રામલાલ (જ. 1923) : ઉર્દૂના જાણીતા આધુનિક નવલકથાકાર. કથાલેખનમાં તેઓ પરંપરાગત તત્ત્વો તેમજ લાક્ષણિકતાઓને પ્રશંસે છે અને આવકારે છે, જ્યારે મનોવૈજ્ઞાનિક માવજત અથવા મૌલિક ટૅક્નિકને ટાળે છે. કથાઘટક પરત્વે તેમનું સબળ પ્રભુત્વ છે. પરિણામે તેમનું કથાસાહિત્ય ખૂબ રસપ્રદ બન્યું છે. તેમનું નિરભિમાનીપણું આશ્ર્ચર્યકારક છે. તેઓ પોતાની મર્યાદાઓથી બરાબર માહિતગાર છે અને પોતાની શક્તિ બહાર કોઈ લેખન-સાહસ કરતા નથી.
તેમનાં લખાણો પર પ્રેમચંદજીનો ભારે પ્રભાવ છે. એ ઉપરાંત કૃષ્ણચંદર, મંટો, બેદી, મોપાસાં, ચેખૉવ, ફ્લોબેર અને જૉઇસની અસર પણ પોતે ઝીલી હોવાનું તેઓ કબૂલે છે. તેમની માતાનું વહેલું અવસાન, પોતાના વતન મિયાંવાલીથી પોતે લાહોર નાસી છૂટ્યા તે અને ભારતના ભાગલા – એ ત્રણ ઘટનાઓએ તેમની કૃતિઓ પર, તેમના અભિગમ પર નિર્ણાયક અસર પાડી છે.
મૂળભૂત રીતે તેઓ વાર્તાકાર છે, પણ તેમનું ગણનાપાત્ર પ્રદાન ઉર્દૂ નવલકથાક્ષેત્રે રહ્યું છે. ભારતની ધરતી અને સંસ્કારિતામાં ગૂંથાયેલી તેમની લગભગ 300 ટૂંકી વાર્તાઓમાં વાસ્તવજીવનનું યથાતથ ચિત્રણ છે. માનવ-સ્વભાવનાં અંતર્ગત ગૌરવ અને સચ્ચાઈનું તેઓ સબળ સમર્થન કરે છે. તેમની કેટલીક હૃદયદ્રાવક વાર્તાઓ દેશના ભાગલા પછીના સંહારની પાર્શ્ર્વભૂમિકામાં આલેખાઈ છે. નવેમ્બર 1984માં દિલ્હીમાં થયેલા સંહાર પર રચાયેલી વાર્તા ‘ધ બર્નિંગ ટાયર’ એનું સૌથી સુંદર દૃષ્ટાંત છે.
તેમની 5 નવલકથાઓ પૈકી ‘નીલધારા’ તથા ‘મૂઠીભર ધૂપ’થી તેમને બહોળી ખ્યાતિ મળી. તેમણે નાટકો અને ચલચિત્રોની કથાઓ લખવા ઉપરાંત દૈનિકની કટારોમાં પણ કલમ ચલાવી છે. પ્રવાસના શોખીન રામલાલે ભારતનો વિસ્તૃત પ્રવાસ કરવા ઉપરાંત અનેક વાર વિદેશપ્રવાસ ખેડ્યો છે. તેના આધારે લખેલ ત્રણ પ્રવાસકથાઓએ ઉર્દૂ પ્રવાસસાહિત્યમાં નવું પરિમાણ ઉમેર્યું છે.
ઑલ ઇન્ડિયા ઉર્દૂ કમિટીના અધ્યક્ષ તરીકે તેમણે સ્વાતંત્ર્ય-આંદોલન તથા રાષ્ટ્રીય એકતામાં ઉર્દૂ ભાષાએ ભજવેલા ઉત્તમ ભાગનું મહત્વ બતાવ્યું હતું. આ સાહિત્યલેખકના નામે 30 ઉપરાંત કૃતિઓ છે, જેમાંની કેટલીક પરદેશમાં પ્રગટ થઈ છે અને ભારતીય તથા વિદેશી ભાષાઓમાં તેના અનુવાદ થયા છે. તેમને પંજાબ સરકારનો શિરોમણિ સાહિત્યકાર ઍવૉર્ડ, ગાલિબ ઍવૉર્ડ, સરશાર ઍવૉર્ડ, ઉત્તર પ્રદેશ તથા બિહાર ઉર્દૂ અકાદમી – એ બંને તરફથી શ્રેષ્ઠ ઉર્દૂ કથાસાહિત્ય ઍવૉર્ડ અને બુલેહ શાહ લિટરરી ઍવૉર્ડ (ડેન્માર્ક) જેવાં સન્માન મળેલાં છે.
મહેશ ચોકસી