રામાનંદ (જ. આશરે 1299, પ્રયાગ; અ. 1411 બનારસ) : ઉત્તર ભારતમાં ભક્તિ-આંદોલનના પ્રવર્તક સંત. પ્રયાગના કાન્યકુબ્જ બ્રાહ્મણ-પરિવારમાં જન્મ. પિતા પુષ્પસદન શર્મા, માતા સુશીલાદેવી. બચપણથી વિચારશીલ અને ભગવત્-પરાયણ. યુવાવસ્થામાં દક્ષિણ ભારતમાં જઈ શ્રી-સંપ્રદાયના ગુરુ સ્વામી રાઘવાનંદ પાસે દીક્ષા લીધી. થોડા સમયમાં તેઓ શ્રી-સંપ્રદાયના પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાવા લાગ્યા. તેમણે ભારતભરમાં પર્યટન કર્યું. પર્યટન દરમિયાન ખાનપાન અંગેના કડક આચારોના પાલન અંગેની નિરર્થકતા જણાતાં એમણે એ આચારોનું પાલન કર્યું નહિ. આથી ગુરુભાઈઓ સાથે મતભેદ થતાં અઢળક સંપન્નતા ધરાવતા મઠનું મળનારું આચાર્યપદ ત્યજી દઈને ઉત્તર ભારતમાં બનારસમાં આવી પંચગંગા ઘાટ પર મઠ સ્થાપ્યો. તેમનું આ આગમન ભારતના ધાર્મિક ઇતિહાસમાં અગત્યની ઘટના બની. રામાનંદ પોતાની સાથે વૈષ્ણવ-ભક્તિપરંપરા લઈ આવ્યા અને તેનો ઉત્તર ભારતમાં પ્રચાર કર્યો. તેમણે રામાવત સંપ્રદાય પ્રવર્તાવ્યો, જે તેમના નામ પરથી ‘રામાનંદી પંથ’ તરીકે વિશેષ ઓળખાય છે. રામાનંદે દક્ષિણના આળવારો અને શ્રી-સંપ્રદાયના તેન્કલૈમતની ભક્તિ-પદ્ધતિ અપનાવી. તેમણે મોક્ષપ્રાપ્તિ અર્થે ભક્તિને સર્વોચ્ચ સાધન માન્યું. સ્વામી રામાનંદ સગુણોપાસક વૈષ્ણવાચાર્ય હતા. રામભક્તિને સામ્પ્રદાયિક રૂપ આપવાનું સર્વપ્રથમ કાર્ય એમના દ્વારા સિદ્ધ થયું. તેમને મતે મુમુક્ષુઓએ ભગવાનને શરણે જવું એ જ ઉત્તમ માર્ગ છે. જીવ અસહાય છે, તેથી ભગવાનની કૃપા વગર આ સંસાર પાર કરી શકતો નથી. અનંત કર્મપ્રવાહને લઈને આ સંસાર-મહાસાગરમાં લાંબા સમયથી ડૂબતા જીવો ઉપર પ્રભુની કૃપા અવશ્ય થાય છે. તેમણે ‘રામ’ને પોતાના ઇષ્ટદેવ માન્યા હતા. તેઓ કહેતા કે શ્રીરામ કૃપાસિંધુ, પરમ કીર્તિપ્રાપ્ત, અચિંત્ય વૈભવયુક્ત ભગવાન છે. ભગવાનનો જીવો પર પુત્રવત્ સ્નેહ છે. વસ્તુત: પ્રભુ પોતાનાં સ્વજનોનાં પાપ તરફ દૃષ્ટિપાત પણ કરતા નથી અને એ જ તેમનું વાત્સલ્ય છે. આથી મોક્ષ-વાંછુ અને નિષ્પાપ થવાની આકાંક્ષા રાખનારાઓએ પોતાનાં બધાં શુભકર્મો ભગવદાર્પણ કરી દેવાં જોઈએ. તેથી તેઓ સંસારના ભયથી મુક્ત થશે. ભગવાનની આ નિર્હેતુક કૃપાના ઊંચ-નીચ, અમીર-ગરીબ બધા જ લોકો અધિકારી છે. એમાં કુળ, બળ, કાળ અને આડંબરની કોઈ આવશ્યકતા નથી.

