રા’નોંઘણ-2 (1067-1098) : સોરઠના ચૂડાસમા વંશનો નવમો શાસક અને રા’ખેંગાર-1(1044-1067)નો પુત્ર. પાટણના સોલંકીઓની જેમ ચૂડાસમાઓને પણ સોરઠની ગાદી મોસાળ પક્ષ તરફથી પ્રાપ્ત થઈ હતી. ચૂડાસમા વંશમાં નોંઘણ નામધારી ચાર શાસકો થઈ ગયા હતા.

રા’નોંઘણ-2ના શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં સત્તાવિસ્તાર માટે અનુકૂળ સ્થિતિ હતી. તેની સત્તાને પડકારી શકે તેવો પાટણનો સોલંકી રાજા ભીમદેવ (1022-1072) વૃદ્ધ થયો હતો અને સોલંકીઓ માળવા અને સાંભર સાથે સતત સંઘર્ષમાં રહેતા હતા. પોતાના રાજ્યની સરહદ વધારવા સૌપ્રથમ રા’નોંઘણ-2એ કચ્છના યદુવંશી રાજા ભટ્ટી ઉપર ચડાઈ કરી હતી. ભટ્ટીએ સોરઠના રાજા સાથે સંધિ કરી, ત્યારપછી કચ્છના સૈન્યને સાથે લઈને રા’નોંઘણે સિંધના જામ ઉન્નડજી ઉપર આક્રમણ કર્યું. તેણે પણ રા’નોંઘણ સાથે સુલેહ કરી. સિંધના જ હમીર સુમરાને પણ રા’એ હરાવ્યો અને માર્યો, સોરઠની આસપાસની નાની ઠકરાતોને પણ મા’ત કરીને રા’નોંઘણ-2એ સોરઠની સર્વોપરિતા સાબિત કરી હતી. આવી ઠકરાતોમાં ઘુમલીના જેઠવા, માંગરોળના ગોહિલો અને સાગરકાંઠાના ચાવડાઓનો સમાવેશ થતો હતો.

રા’નોંઘણ-2ને શાસનની સ્થિરતા અને વિસ્તાર માટે અગિયારમી સદીની અંતિમ પચીસી દરમિયાન વિશેષ અનુકૂળતા મળી હતી. પાટણના ભીમદેવ સોલંકીનું મૃત્યુ થયું હતું (1072), ત્યારપછી ગાદીએ આવેલા કર્ણ(1072-94)નું ધ્યાન બાંધકામો પ્રત્યે વિશેષ હતું અને ત્યારપછી ગાદીએ આવેલો સિદ્ધરાજ નાની વયનો હતો. સૌપ્રથમ રા’નોંઘણ-2એ પાટણ ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાંના મંત્રીએ ઉમેટાના ઠાકોર હરરાજને મોકલ્યો. તેણે મોટી રકમ આપીને રા’નોંઘણને પાછો વાળ્યો હતો. વાટાઘાટો દરમિયાન કોઈક કારણસર અણબનાવ થતાં રા’એ ઉમેટા ઉપર આક્રમણ કરીને હરરાજને હરાવ્યો. હરરાજે પોતાની પુત્રી રા’નોંઘણ-2ને પરણાવી હતી. આ બનાવ પછી પણ ઉમેટાના હરરાજના પુત્ર હંસરાજ સાથેનું સોરઠનું વેર ચાલુ રહ્યું હતું. ઉમેટાથી જૂનાગઢ જતાં રસ્તે પડતા ભોંયરાના ઠાકોર સાથે પણ રા’નોંઘણના લશ્કરને નાની અથડામણ થઈ હતી. એક જનશ્રુતિ પ્રમાણે નળકાંઠાની બાજુમાં પાંચાળમાં પાટણ અને સોરઠનાં લશ્કરો વચ્ચે અથડામણ થઈ હતી. મેસણ ભાટની કથા પ્રમાણે તો સોલંકી રાજાએ રા’નોંઘણની તલવાર આંચકી લઈને મોઢામાં તરણું લેવરાવેલું.

રા’નોંઘણ-2ની કારકિર્દીનાં અંતિમ વર્ષોને લગતા ઉપર દર્શાવેલ બનાવો માટે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. મૃત્યુ પૂર્વે રા’નોંઘણની અતૃપ્ત વાસનાને વાચા આપવા દંતકથાઓ પ્રયોજાઈ છે, જે નોંઘણની સત્તાવિસ્તાર માટેની યોજનાના ભાગ રૂપે પ્રયોજાઈ હતી એમ જણાય છે. પાટણનો દરવાજો તોડવો, ઉમેટાના હંસરાજને મારવો, ભોંયરાના કિલ્લાને તોડવો અને મેસણ ભાટના ગાલ ફાડવા વગરે પ્રતિજ્ઞાઓ રા’નોંઘણ-2 પૂર્ણ કરી શક્યો નહોતો અથવા તો બદલો લઈ શક્યો નહોતો. રા’નોંઘણ-2ને ચાર પુત્રો ભીમ, સરવો, દેવઘણજી અને ખેંગાર હતા. એક અન્ય યાદી પ્રમાણે, રાયઘણજી, શેરસિંહ, ચંદ્રસિંહ અને ખેંગાર એમ તેના ચાર પુત્રો હતા. તેના મૃત્યુ પછી તેનો સૌથી નાનો પુત્ર ખેંગાર2 (1098-1114) ગાદીએ બેઠો હતો.

મોહન વ. મેઘાણી