રામાધીન સોની [જ. 1 મે 1929, એસ્પરન્સ વિલેજ, ટ્રિનિડાડ (વેસ્ટ ઇન્ડિઝ)] : ટ્રિનિડાડના ક્રિકેટખેલાડી. પ્રથમ કક્ષાની રમતના અનુભવ પેટે તેઓ માત્ર બે અજમાયશી રમતોમાં રમ્યા હતા. પણ તેઓ વેસ્ટ ઇન્ડિઝના ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની 1950ની ટીમ માટે પસંદ થયા હતા. ત્યાં બીજા એવા જ અપરિચિત ડાબેરી એલ્ફ વૅલેન્ટાઇન (જ. 1930) સાથે મળીને તેમણે ઇંગ્લૅન્ડના ખેલાડીઓને મંત્રમુગ્ધ કરી મૂકીને વેસ્ટ ઇન્ડિઝની ટીમને અસામાન્ય રીતે સીરિઝમાં સફળતા અપાવી. તેમણે એ સીરિઝમાં 26.23ની સરેરાશથી 26 વિકેટો લીધી અને વૅલેન્ટાઇને 30.42ની સરેરાશથી 33 વિકેટ ઝડપી. અન્ય તમામ પ્રથમ કક્ષાની મૅચોમાં એ બંનેએ અનુક્રમે 14.88ની સરેરાશથી 135 વિકેટ અને 17.94ની સરેરાશથી 123 વિકેટ ઝડપી. રામાધીનની ગોલંદાજી એટલી બધી અઘરી હતી કે તે કળવાનું મુશ્કેલ બની જતું; તેઓ ‘લેગ-બ્રેક’ સાથે ‘ઑફ-બ્રેક’ પણ નાખતા અને ટેસ્ટમૅચોમાં તો તેઓ તરખાટ મચાવી મૂકતા. જોકે 1951-52માં ઑસ્ટ્રેલિયન બૅટધરોએ તેમને ઝૂડી કાઢ્યા હતા. ટેસ્ટમૅચનું તેમનું ઉત્તમ પૃથક્કરણ ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં એજબૅસ્ટન ખાતે 31 ઓવરમાં 7-49નું હતું.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :
(1) 1950-61 : 43 ટેસ્ટ; 8.20ની સરેરાશથી 361 રન; સૌથી વધુ જુમલો 44; 28.96ની સરેરાશથી 158 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 7-49; 9 કૅચ.
(2) પ્રથમ કક્ષાની મૅચ 1950-65 : 8.66 રનની સરેરાશથી 1,092 રન; સૌથી વધુ જુમલો 44; 20.24ની સરેરાશથી 758 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 8-15; 38 કૅચ.
મહેશ ચોકસી