ભગવત્કૃપા મેળવવા માટે વૈષ્ણવોએ શરીર ટકે ત્યાં સુધી ધનુર્ધારી ભગવાનની મનોહર યશસ્વી કથા નિત્ય સાંભળવી જોઈએ; કેમ કે, એનાથી સંસારની ઉપાધિઓ મટી જાય છે. લલાટે ઊર્ધ્વ પુંડ્ર અને કંઠે તુલસીની માળા ધારણ કરીને ભક્તે ભગવાનનાં કલ્યાણકારી જન્મ, દિવ્ય કાર્યો અને દિવ્ય નામનું સતત સ્મરણ કરવું જોઈએ. ભક્ત ગમે તે સ્થળે હોય તોપણ તેણે ગુરુએ આપેલા રામષડાક્ષર મંત્ર(श्री रामाय नमः।)નો સતત જપ કરતાં રહેવું જોઈએ. મંત્રજપથી મનુષ્ય ‘મમકાર-શૂન્ય’ બને છે.

ઉત્તર ભારતના મધ્યકાલીન ભક્તિ-આંદોલનના ઇતિહાસમાં સ્વામી રામાનંદનો ફાળો ઘણો મહત્વનો છે. રામાનંદે સમગ્ર ભારતમાં ફરીને તે સમયની પરિસ્થિતિનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો અને પોતાના વિચારો પરિસ્થિતિને અનુકૂળ બનાવ્યા હતા. તેમણે વૈષ્ણવ ભક્તિમાર્ગી સમાજસુધારાની ચળવળ ઉપાડી. પોતે સંસ્કૃતના વિદ્વાન અને ઉચ્ચ બ્રાહ્મણ કુળના હતા, છતાં ધર્મપ્રચારમાં સંસ્કૃતને બદલે લોકભાષા હિંદીને અપનાવી અને પોતે પણ હિંદીમાં પદો લખ્યાં. તેમની પ્રેરણાથી મધ્યયુગમાં તેમજ ત્યારબાદ પ્રચુર માત્રામાં રામભક્તિ-સાહિત્યની રચના થઈ. કેવળ હિંદીમાં જ નહિ, અન્ય ભારતીય ભાષાઓમાં રચાયેલ રામભક્તિ સાહિત્યના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રેરણાસ્રોત સ્વામી રામાનંદ હતા. તેમના અને તેમના શિષ્યો દ્વારા લોકભાષાનો વ્યવહાર થવાથી એ આંદોલન લોક-આંદોલન બની ગયું. રામાનંદે પ્રપત્તિનો માર્ગ બધા જ વર્ગો અને વર્ણોના લોકો માટે ખોલી દીધો. તેમનું મૂળ સૂત્ર હતું કે ‘જાતિ-પાંતિ પૂછે નહીં કોય, હરિ કો ભજે સો હરિ કા હોય.’ રામાનંદ કહેતા કે ભગવાનનો શરણાગત બનીને જે વ્યક્તિ ભક્તિમાર્ગનો રાહી બને છે તેને માટે વર્ણાશ્રમનાં બંધનો વ્યર્થ છે. તેથી ભગવદ્-ભક્તે ખાનપાનની ઝંઝટમાં પડવું નહિ જોઈએ. જો ઋષિઓનાં નામ પરથી ગોત્ર અને પરિવાર બની શકે છે, તો ઋષિઓના પણ પૂજનીય પરમેશ્વરના નામથી બધા લોકોનો પરિચય શા માટે આપી ન શકાય ? આમ બધા ભાઈ-ભાઈ છે, બધા એક જ જાતિના છે. શ્રેષ્ઠતા ભક્તિથી પુરવાર થાય છે, જન્મથી નહિ. તેમના પ્રયત્નોથી સ્ત્રીઓ અને શૂદ્રો માટે પણ ભક્તિમાર્ગ ખૂલી જતાં મધ્યકાળમાં એક મોટી સબળ, ઉદાર વિચારધારા પ્રગટી. એના બળે જે સંત-સાહિત્ય રચાયું, તેમાં જોવા મળતી ઉદાર ચેતનાનું શ્રેય મુખ્યત્વે રામાનંદને ફાળે જાય છે.

