રાણી નેફરટીટી : ઇજિપ્તના ફેરો (રાજા) અખનાતનની પત્ની અને પ્રાચીન ઇજિપ્તની રાણી. અખનાતન આશરે ઈ. પૂ. 1367થી 1350 સુધી ઇજિપ્તનો શાસક હતો. એકેશ્વરવાદનો પ્રચાર કરનાર અને માત્ર એટન(સૂર્ય)ને દેવ માનનાર અખનાતન પ્રથમ ફેરો હતો. નેફરટીટી અખનાતનની આ માન્યતા તથા તેના ઉપદેશની દૃઢ સમર્થક હતી અને નવી ધાર્મિક વિધિઓમાં તેને સહાયરૂપ થતી હતી. તેણે કલા, ધર્મ અને સામાજિક રીતરિવાજોમાં અનેક પરિવર્તનો કર્યાં, તેથી અખનાતન અને નેફરટીટીનો શાસનકાળ ‘અમર્ના ક્રાંતિ’ નામથી ઓળખાય છે. અખનાતને અખટેટન (એટન એટલે સૂર્યદેવ) નામનું નવું પાટનગર બંધાવ્યું. તેમાં અમર્ના નામની એક અલગ જગ્યામાં નવી પદ્ધતિ તથા માન્યતા મુજબનાં ભીંતચિત્રો તથા કોતરકામ (શિલ્પ) કરવામાં આવેલ છે. તેમાંનાં કેટલાંક શિલ્પો અને છબીઓ નેફરટીટીનાં છે. બર્લિન મ્યુઝિયમમાં ચૂનાના પથ્થરનું બનાવેલું આ રાણીનું મસ્તક છે.

જયકુમાર ર. શુક્લ