રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી

January, 2003

રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી (જ. 16 માર્ચ 1929, મૈસૂર; અ. 1993) : કન્નડ તથા અંગ્રેજી ભાષાવિદ અને કવિ. શિક્ષણ મૈસૂર, પુણે તથા અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં. મૈસૂરની મહારાજ કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ.ની અનુસ્નાતક પદવી મેળવ્યા પછી પુણે યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1958-59માં પુણેની ડેક્કન કૉલેજમાં ફેલો તરીકે સેવાઓ આપી. 1960-62 દરમિયાન અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં ફુલબ્રાઈટ સ્કૉલર રહ્યા, જ્યાંથી ભાષાશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી સંપાદન કરી. થોડાક સમય માટે ક્વિલોન, બેળગામ તથા વડોદરાની કૉલેજોમાં અંગ્રેજી વિષયનું અધ્યાપનકાર્ય કર્યું. 1962થી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર ઑવ્ દ્રવિડિયન સ્ટડિઝ ઍન્ડ લિંગ્વિસ્ટિક્સ તથા સાઉથ એશિયન લગ્વેજિસ ઍન્ડ સિવિલિઝેશન્સ વિભાગના વડા તરીકે સેવાઓ આપી.

અત્યાર સુધી તેમના ચૌદ જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમની માતૃભાષા તમિળ હોવા છતાં તેમના ગ્રંથો કન્નડ અને અંગ્રેજી ભાષામાં લખેલા છે. ‘હોક્કુલાલી હુવિલ્લા’ શીર્ષક હેઠળનો તેમનો કાવ્યસંગ્રહ કન્નડ ભાષામાં 1969માં પ્રકાશિત થયો હતો, જ્યારે ‘માટ્ટોબ્બાના આત્મચરિત્રે’ શીર્ષક હેઠળની તેમની નવલકથા ક્ન્નડમાં 1978માં પ્રકાશિત થઈ હતી. તેમના ચાર કવિતાસંગ્રહો અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયા છે : ‘ધ સ્ટ્રાઇડર્સ’ (1966), ‘ધી ઇન્ટીરિયર લૅન્ડસ્કેપ’ (1967), ‘રિલેશન્સ’ (1971) અને ‘સ્પીકિંગ ઑવ્ શિવ’ (1972). તેમના ‘ધી ઇન્ટીરિયર લૅન્ડસ્કેપ’ કાવ્યસંગ્રહને તમિળ રાઇટર્સ ઍસોસિયેશનનો સુવર્ણચંદ્રક મળ્યો છે. તેમને 1976માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. 1983માં તેમને મેકાર્થર પ્રાઈઝ ફેલોશિપથી સન્માનવામાં આવ્યા હતા.

રામાનુજનનાં મૂળિયાં કન્નડ અને તમિળના ભૂતકાળમાં સજ્જડ રીતે રોપાયેલાં છે, જે તેમણે તેમની સાહિત્યકૃતિઓમાં અને ખાસ કરીને કાવ્યરચનાઓમાં સક્ષમ રીતે પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહિ, પરંતુ તે અંગ્રેજી ભાષા દ્વારા વધારે બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવામાં પણ તેમને સફળતા મળી છે જે તેમની અજોડ સિદ્ધિ ગણાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે