રામાયણચંપૂ : મલયાળમ કૃતિ. રચનાસાલ 1580. રચયિતા પૂનમ ચંપુતરિ. એમને વિશે એટલી જ માહિતી મળે છે કે એ કોષિકોડ્ડુના સામૂતિરિ રાજાઓના રાજકવિ હતા અને મલયાળમના ચંપૂ કાવ્યપ્રકારના પ્રણેતા હતા. ચંપૂ ગદ્યપદ્યમિશ્ર સાહિત્યપ્રકાર છે. એમનું રામાયણચંપૂ ‘કાવ્ય’ એ પ્રકારની પ્રથમ રચના છે અને એમણે અનેક ચંપૂઓની રચના કરી છે. એમણે ‘રામાયણચંપૂ’ દ્વારા મણિપ્રવાલ કાવ્યરીતિને પણ મલયાળમ સાહિત્યમાં પ્રતિષ્ઠિત કરી. આ શૈલીમાં મલયાળમ તથા સંસ્કૃત ભાષાનું મિશ્રણ છે. એમના ‘રામાયણચંપૂ’થી આ શૈલીનું મલયાળમની પૌરાણિક કથાઓમાં પણ પ્રવર્તન થયું.

પૂનમ ચંપુતરિ વિશેષત: વાલ્મીકિ રામાયણને અનુસર્યા છે; પરંતુ એમના પર તમિળ ‘કંબન રામાયણ’નો પ્રભાવ પણ છે; જેમ કે દશરથની મિથિલાયાત્રાનું વર્ણન. એમાં દશરથની સાથે અંત:પુરની રાણીઓ તથા સેના પણ હતી. વળી દશરથના એની રાણીઓ સાથેના વિહારનું વિસ્તારપૂર્વક વર્ણન છે. એ પ્રસંગ કંબનના રામાયણમાં છે. તેનો મલયાળમ કવિએ ઘણો વિસ્તાર કર્યો છે. તેનું એક કારણ એ હોઈ શકે કે મણિપ્રવાલ શૈલીમાં શૃંગારને, વિશેષે કરીને દૈહિક શૃંગારક્રીડાને, મહત્વ અપાતું હોય છે. એ રીતે દશરથ અને એમની પત્નીઓની શૃંગારક્રીડાનું તેમજ રામસીતાની શૃંગારક્રીડાનું પણ મહત્વપૂર્ણ નિરૂપણ છે.

રાવણ સીતાને હરી જાય છે તે પ્રસંગમાં પણ રાવણને સીતાનો સ્પર્શ કરતાં ભય લાગે છે. તેથી જમીન ખોદીને જમીનના એ ટુકડાની સાથે જ સીતાને ઉપાડીને લઈ જાય છે. સીતાને તે સીધો સ્પર્શ કરતો નથી. આ પ્રસંગ પણ કંબનના રામાયણમાંથી લીધો છે.

યુદ્ધકાંડમાં રામની સાથે યુદ્ધ ન કરવા રાવણને સમજાવતાં વિભીષણ વિષ્ણુના નૃસિંહાવતારની કથા સંભળાવે છે. આ પ્રસંગ પણ એમણે કંબનમાંથી લીધો છે. આ રીતે વાલ્મીકિ રામાયણની સાથે સાથે બીજાં રામાયણની પણ અસર છે. આજે પણ મલયાળમ ભાષાના આ રામાયણની કેરળમાં કથા થાય છે અને પદ્યાત્મક ભાગ વાદ્યો સહિત પારાયણમાં ગવાતો હોય છે.

ચન્દ્રકાન્ત મહેતા