રાપર (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી એક તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો કચ્છના પૂર્વ ભાગમાં છેડા પર આવેલો છે. તેની ઉત્તર તરફ કચ્છનું મોટું રણ, પૂર્વ અને દક્ષિણમાં કચ્છનું નાનું રણ, નૈર્ઋત્યમાં ભચાઉ તાલુકો તથા પશ્ચિમ અને વાયવ્યમાં કચ્છનું મોટું રણ આવેલાં છે.

રાપર તાલુકાની ઉત્તર અને પશ્ચિમ સરહદ પર નાની ટેકરીઓ આવેલી છે. બાકીનો વિસ્તાર સમતળ છે તથા જમીન ફળદ્રૂપ છે. તાલુકાના બાદરગઢ પાસેની ટેકરીમાંથી લાકડિયાવલી નદી નીકળે છે, તે 42 કિમી. લાંબી છે અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તેના પર સિંચાઈ માટેના નીલપર1 અને નીલપર-2 નામના બંધ તૈયાર કરેલા છે. સુતઈ નદી બાદરગઢની પશ્ચિમે આવેલી ટેકરીમાંથી નીકળી, 39 કિમી. વહી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. તેના પર પણ સિંચાઈ માટેનો બંધ બાંધેલો છે. ડભુંડા ગામ નજીકની ટેકરીમાંથી માલણ નદી નીકળે છે, તે 32 કિમી. વહી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. તેના પર પણ સિંચાઈ માટેનો બંધ બાંધેલો છે.

તાલુકામાં જુલાઈ અને જાન્યુઆરીમાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 35°થી 40° સે. અને 25°થી 27° સે. તથા 26° સે. અને 11° સે. જેટલાં રહે છે. રાપર તાલુકાની ત્રણ બાજુએ કચ્છનું નાનું-મોટું રણ આવેલું હોવાથી વરસાદ પ્રમાણમાં ઘણો ઓછો પડે છે; 1989 અને 1990માં અહીં 368 અને 273 મિમી. જેટલો વરસાદ પડ્યો હતો.

રાપર તાલુકામાં 26,732 હેક્ટર જમીનમાં કાંટાળાં તથા સામાન્ય વૃક્ષો – બાવળ, ગાંડો બાવળ, ગૂગળી, બોરડી, અંગારિયો, થોર, કેરડો, ગુંદી, લીમડો, આંબલી, વડ, પીપળો, ખીજડો વગેરે જોવા મળે છે. કચ્છના મહારાવે વૃક્ષો અને ઘાસયુક્ત (‘રાખાલ’ તરીકે ઓળખાતો) જંગલનો પટ્ટો તૈયાર કરાવ્યો હતો.

અહીંના મુખ્ય ખાદ્યપાકો બાજરી, જુવાર, ઘઉં અને મગ છે; જ્યારે કપાસ, મગફળી અને એરંડા રોકડિયા પાકો છે. સિંચાઈ મુખ્યત્વે કૂવાઓ દ્વારા થાય છે. નાના બંધોની નહેરોનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે પાતાળકૂવાની શરૂઆત થઈ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંના પશુધનમાં ગાય, ભેંસ, પાડા, ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા અને ગધેડાંનો સમાવેશ થાય છે. અહીંના ઘોડાની ઓલાદ જાણીતી છે.

આ તાલુકામાં રેતી, રેતીખડકો અને માટી મળી આવે છે. મીઠું પણ અહીંની મહત્વની પેદાશ છે. જંગલમાંથી મેળવાતી મુખ્ય પેદાશોમાં બાળવા માટેનાં લાકડાં, કોલસો અને ગુંદર છે. અહીંના પરંપરાગત લઘુ ઉદ્યોગોમાં ચર્મકામ, સુથારી-લુહારીકામ અને વણાટકામનો સમાવેશ થાય છે. આડેસર નજીક મીઠાનું ઉત્પાદન લેવાય છે. રાપરમાં જિન અને તેલની મિલ પણ છે. ખેતીનાં યાંત્રિક સાધનોનું સમારકામ થાય છે.

આ તાલુકામાંથી ડીસા કંડલા મીટરગેજ રેલમાર્ગ પસાર થાય છે. આ માર્ગ પર રાપર સહિત પાંચ જેટલાં રેલમથકો છે. જિલ્લા પંચાયત અને જાહેર બાંધકામ ખાતા-હસ્તક આશરે 450 કિમી. લંબાઈના પાકા અને 265 કિમી. લંબાઈના કાચા રસ્તા આવેલા છે. તાલુકામાં 157 પ્રાથમિક શાળાઓ, 7 માધ્યમિક શાળાઓ, 1 ઉચ્ચતર માધ્યમિક શાળા, બાલમંદિરો, તાલુકા-પુસ્તકાલય તથા પ્રૌઢશિક્ષણના રાત્રિવર્ગોની સગવડ છે. તાલુકામાં ચાર ગ્રંથાલયો અને બે વાચનાલયો છે.

તાલુકામાં પાંચ વાણિજ્ય બૅંકો અને બે સહકારી બૅંકો છે. અહીં પાંચ ગામોમાં તાર-ટપાલ-ટેલિફોન સેવાની સગવડ છે. સહકારી બૅંકો ધિરાણ, બીજ, ખાતર વગેરેની અનુકૂળતા કરી આપે છે. તાલુકાની વસ્તી 1991 મુજબ 1,50,517 જેટલી હતી. ભૂકંપને કારણે 2001ની વસ્તી ગણતરી થઈ શકી નથી.

રાપર (નગર) : કચ્છના રાપર તાલુકાનું નગર. ભૌગોલિક સ્થાન : 23° 30´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે. . 1991 મુજબ રાપરની વસ્તી 16,466ની હતી અને વસ્તીની ગીચતા દર ચોકિમી.દીઠ 318ની હતી. સ્ત્રી-પુરુષોનું પ્રમાણ પણ લગભગ સમાન હતું. 1981-91ના દાયકા દરમિયાન વેપાર-ઉદ્યોગનો વિકાસ થવાથી વસ્તીવધારો થયેલો.

અહીં તેલની મિલ, જિન અને કેટલાક લઘુ ઉદ્યોગો ભારતને આઝાદી મળ્યા પછી વિકસેલા.

અહીં પ્રાથમિક શાળા વિનાનું એક પણ ગામ નથી. રાપરમાં પ્રાથમિક શાળાઓ, એક માધ્યમિક શાળા, તાલુકા-પુસ્તકાલય, દવાખાનું, બે વાણિજ્ય બૅંકો અને એક સહકારી બૅંક છે.

26 જાન્યુઆરી 2001ના ભૂકંપથી રાપર તાલુકાનાં ગામો અને આખાય રાપર નગરને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.

શિવપ્રસાદ રાજગોર