રાપાકિવી કણરચના (Rapakivi texture) : કણરચનાનો એક પ્રકાર. આ પ્રકારની કણરચનાનું મૂળ ફિનલૅન્ડના ગ્રૅનાઇટની કણરચનામાં રહેલું છે. ત્યાંના લાક્ષણિક ગ્રૅનાઇટમાં આલ્બાઇટ કે ઑલિગોક્લેઝથી બનેલા સફેદ સોડિક પ્લેજિયૉક્લેઝના આચ્છાદન સહિતના થોડાક સેમી.ના વ્યાસવાળા, માંસ જેવા લાલાશ પડતા રંગવાળા, ગોળાકાર, ઑર્થોક્લેઝ કે માઇક્રોક્લિનથી બનેલા પોટાશ ફેલ્સ્પારના સ્ફટિકો જોવા મળે છે. આ ફેલ્સ્પારની આજુબાજુ સામાન્યપણે ગ્રૅનાઇટમાં હોય છે એવું જ ક્વાર્ટઝ, પોટાશ ફેલ્સ્પાર, પ્લેજિયૉક્લેઝ, બાયૉટાઇટ અને હૉર્નબ્લેન્ડથી બનેલું પરિવેષ્ટિત દ્રવ્ય રહેલું હોય છે. પોટાશ ફેલ્સ્પારનું ગોળાકાર સ્વરૂપ મૅગ્માજન્ય ખવાણને કારણે તૈયાર થયેલું છે. રાપાકિવી ગ્રૅનાઇટ તરીકે ઓળખાતા ગ્રૅનાઇટના વિશાળ જથ્થા સ્વીડન અને ફિનલૅન્ડમાં આવેલા છે. આ પ્રકારની કણરચના ધરાવતા કોઈ પણ ગ્રૅનાઇટને રાપાકિવી ગ્રૅનાઇટ તરીકે ઓળખાવી શકાય.

રાપાકિવી કણરચના તૈયાર થવાના સંદર્ભમાં અનેક મંતવ્યો રજૂ થયેલાં છે. આચ્છાદિત બનેલા મહાસ્ફટિકો વિવિધ રીતે બની શકે :  ગ્રૅનાઇટ મૅગ્માના સીધેસીધા સ્ફટિકીકરણ દ્વારા, જેમાં તાપમાન, દબાણ, બંધારણ અથવા બાષ્પદ્રવ્યની માત્રામાં થતા ફેરફારોથી સ્ફટિકીકરણના સંતુલન સંજોગોમાં બદલાવ આવ્યો હોય; (ii) ખડકની અંતિમ મૅગ્માજન્ય અથવા પશ્ર્ચાત્ મૅગ્માજન્ય પુનર્ગોઠવણી થઈ હોય; (iii) જૂના ખડકોની કણશ: વિસ્થાપનની સ્થિતિ સર્જાઈ હોય, કદાચ ગ્રૅનાઇટીભવનની ક્રિયામાં સામેલ થયા હોય.

ગિરીશભાઈ પંડ્યા