રામસ્વામી, ઈ. વેંકટ (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડ, તામિલનાડુ; અ. 24 ડિસેમ્બર 1973) : સ્વાતંત્ર્ય-સૈનિક, દલિતોના ઉદ્ધારક, સમાજ-સેવક તથા પત્રકાર. તેમણે દસ વર્ષની વયે શાળાનો અભ્યાસ છોડી દીધો. તેઓ બાર વર્ષની વયે પિતાની સાથે વેપારમાં જોડાયા. રામસ્વામીમાં દેશભક્તિ જાગી. તેથી તેમણે પોતાનો નફાકારક ધંધો છોડી દીધો અને કૉંગ્રેસે શરૂ કરેલા સ્વાતંત્ર્ય-સંગ્રામમાં જોડાયા. તેઓ નિષ્ઠાવાન સ્વાતંત્ર્ય-સૈનિક બન્યા અને ચક્રવર્તી રાજગોપાલાચારીના નિકટના સંપર્કમાં આવ્યા. તેઓ સ્વાતંત્ર્ય-સંગ્રામોમાં ભાગ લઈને કેટલીયે વાર જેલમાં ગયા હતા. તેઓ ઈ. વી. આર. નામથી જાણીતા થયા.
કેરળના વૈકોમ નામના ગામમાં કેટલાક વિસ્તારોમાં કેટલીક જાતિના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. તે ઘૃણાસ્પદ પ્રથા વિરુદ્ધ તેમણે સત્યાગ્રહ કર્યો. તેમાં તેમને ઘણી સારી સફળતા મળી અને તેઓને ‘વૈકોમ વીર’ના બિરુદથી નવાજવામાં આવ્યા. ઈ. સ. 1925માં તેમણે કૉંગ્રેસ છોડી અને જ્ઞાતિપ્રથાની વિરુદ્ધ જોરદાર આંદોલન શરૂ કર્યું. તેમણે દારૂબંધીનો પણ ખૂબ પ્રચાર કર્યો. ઈ. વી. આરે. દલિતો તથા સમાજના નબળા વર્ગના લોકોના ઉત્કર્ષ વાસ્તે પોતાનું જીવન સમર્પી દીધું.
ઈ. સ. 1925માં તેમણે આત્મ-સમ્માન આંદોલનની શરૂઆત કરી. આ સામાજિક–રાજકીય સંગઠન હતું. તેના તેઓ પોતે અધ્યક્ષ હતા. પોતાના આંદોલનના સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે તેમણે ‘કુડિયરસુ’ (પ્રજાસત્તાક) નામનું સાપ્તાહિક અને તે પછી ‘વિદુતલૈ’ (સ્વાતંત્ર્ય) નામનું દૈનિકનું પ્રકાશન શરૂ કર્યું. તેમણે ખાસ કરીને આંતરજાતીય લગ્ન તથા વિધવા પુનર્વિવાહનો પ્રચાર કર્યો. તેઓ માનતા હતા કે રૂઢિચુસ્તપણું, અંધવિશ્વાસ, સામાજિક ભેદભાવ તથા સમાજના અનેક કુરિવાજો દૂર થવા જોઈએ. આ કુરિવાજો નાબૂદ કરવા વાસ્તે તેઓ આજીવન સંઘર્ષ કરતા રહ્યા.
ઈ. સ. 1938માં તેમને જસ્ટિસ પાર્ટીના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. તે દરમિયાન તેમણે તમિળવાસીઓના ઉત્કર્ષ માટે આંદોલન ચલાવ્યું. ઈ. સ. 1944માં પ્રસિદ્ધ સેલમ સંમેલનમાં રામસ્વામી અને તેમના અનુયાયી સ્વ. સી. એન. અન્નાદુરૈ(તામિલનાડુના દિવંગત મુખ્યમંત્રી)-એ જસ્ટિસ પાર્ટીને એક નવા સંગઠનમાં બદલીને, તેને દ્રવિડ કળગમ નામ આપ્યું.
એક સર્વમાન્ય ક્રાંતિકાર, દેશભક્ત, સ્વાતંત્ર્ય-સૈનિક અને દૃઢ નિર્ધાર રાખનાર રામસ્વામી ખૂબ સાદા અને પ્રેમાળ સ્વભાવના હતા.
જયકુમાર ર. શુક્લ