રામસ્વામી, પતગુડ્ડી એસ. (જ. 15 મે 1927, કરૈકલ, તમિલનાડુ) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના વિખ્યાત નર્તક અને ગુરુ. પુદુચેરી ખાતે ફ્રેન્ચ માધ્યમમાં તેમણે સ્નાતકની પદવી મેળવી. પછી સંગીતની શિક્ષા એસ. જી. કસીઐયર અને ચિદમ્બરમ્ નટરાજ સુન્દરમ્ પિલ્લૈ પાસેથી મેળવી, જ્યારે ભરતનાટ્યમની તાલીમ ચૈયુર એસ. મણિકમ્ પિલ્લૈ પાસેથી 7 વર્ષ સુધી ગુરુકુળમાં રહીને પ્રાપ્ત કરી.

1952માં ચેન્નઈ ખાતે ભરતનાટ્યમના નર્તક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1969માં વિખ્યાત કલાસંસ્થા દર્પણ એકૅડેમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટસમાં નૃત્ય વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા અને 1989 સુધી સેવા આપતા રહ્યા. આ બે દાયકા દરમિયાન વિશ્વના અનેક દેશોમાં નૃત્યના કાર્યક્રમો આપ્યા. છેલ્લે અમદાવાદની સ્વસ્તિક સ્કૂલ ઑવ્ પરફૉર્મિંગ આર્ટસના આચાર્ય તરીકે તેમણે વિદ્યાર્થીઓને ભરતનાટ્યમ્ અને નટુવંગમની તાલીમ આપી.

તેમનાં અગ્રણી શિષ્યોમાં મલ્લિકા સારાભાઈ, શર્મિષ્ઠા સરકાર, બિજૉય શિવરામ, સંધ્યારામ, જ્યોતિ રમેશ, વિદ્યા રામમૂર્તિ, માયા મુખર્જી, નેહા પટેલ, ભૈરવી કોશિયા અને વિજયા રાવની ગણના થાય છે. ચિદમ્બરમ્ નાટ્યાંજલિ, ચિદમ્બરમ્ (દક્ષિણ ભારત) ખાતે પોતાનાં શિષ્યો દ્વારા નૃત્ય-પ્રદર્શન માટે તેમને દર વર્ષે નિમંત્રણ પાઠવવામાં આવતું.

1957માં તેમને મદુરાઈ, તમિલનાડુ ખાતે ‘નાટ્યકલારત્ન’ની ઉપાધિથી અને 1993માં નટેશ્વર એકૅડેમી ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ઍન્ડ મ્યૂઝિક, બાડન, સ્વિટ્ઝર્લૅન્ડ દ્વારા ‘ભારત-કલાપ્રવીણ’ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

શાસ્ત્રીય નૃત્યક્ષેત્રે તેમના બહુમૂલ્ય પ્રદાન બદલ ગુજરાત સંગીત-નૃત્ય નાટક અકાદમી તરફથી તેમને 1994-95ના વર્ષનો ગૌરવ પુરસ્કાર આપવામાં આવેલો.

તેમની વિખ્યાત રચનાઓમાં ‘અળગર કુરવંજી’, ‘ઓમ્ શ્રવણ ભાવ’, ‘ઓમ્ નમ: શિવાય’, ‘પક્ષિણ’ અને ‘ઉત્તરા’ ઉલ્લેખનીય છે. તેમણે કાલિદાસકૃત ‘વિક્રમોવર્શીયમ્’ તથા ‘ધનસુરકર્ણ’નું નિર્માણ પણ કર્યું છે.

બળદેવભાઈ કનીજિયા