રામાનંદે પોતાના મતમાં બ્રાહ્મણથી ચંડાળ સુધીના બધા લોકોને સામેલ કર્યા. તેમના પ્રસિદ્ધ શિષ્યોમાં રૈદાસ ચમાર, કબીર વણકર, ધન્નાજી જાટ, સેનાજી વાળંદ અને પીપાજી રાજપૂત હતા. રામાનંદના આ કાર્યનું સામાજિક મૂલ્ય ઘણું છે. તેમની પ્રેરણાથી પદદલિત લોકોને પણ ભક્તિના સમાન અધિકારી ગણતો ભક્તોનો એક વર્ગ તૈયાર થયો. આ કાર્યને લઈને પદદલિત લોકોમાંથી મહાન સંતો અને સુધારકો પ્રગટ્યા. ભક્તિ-આંદોલનનાં મૂળ ઊંડાં જવાની સાથોસાથ તેમનો વ્યાપ પણ વધ્યો.

‘શ્રી વૈષ્ણવમતાબ્જભાસ્કર’ અને ‘શ્રીરામાર્ચનપદ્ધતિ’ તેમની પ્રમાણિત રચનાઓ છે. આ ઉપરાંત ‘આનંદભાષ્ય’, ‘રામરક્ષાસ્તોત્ર’, ‘જ્ઞાનતિલક’, ‘યોગ-ચિંતામણિ’, ‘ગીતાભાષ્ય’, ‘ઉપનિષદ-ભાષ્ય’, ‘સિદ્ધાંતપટલ’, ‘રામારાધનમ્’, ‘વેદાન્તવિચાર’, ‘રામાનંદાદેશ’, ‘જ્ઞાન-લીલા’, ‘આત્મબોધ’ વગેરેની પણ રચના તેમણે કર્યાનું કહેવાય છે. જોકે આ કૃતિઓ એમના નામે પછીથી પોતપોતાના મતોનું સમર્થન મેળવવા માટે અન્ય વિદ્વાનો દ્વારા લખાઈ હોવાનું પ્રતીત થાય છે.

રામાનંદ પોતે ખાનપાનની બાબતમાં પોતાના મૂળ સંપ્રદાયથી અલગ થયા હતા, તેથી તેઓ પોતાના શિષ્યો પાસે એવા આચાર-વિચાર પર ભાર મુકાવતા નહિ. તેથી તેમના ભક્તોમાં નાતજાતનો પ્રશ્ર્ન રહ્યો નહિ. રામાનંદની બીજી ઉદારતા ઉપાસના-પદ્ધતિની સ્વતંત્રતામાં વરતાય છે. રામાનંદે રામચંદ્રજીના અવતાર અને ચરિત્રને ઉપાસના માટે ઉપયોગી બતાવ્યું હતું. છતાં તેમણે પોતાનો વ્યક્તિગત મત શિષ્યો પર લાદ્યો નહિ. તેઓ માનતા કે ગુરુએ આકાશધર્મી બનીને શિષ્યરૂપી છોડને વિકસવા માટે અવકાશ આપવો જોઈએ. ગુરુએ શિલાધર્મી થઈને એ શિષ્યરૂપી છોડને પોતાના ગુરુત્વના ભારથી દબાવી દઈને એનો વિકાસ ક્યારેય રૂંધવો ન જોઈએ. પછીના કાળમાં પ્રગટેલા ઘણા સંપ્રદાયના લોકોએ પોતાના આદ્ય ગુરુ તરીકે સ્વામી રામાનંદને ગણાવ્યા છે, તેનાં મૂળ રામાનંદની આ ઉદારતામાં રહેલાં છે.

રામાનંદ-સંપ્રદાયનાં પ્રસિદ્ધ સ્થાનોમાં ગલતા, રેવાસા, ડાકોર, ચિત્રકૂટ, અયોધ્યા અને મિથિલા મુખ્ય ગણાય છે. પોરબંદરની નજીક શીંગડામાં રામાનંદ સંપ્રદાયનો મઠ આવેલો છે. શીંગડા શાખાનો એક મઠ અમદાવાદમાં પાલડી વિસ્તારમાં છે. આ મઠ દ્વારા વિદ્યાર્થીઓને વેદાંત, વ્યાકરણ અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરાવવામાં આવે છે. શ્રી રામાનંદાચાર્ય સપ્ત શતાબ્દી મહોત્સવનું આયોજન આ મઠ દ્વારા ઈ. સ. 2000માં કરવામાં આપ્યું હતું. આ મહોત્સવના ભાગ રૂપે બાવળાથી પોરબંદર સુધીનાં સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોને આવરી લેતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

પ્રવીણચંદ્ર પરીખ