રાણીનો હજીરો : અમદાવાદ શહેરની મધ્યમાં જામી (જામે) મસ્જિદની બાજુમાં અને અહમદશાહના રોજાની સામે આવેલો મિનારાઓવાળો રોજો. તે ગુજરાતના સલ્તનત સમયમાં બંધાયો હતો. હાલમાં આ રોજો ચારે બાજુએ ધમધમતા માણેકચોકના વેપારી વિસ્તારની વચ્ચે ઘેરાયેલો છે. આ હજીરો તેના વિશિષ્ટ પ્રકારના બાંધકામ માટે ધ્યાનાકર્ષક છે. તેમાં કબરો રાખવાનો ભાગ ખુલ્લો છે તથા તે વચ્ચેના વિસ્તારને ફરતા ચોરસમાં સુંદર લિવાન (મંડપ) પ્રકારનો આચ્છાદિત પ્રદક્ષિણામાર્ગ કરેલો છે. જમીનના સ્તરથી તે ઠીક ઠીક ઊંચાઈએ બનાવેલો છે. એમાં જવા માટે પગથિયાં છે. આ હજીરાના તલચ્છદની પ્રમાણસરતા નોંધપાત્ર છે. અહીં 1 : 2 : 4 : 8 નું પ્રમાણ જોવા મળે છે. એના સ્તંભ સાદા છે. તેમાં શિલ્પકામ કરેલું નથી, પરંતુ એમાંનાં સ્તર તથા જાળીઓ સવિશેષ ધ્યાનાકર્ષક છે. આ રોજાની વિશેષતા એ છે કે તેમાં ઘૂમટનો અભાવ છે. ઊંચી પીઠ પર શાહી કુટુંબની સ્ત્રીઓની કબરો આવેલી છે. આ કબરો કઈ રાણીઓ(બેગમો)ની છે તે નક્કી થયું નથી.

જયકુમાર ર. શુક્લ