તેમાં ઉમેરણ કર્યું છે.

તેમણે વિસ્તૃત વર્ણનો તથા પ્રસંગાનુરૂપ અપ્રચલિત છંદોના ઉપયોગમાં સર્જનાત્મક આનંદ માણ્યો છે. બાલકાંડમાંનું ઋતુચક્રનું વર્ણન ખૂબ વિસ્તૃત અને પ્રભાવક બન્યું છે; જ્યારે હાથીની મદભરી ચાલના વર્ણન માટે ‘ગજવિલાસિતમ્’ નામનો ખૂબ અજાણ્યો છંદ પ્રયોજ્યો છે. મહાભારતના યુદ્ધ પૂર્વે બંને પક્ષો વચ્ચેના મધ્યસ્થી તરીકે હંસને સંદેશવાહક તરીકે મોકલવાનું ઉમેરણ જેવા પ્રસંગો તેમની સર્જનાત્મકતાની – મૌલિકતાની પ્રતીતિરૂપ છે.

વિદ્વત્તા તેમનું સબળ પાસું હોવાની સાથોસાથ તેમની મર્યાદા પણ બની રહે છે. તેમની ભારેખમ શૈલી અને વર્ણન-પ્રયુક્તિઓથી સામાન્ય વાચક ડઘાઈ જાય છે. આ મહાકાવ્ય ક્યાંક અસંગત તથા દુર્બોધ પણ બન્યું છે. કદાચ આ કારણોને પરિણામે જ આ કૃતિ વિશેષે વિદભોગ્ય રહી છે.

મહેશ ચોકસી