રામલિંગમ્, એમ. (જ. 1939, તિરુતુરેઇપુંડી, જિ. તાંજોર, તામિલનાડુ) : તમિળ ભાષાના વિવેચક. તેમના વિવેચનસંગ્રહ ‘પુતિય ઉરૈ નદૈ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1963માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી સર્વોચ્ચ ક્રમાંક સાથે તમિળ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1975માં તેમને તમિળ સાહિત્યમાં ડૉક્ટરેટ ડિગ્રીનું સન્માન અપાયું. 1964માં તેઓ તમિલનાડુ શિક્ષણ-સેવામાં જોડાયા. ત્યારબાદ તેઓ કુંભકોણમ્ ખાતેની સરકારી કૉલેજમાં તમિળના પ્રાધ્યાપક અને વિભાગાધ્યક્ષ બન્યા. 1960થી તેમણે લેખનકાર્ય કર્યું અને સાહિત્યિક વિવેચનાના 7 ગ્રંથો, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો અને એક કાવ્યસંગ્રહ પ્રગટ કર્યા. તેમના પુસ્તક ‘વિતુતાલિક્કુપ્પિન તમિળ સિરુકટૈકલ’ને તામિલનાડુ સરકાર તરફથી 1977માં પ્રગટ થયેલા ઉત્તમ વિવેચનગ્રંથ બદલ ઍવૉર્ડ અપાયો હતો.

સાંપ્રત કથાસાહિત્યના વિશ્લેષણનો સર્વપ્રથમ પ્રયાસ, આધુનિક લેખનપ્રવૃત્તિ પ્રત્યેની નિષ્ઠા, વેધક અભ્યાસ-સૂઝ અને સમતોલ મૂલ્યાંકનના કારણે આ વિવેચનગ્રંથ મૂલ્યવાન ઠર્યો છે.

મહેશ ચોકસી